બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણીના પરિણામો આવી ગયા છે. તારીક રહેમાન, જેમને એક સમયે બાંગ્લાદેશના રાજકારણના ‘ડાર્ક પ્રિન્સ’ અને દેશના સૌથી શક્તિશાળી રાજવંશોમાંના એકના વારસદાર તરીકે જોવામાં આવતા હતા તેમની પાર્ટી BNP એ ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો છે. ભારત, જે આ ચૂંટણીઓ પર બારીકાઈથી નજર રાખી રહ્યું હતું, તેણે પરિણામો જાહેર થાય તે પહેલાં જ તારીકને અભિનંદન પાઠવ્યા હતા, જે 2024 માં શેખ હસીનાની હકાલપટ્ટી પછી તળિયે પહોંચેલા બાંગ્લાદેશ સાથેના સંબંધોને ફરી પાટા પર લાવવાની ભારતની આતુરતા દર્શાવે છે. ભારતમાં તારીકની BNPને વૈચારિક રીતે કટ્ટર જમાત-એ-ઈસ્લામીની સામે એક ઉદારમતવાદી વિકલ્પ તરીકે જોવામાં આવી છે. શેખ હસીનાની અવામી લીગ પાર્ટી તો આ વખતે મેદાનમાં હતી જ નહીં કેમ કે તેના પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.
જમાતે ઇસ્લામી એક કટ્ટરવાદી અને પાકિસ્તાન તરફ વધુ ઢળતો પક્ષ છે. બાંગ્લાદેશની જનતાએ તેને નકારી કાઢ્યો છે તે ભારત માટે કંઇક રાહતરૂપ ઘટના છે પરંતુ બીએનપી પણ ભારત સાથે બહુ મિત્રાચારીપૂર્ણ રહે તેવી અપેક્ષા મજબૂત રીતે રાખી શકાતી નથી. ગયા ડિસેમ્બરમાં 17 વર્ષના દેશનિકાલ બાદ પરત ફર્યા પછી તારીકનું વલણ કંઈક અંશે હકારાત્મક રહ્યું છે. બાંગ્લાદેશમાં ‘તારીક ઝિયા’ તરીકે જાણીતા, તારીકે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ‘અમેરિકા ફર્સ્ટ’ નેરેટિવની તર્જ પર ‘બાંગ્લાદેશ ફર્સ્ટ’ એજન્ડાનું વચન આપ્યું છે. મહત્વની વાત એ છે કે, તેમણે બાંગ્લાદેશને ભારત, ચીન અને પાકિસ્તાન જેવી પ્રાદેશિક શક્તિઓથી સમાન અંતરે રાખવાનું વચન આપ્યું છે.
મુહમ્મદ યુનુસ હેઠળના વચગાળાના વહીવટીતંત્ર દ્વારા પાકિસ્તાન અને ચીન પ્રત્યે ઝુકાવ દર્શાવ્યા પછી ભારત માટે આ એક સારા સંકેત છે. બંને દેશો, જે 4,000 કિમીની સરહદ ધરાવે છે, તેમને અનેક બાબતોમાં એકબીજા વિના ચાલે તેમ નથી. બીજી તરફ, બાંગ્લાદેશમાં લોકોનો મિજાજ, ખાસ કરીને ‘ઝેન ઝી’ પેઢીમાં, વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પછી અને હસીના ભારત ભાગી ગયા ત્યારથી ભારત પ્રત્યે શંકાશીલ બન્યો છે. બાંગ્લાદેશમાં હસીનાના પતન પછી હિન્દુઓ પર હુમલાઓના અને હિન્દુઓની હત્યાઓના અનેક બનાવો બન્યા છે અને આ મુદ્દે બંને દેશો વચ્ચે કડવાશ ઘણી વધી ગઇ છે. ભારતે હસીનાના પ્રત્યાર્પણની વારંવારની વિનંતીઓ પર ઢીલું વલણ અપનાવ્યું છે અને હવે આ બાબતમાં તેણે બહુ સાચવીને આગળ વધવું પડશે.
બાંગ્લાદેશ સાથેની શત્રુતા ઓછી કરવા માટે ભારતે પ્રયાસો કરવા પડશે અને તે સાથે જ બાંગ્લાદેશમાંથી થતી ઘૂસણખોરી અને હિન્દુઓ પર અત્યાચારોના મુદ્દે મક્કમ વલણ પણ રાખવું પડશે. જમાતે ઇસ્લામી પક્ષ ભલે હારી ગયો છે પરંતુ બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓનું જોર વધ્યું તો છે જ તે કઠોર વાસ્તવિકતા છે અને તેથી ભારતે બીએનપીના વિજયને તરત વધાવી લઇને નવી સરકાર સાથે ગાઢ સંકલનમાં કાર્ય કરવાની તૈયારી બતાવીને યોગ્ય અભિગમ અપનાવ્યો છે. બાંગ્લાદેશ ચીનના ખોળે નહીં બેસી જાય કે પાકિસ્તાન સાથે વધુ પડતી નિકટતા નહીં કેળવે તે માટે ભારતે સતત સાવધ રહેવું પડશે. બાંગ્લાદેશની બહુમતિ જનતાએ કટ્ટરવાદીઓને હાલ તો નકારી કાઢ્યા છે પણ કટ્ટરવાદી જૂથો વધુ જોરમાં નહીં આવી જાય અને ભારત માટે બાંગ્લાદેશ બીજું પાકિસ્તાન નહીં બની જાય તે માટે ભારતે સતર્ક રહેવું પડશે.