નેશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ(એનબીટીસી)એ એક આદેશમાં જણાવ્યું છે કે કોઇ પણ વ્યક્તિ કોવિડ-૧૯ રસીનો છેલ્લો ડોઝ લીધો હોય તેના પછીના ૨૮ દિવસ સુધી રક્તદાન કરી શકે નહીં.
એનબીટીસીએ પોતાના તાજેતરના આદેશમાં જણાવ્યું છે કે કોવિડ-૧૯ની રસીનો બીજો ડોઝ લીધા પછી ૨૮ દિવસ સુધી કોઇ પણ વ્યક્તિ પોતાના લોહીનું દાન કરી શકે નહીં. આમાં વ્યક્તિએ કઇ રસી લીધી છે તે બાબત મહત્વની નથી. કોવિડની કોઇ પણ રસી લીધી હોય તે વ્યક્તિને આ આદેશ લાગુ પડે છે.
રસીનો બીજો ડોઝ લીધા પછી વ્યક્તિએ રક્તદાન કરવા માટે ૨૮ દિવસની રાહ જોવી પડશે, આનો અર્થ એ થયો કે રસીનો પહેલો ડોઝ લીધા પછી કુલ પ૬ દિવસ સુધી રસી લેનાર રક્તદાન કરી શકે નહીં. આ આદેશ એનબીટીસીના ડિરેકટર ડો. સુનીલ ગુપ્તા દ્વારા પાંચમી માર્ચે જારી કરવામાં આવ્યો હતો.
આ આદેશ સંદર્ભમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે કોઇ પણ વ્યક્તિએ રસીના બે ડોઝ લેવા જરૂરી છે અને બીજો ડોઝ લીધા પછી એન્ટિબોડીઝનું રક્ષણાત્મક સ્તર સામાન્ય રીતે બે સપ્તાહ પછી વિકસે છે એમ તેણે જણાવ્યું હતું.