નડિયાદ: ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, ઉપપ્રમુખ, પૂર્વ ધારાસભ્ય, મંત્રી, કારોબારી સભ્ય ઉપરાંત કઠલાલ અને મહેમદાવાદ શહેર પ્રમુખ સહિત કુલ ૨૧ હોદ્દેદારોએ સાગમટે પક્ષમાંથી રાજીનામા આપી દેતાં જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજીનામા આપનાર તમામ હોદ્દેદારો પોતાના હજારો સમર્થકો સાથે આવનાર દિવસોમાં ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ જોર પડક્યું છે. ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં કોંગ્રેસ પક્ષ દિવસે-દિવસે નબળો બની રહ્યો છે. એક તરફ હાઈકમાન્ડ પક્ષને મજબુત બનાવવા માટે કમર કસી રહી છે.
તો બીજી બાજુ આંતરિક વિખવાદને પગલે કોંગ્રેસમાંથી રાજીનામાં આપનારાઓની સંખ્યા પણ વધી રહી છે. જેને પગલે કોંગ્રેસ પક્ષની હાલત કફોડી બની છે. આવા કપરાં સમયે ખેડા જિલ્લા કોંગ્રેસમાં પણ છેલ્લાં કેટલાક સમયથી ભારે આંતરિક વિખવાદ ચાલી રહ્યો હતો. જેને પગલે ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેશભાઈ ઝાલા અને મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ પોતાના સાથીઓ તેમજ હજારો કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાશે તેવી વાતો વહેતી થઈ હતી. જેને પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું હતું. આની જાણ થતાં જ પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ તેમજ હોદ્દેદારોએ બંનેને મનાવવાના પ્રયાસો કર્યાં હતાં.
જોકે, કોંગ્રેસના અગ્રણીઓ આ બંને નેતાઓને મનાવવામાં નિષ્ફળ રહ્યાં હતાં. આખરે, તારીખ ૭ મી જુલાઈને ગુરૂવારના રોજ ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેશ ઝાલા, ઉપપ્રમુખ શનાભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, મંત્રી, કારોબારી સભ્ય ઉપરાંત કઠલાલ અને મહેમદાવાદ શહેર પ્રમુખ સહિત કુલ ૨૧ હોદ્દેદારોએ પક્ષના સક્રિય સભ્ય તેમજ તમામ હોદ્દા પરથી સામુહિક રાજીનામાં આપ્યાં હતાં. જેને પગલે જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
કોંગ્રેસમાંથી રાજીનામા આપનાર જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સહિતના તમામ હોદ્દેદારો આવનાર દિવસોમાં ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. જોકે, આ મુદ્દે તેઓ મૌન સેવી રહ્યાં છે. રાજેશ ઝાલા છેલ્લાં ચાર વર્ષથી ખેડા જિલ્લા કોંગ્રેસનું નેતૃત્વ કરી રહ્યાં હતાં. દશ વર્ષ દરમિયાન કોંગ્રેસ પક્ષમાં વિવિધ હોદ્દા પર રહ્યાં બાદ રાજેશ ઝાલાએ તારીખ ૭ જુલાઈ ૨૦૨૨ ના રોજ કોંગ્રેસને અલવિદા કહ્યું છે.
નામ હોદ્દો
રાજેશ ઝાલા પ્રમુખ, ખેડા જિલ્લા કોંગ્રેસ
ગૌતમભાઈ ચૌહાણ પૂર્વ ધારાસભ્ય, મહેમદાવાદ
શનાભાઈ પરમાર ઉપપ્રમુખ, ખેડા જિલ્લા કોંગ્રેસ
શ્રવણસિંહ ડાભી મંત્રી, ખેડા જિલ્લા કોંગ્રેસ
દિલીપસિંહ ચૌહાણ કઠલાલ શહેર કોંગ્રેસ પ્રમુખ
શકુન્તલાબા ઝાલા જિલ્લા કોંગ્રેસ મહિલા મંત્રી
વિણાબા ઝાલા કઠલાલ તાલુકા કોંગ્રેસ મંત્રી
ડો.નૈષેધભાઈ ભટ્ટ મહેમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ
જયદિપસિંહ ચૌહાણ પૂર્વ મહામંત્રી, ખેડા જિલ્લા યુથ કોંગ્રેસ
અમરસિંહ રાઠોડ ઉપપ્રમુખ, ખેડા જિલ્લા સેવાદળ
શૈલેષભાઈ ઝાલા સોશ્યલ મિડીયા સેલ પ્રમુખ, કઠલાલ
અજીતસિંહ સોઢા કઠલાલ શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ
બુધાજી પરમાર કઠલાલ તાલુકા પંચાયત ઉપપ્રમુખ
રૂપલબેન પટેલ જિલ્લા કોંગ્રેસ મહિલા મંત્રી,
કપડવંજ તા.પંચાયત સભ્ય
જશુભાઈ પટેલ તાલુકા પંચાયત સભ્ય, કઠલાલ
પ્રભાતસિંહ સોઢા તાલુકા પંચાયત સભ્ય, કઠલાલ
ઉમંગ પટેલ મહામંત્રી, ખેડા જિલ્લા યુવા કોંગ્રેસ
નઝીરમીયાં શેખ મહામંત્રી, જિલ્લા કોંગ્રેસ લઘુમતી સેલ
અઝરૂદ્દીન સિંધી મંત્રી, જિલ્લા કોંગ્રેસ લઘુમતી સેલ
ગોવિંદભાઈ ઝાલા કારોબારી સભ્ય, ખેડા જિલ્લા કોંગ્રેસ
કેતનભાઈ ગઢવી પૂર્વ મહામંત્રી, ખેડા જિલ્લા કોંગ્રેસ