સુરતઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની પરીક્ષા તા. 26 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. આ વખતે રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 1.61 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. પહેલીવાર વિદ્યાર્થીઓને બૂટ મોજાં પહેરી પરીક્ષા ખંડમાં બેસવાની છૂટ આપવામાં આવી છે.
- રાજ્યમાં સૌથી વધુ સુરતમાં બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
- સુરતમાં 1.61 લાખ વિદ્યાર્થીઓ ધો. 10 અને ધો. 12ની પરીક્ષા આપશે
સુરત જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું કે, રાજ્યમાં સૌથી વધુ સુરતમાં ધો. 10 અને ધો. 12ના મળી 1.61 લાખ વિદ્યાર્થીઓ એચએસસી અને એસએસસી બોર્ડની પરીક્ષા આપનાર છે. પરીક્ષા માટેની સૂંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે. તા. 2 ફેબ્રુઆરીના રોજ કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં નક્કી કરાયા મુજબ આ વર્ષે વિદ્યાર્થીઓ બૂટ મોજાં પહેરી પરીક્ષા ખંડમાં બેસી શકશે. તે ઉપરાંત વિદ્યાર્થીઓ નકલ ન કરે તે માટે સીસીટીવી કેમેરા ગોઠવી દેવાયા છે. ઉપરાંત વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પરીક્ષા મિત્ર વેબસાઈટ શરૂ કરાઈ છે, તેની પર સંપર્ક કરી વિદ્યાર્થી પરીક્ષાને લગતી મૂંઝવણોના પ્રશ્નો પૂછી ઉકેલ મેળવી શકશે.
નકલ રોકવા કડક બંદોબસ્ત
વિદ્યાર્થીઓ પરીક્ષામાં નકલ ન કરે તે માટે પરીક્ષા ખંડોમાં વર્ગ 1 અને 2ના અધિકારીઓની નિમણૂંક કરાઈ છે. આ અધિકારીઓ પરીક્ષા દરમિયાન શાળામાં રહી સંપૂર્ણ તકેદારી રાખશે.
પરીક્ષા મિત્ર વિદ્યાર્થીઓને મદદરૂપ થશે
આ વખતે પહેલીવાર પરીક્ષા મિત્ર બુકલેટ બહાર પાડવામાં આવી છે. વેબસાઈટ પર પણ તે અંગે માહિતી છે. 192 જેટલાં શિક્ષકો, મનોવૈજ્ઞાનિકો સહિતની ટીમ વિદ્યાર્થીઓની મદદ માટે ખડેપગે હાજર રહેશે. તમામ વિષયના શિક્ષકો પરીક્ષા મિત્રમાં સેવા બજાવશે. વિદ્યાર્થીઓને અભ્યાસ સંબંધિત મૂંઝવણ હોય તો પૂછી શકશે. કોઈને પરીક્ષાનો ડર લાગતો હોય તો મનોવૈજ્ઞાનિકો તેમને મદદરૂપ થશે.