મુંબઇ: IPLની 17મી સીઝનમાં અત્યાર સુધી કોઈ એક ટીમનું સૌથી ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હોય તો તે ફાફ ડુ પ્લેસિસની કપ્તાનીમાં રમી રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની (Royal Challengers Bangalore) ટીમ છે. આરસીબીને આ સિઝનમાં 16 એપ્રિલ સુધી રમાયેલી 7 માંથી 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે IPL 2024 સીઝનમાંથી બ્રેક લેવાનો નિર્ણય લીધો હતો. તેમજ મેક્સવેલે અનિશ્ચિત સમય માટે વિરામ લેવાનો નિર્ણય કર્યો છે. સોમવારે રાત્રે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આરસીબીની હાર બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયા સાથે વાત કરતી વખતે મેક્સવેલે આ સમાચાર જાહેર કર્યા હતા.
મેક્સવેલને આ સિઝનમાં તેમના ખરાબ ફોર્મના કારણે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તેઓ સનરાઇઝર્સ સામેની પ્લેઇંગ-11નો ભાગ પણ ન હતા. પ્લેઇંગ-11માં તેમની જગ્યાએ વિલ જેક્સને સ્થાન મળ્યું હતું. મેચ પછી મેક્સવેલે ખુલાસો કર્યો કે તેમણે પોતે કેપ્ટન ફાફ ડુપ્લેસીસને બીજા કોઈને અજમાવવા માટે કહ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ ટીમના સ્ટાર ખેલાડી ગ્લેન મેક્સવેલે શારીરિક અને માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અનિશ્ચિત સમય માટે સીઝનની મધ્યમાં બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ પહેલા મેક્સવેલે ટીમના કેપ્ટન ફાફ અને મેનેજમેન્ટને તેના નિર્ણયની જાણ કરી હતી, જેના કારણે તે આ મેચમાં પ્લેઈંગ 11નો ભાગ ન હતા.
‘માનસિક અને શારીરિક સ્થિતિ સુધારવા માટે બ્રેક લીધો’
પ્રેસ કોન્ફરન્સમાં મેક્સવેલે કહ્યું હતું કે હાલ તેમની માનસિક અને શારીરિક સ્થિતિ સારી નથી. તેથી તેમણે બ્રેક લેવાનું નક્કી કર્યું છે. જો કે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરે એ જણાવ્યું નથી કે તેઓ આ લીગમાં કેટલો સમય નહીં રમે અથવા તેઓ આગામી સિઝનમાં પણ વાપસી કરશે કે કેમ. સાત મેચમાં RCBની છઠ્ઠી હાર બાદ મેક્સવેલે કહ્યું- વ્યક્તિગત રીતે મારા માટે આ ખૂબ જ સરળ નિર્ણય હતો. હું છેલ્લી મેચ પછી ફાફ (ડુ પ્લેસિસ) અને કોચ પાસે ગયો અને કહ્યું કે મને લાગે છે કે હવે કદાચ આપણે કોઈ બીજાને અજમાવીએ.
‘ટીમમાં યોગદાન આપી શક્યો ન હતો’
મેક્સવેલે કહ્યું- પાવરપ્લે પછી અમારી બેટિંગમાં થોડી કમી છે, જે છેલ્લી કેટલીક સિઝનમાં મારી તાકાત રહી છે. જો કે, હવે મને લાગ્યું કે હું મારી બેટથી સકારાત્મક રીતે ટીમમાં યોગદાન આપી શક્યો નથી. આ કારણે ટીમના પરિણામો અને સ્થિતિ સારી નથી અને અમે સૌથી પાછળ છીએ.