ભરૂચ: વાલીયામાં પોતના જ આલીશાન મકાનમાં રહેતા શિક્ષક દંપતીની લોહીથી લથપથ લાશો મળી આવવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે. બુધવારે આખો દિવસ દંપતીનો બંગલો બંધ રહેતા પાડોશીઓે શંકા કુશંકા ગઇ હતી. જેથી પાડોશીઓએ મોડી સાંજે પોલીસને જાણ કરી હતી. પોલીસ દરવાજો તોડીને અંદર પ્રવેશી તો દંપતીના લોહીથી મૃતદેહ આવ્યા સ્તબ્ધ થઈ ગયા હતા.
- દિવસભર બંગલો બંધ રહેતા પાડોશીઓએ પોલીસ બોલાવી
- ઉચ્ચઅધિકારીઓ ઘટનાસ્થળે દોડ્યા
- દંપતીના મૃતદેહ ઘરમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા
- દરવાજો ન ખોલતા પાડોશીઓએ પોલીસ બોલાવી
સમગ્ર ઘટના અંગે માહિતી અનુસાર વાલીયામાં ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા અને વિજયનગર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક જીતેન્દ્રસિંહ બોડાદરા અને ભિલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા તેમના પત્ની લતાબેન બોડાદરાના મૃતદેહ તેમના જ ઘરમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા હતા.
તા.5મી માર્ચના રોજ દંપતીની અવરજવર ન દેખાતા પાડોશીએ ઘણીવાર ડોરબેલ વગાડ્યો હતો. જોકે, અંદરથી કોઇ જવાબ ન મળતાં અંતે મોડી સાંજે દસેક વાગ્યાના અરસામાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે મકાનનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે બંને પતિ-પત્નીના મૃતદેહ મળી આવ્યા હતા. બંને મૃતદેહ પર તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા.

ઘટનાની જાણ થતાં ઝઘડિયાના એ.એસ.પી. અજય કુમાર મીણા, ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ભરૂચ એસપી મયુર ચાવડા પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. હાલ પોલીસ આ કેસમાં હત્યા કે આત્મહત્યાની દિશામાં તપાસ કરી રહી છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અનેક તર્ક-વિતર્ક ચર્ચાઈ રહ્યા છે.
આ ઘટનામાં હત્યા છે કે આત્મહત્યા પોલીસે તપાસ હાથ ધરી
ઝઘડીયા એએસપી અજયકુમાર મીણાએ જણાવ્યું હતું કે, મોડી સાંજે દસ વાગ્યાના અરસામાં દંપતનીના પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી કે, ઘરનો દરવાજો કોઇ નથી ખોલતું. જેથી પોલીસની ટીમ ઘટનાસ્થળે આવીને દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતાં પતિ-પત્ની બંનેના મૃતદેહ પડ્યા હતા. હાલ મૃતદેહને પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યા છે અને આ હત્યા છે કે આત્મહત્યા છે એ દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.
