Madhya Gujarat

નડિયાદ પાલિકાની બોર્ડ બેઠક અગાઉ ભાજપના નગરસેવકોના બે ફાંટા પડ્યાં

નડિયાદ: ભાજપ શાસિત નડિયાદ નગરપાલિકામાં આગામી દિવસોમાં યોજાનારી સામાન્ય બોર્ડની બેઠકના અઠવાડિયા અગાઉ સત્તાધારી પક્ષના કાઉન્સિલરો બે જુથમાં વહેંચાયાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તે જોતાં સામાન્ય બોર્ડની બેઠકમાં નવા-જુની થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. નડિયાદ નગરપાલિકાની આગામી સામાન્ય સભા તારીખ ૩૦ મી એપ્રિલને શનિવારના રોજ બોલાવવામાં આવી છે. જે અગાઉ સભામાં રજુ કરવાના ૨૫ એજન્ડા પણ તૈયાર કરી દેવામાં આવ્યાં છે.

જોકે, મોટાભાગના સત્તાધારી પક્ષના કાઉન્સિલરોની જાણ બહાર આ એજન્ડા તૈયાર કરવામાં આવ્યાં હોવાથી પક્ષમાં અંદરોઅંદર ડખાં થયાં છે. પક્ષની આવી નિતીથી નારાજ થયેલાં સત્તાધારી પક્ષના કેટલાક કાઉન્સિલરોએ શુક્રવારે નગરપાલિકા કચેરીમાં પાલિકાના પ્રમુખ સાથે બબાલ પણ કરી હતી. તે વખતે પાલિકાના સત્તાધારી પક્ષના કાઉન્સિલરો બે જુથમાં વહેંચાયેલાં જોવા મળ્યાં હતાં. તે જોતાં આગામી સામાન્ય બોર્ડની બેઠકમાં નવા-જુની થશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે આ મામલે પક્ષના કાઉન્સિલરોની નારાજગી દૂર કરવા ભાજપ મોવડી મંડળે કવાયત હાથ ધરી છે. જોકે, તેઓ તેમાં કેટલા સફળ થાય છે ? તે બેઠકમા દેખાશે.

એક કમિટીના ચેરમેને પ્રમુખ પતિને રૂમની બહાર નીકળી જવા જણાવ્યું
આગામી તારીખ ૩૦ મી એપ્રિલના રોજ નડિયાદ નગરપાલિકાની સામાન્ય બોર્ડની બેઠક યોજાવાની છે. આ માટે એજન્ડા પણ તૈયાર કરી લેવામાં આવ્યાં છે. જોકે, સેન્સમાં લીધાં વગર જ એજન્ડા બહાર પાડ્યાં હોવાથી પક્ષના જ કેટલાક કાઉન્સિલરોમાં નારાજગી વ્યાપી છે. નારાજ થયેલાં કેટલાક કાઉન્સિલરોએ શુક્રવારે પાલિકામાં માથાકુટ પણ કરી હતી. જે દરમિયાન પાલિકા પ્રમુખ રંજનબેનના પતિ અવારનવાર વચ્ચે બોલી રહ્યાં હતાં. જેથી રોષે ભરાયેલાં એક કમિટીના ચેરમેને પાલિકાના પ્રમુખના પતિની ઝાટકણી કાઢી હતી અને તમે પ્રમુખ નથી, તમારે વચ્ચે નહીં બોલવાનું, ગેટ આઉટ….કહી રૂમની બહાર નીકળી જવા જણાવ્યું હતું.

Most Popular

To Top