વડોદરા : સાતમા પગારપંચ મુજબ વેતન આપવા સહિતની વિવિધ માંગણીઓ સંદર્ભે બરોડા મેડિકલ કોલેજના જુનિયર રેસિડેન્ટ્સ ડોકટરો વીજળીક હડતાળ પર ઉતરી જતા મેડિકલ કોલેજોના પ્રાધ્યાપકોની રજા રદ કરી દેવામાં આવી છે. બરોડા મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા આ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે.જુનિયર ડોકટરોની માંગ છે કે બીજી ડીગ્રી બેચ 2018 અને ડિપ્લોમા બેચ 2019 ની બોન્ડનો સમયગાળો 102 મુજબ આપવામાં આવે.બીજા તબીબી અધિકારીઓની જેમ સાતમા પગાર પંચ મુજબ વેતન આપવામાં આવે.
કોવિડ ડ્યુટીને કારણે શૈક્ષણિક વેડફાયું છે એટલે હવેથી શૈક્ષણિક સંસ્થામાં જ નિમણુંક કરવામાં આવે.અન્ય રાજ્યોની જેમ SR + બોન્ડની યોજના ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવે.ઉલ્લેખનીય છે કે બરોડા મેડિકલ કોલેજમાં આ વર્ષે 450 થી વધુ રેસિડેન્ટ્સ જુનિયર ડોકટર્સ છે.જે તમામ હડતાળમાં જોડાઈ ગયા છે.જોકે ઈમર્જન્સી સેવાઓ કોવિડ અને પ્રસૂતિગૃહમાં ડોકટરો સેવા આપશે.બીજી તરફ જુનિયર ડોકટરોની હડતાળને પગલે બરોડા મેડિકલ કોલેજના તમામ તબીબી પ્રાધ્યાપકોની રજાઓ રદ કરી દીધી છે.
જેથી હડતાળની અસર દર્દીઓની સારવાર ઉપર પડે નહીં. બરોડા મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર એસોસિયેશનના પ્રમુખ ડોક્ટર આકાશ દેસાઈએ જણાવ્યું હતું કે અમારી વિવિધ માગણીઓ સંદર્ભે ગાંધીનગર ખાતે આરોગ્ય કમિશનરને રજૂઆત કરવા માટે ગયા હતા.જ્યાં તેઓની રજુઆત સાંભળવાને બદલે અપમાનજનક વર્તન કરી પોલીસ કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.જેથી જુનિયર રેસિડેન્ટ તબીબોમાં રોષની લાગણી વ્યાપી ગઇ છે.આ રેસિડન્ટ તબીબને મળવાપાત્ર લાભથી વંચિત રાખી તેઓને અન્યાય કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ પણ કર્યા હતા.
નોંધનીય છે કે ગુજરાત જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર એસોસિએશન દ્વારા ગુરુવારથી સામાન્ય ઓપીડી અને અન્ય બિન તાત્કાલિક સારવાર બંધ કરવામાં આવી છે.જો શુક્રવારે 8 કલાક સુધીમાં આ માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો જુનિયર ડોક્ટર્સ એસોસિયેશન વડોદરાના તમામ રેસિડેન્ટ્સ ડોકટરો ગુજરાત જુનિયર ડોક્ટર એસોસિએશનના સમર્થનમાં તમામ તાત્કાલિક સારવાર સેવાઓ કોવિડને લગતી સેવા અને આઈસીયુ સેવાઓ પણ શુક્રવારે સવારથી બંધ કરી દેવાની ચીમકી પણ ઉચ્ચારી છે.