સુરત : નદી કિનારે રેતીખનન કરવા નાવડી (Boat) મુકવા બાબતે બે ભાઈઓ વચ્ચે ઝઘડો થતા મોટા ભાઈએ નાના ભાઈને માર માર્યો હતો. જેથી મોટા ભાઈની સામે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ નોંધાવી હતી. નાનપુરા ખાતે હીજડાવાડમાં રહેતા 38 વર્ષીય ભાવેશભાઈ તુલસીભાઈ ભગત રેતી ખનનનું કામ કરે છે. તેમના દ્વારા ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ભદ્રેશ તુલસીભાઈ ભગત (ઉ.વ.40, સુડા આવાસ, પાલ) ની સામે ફરિયાદ નોંધાવી હતી.
ગત 16 તારીખે રાત્રે ભાવેશભાઈ ભાઠાગામ પોલીસ ચોકીની સામે ચાઈનીઝની દુકાને તેમના મામા અને ભાગીદાર સાથે બેઠા હતા. ત્યારે રાત્રે તેમનો ભાઈ ભદ્રેશે આવીને તુ તારી નદી કાંઠે મુકેલી નાવડી હટાવી લેજે નહી તો નાવડી સળગાવી નાખીશ, તે જગ્યા મારી છે તેમ કહ્યું હતું. ભાવેશે તે જગ્યા તારી નહી સરકારી છે. જેથી મને તુ શાંતીથી ધંધો કરવા દે મારી સાથે મગજમારી ના કર, તેમ કહેતા ગુસ્સે થયેલા ભદ્રેશે ઝપાઝપી કરી હતી. બાદમાં મામા અને ભાગીદારે ઝઘડો શાંત કરાવ્યો હતો. મોડી રાત્રે ભાવેશ ઘરે જતી વખતે ભદ્રેશે કાર તેની પાછળ લાવ્યો હતો. અચાનક બ્રેક મારતા ભાવેશની મોપેડ કાર સાથે અથડાઈ હતી. ભાવેશ નીચે પડી જતા બંને વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. ભાવેશને માથામાં ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેથી ભાવેશે ભાઈ ભદ્રેશની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
વિજલપોરમાં બે યુવાને જૂની અદાવતમાં એકને માર્યો
નવસારી : વિજલપોરમાં બે યુવાનોએ જૂની અદાવતમાં એકને માર મારતા મામલો વિજલપોર પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, વિજલપોર હનુમાન મંદિર પાછળ જયશક્તિનગરમાં આકાશ રામવીર કુસવાહા તેમના પરિવાર સાથે રહે છે. આકાશ જયશક્તિનગરમાં રસ્તા ઉપર ઉભો હતો. ત્યારે વિજલપોર રામનગર-2 માં રહેતા શિવમસિંગ તેનો પાણી ભરેલો ટેમ્પો લઈને નીકળતા આકાશને ટેમ્પાની કટ મારી હતી. જેથી આકાશે શિવમસિંગને ટેમ્પો જોઇને ચલાવ તેમ કહેતા શિવમસિંગે આકાશને અપશબ્દો બોલ્યો હતો. અને ત્યાંથી જતો રહ્યો હતો. અડધા કલાક બાદ શિવમસિંગ અને શુભમસિંગ આકાશ પાસે આવી તુ મને ગાળો કેમ આપતો હતો તેમ કહી આકાશ સાથે ઝપાઝપી કરી માર મારવા લાગ્યા હતા. આકશને લાકડાનો ફટકો મારતા તેને ડાબા હાથની હથેળીના ઉપરના ભાગે ફ્રેકચર થયું હતું. આ બાબતે આકાશે વિજલપોર પોલીસ મથકે શિવમસિંગ અને શુભમસિંગ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. એન.ડી. ચૌધરીએ હાથ ધરી છે.