National

I20 કારમાં બ્લાસ્ટ થયો, ગૃહમંત્રી અમિત શાહની પહેલી પ્રતિક્રિયા

દિલ્હી બોમ્બ વિસ્ફોટો અંગે ગૃહમંત્રી અમિત શાહની પહેલી પ્રતિક્રિયા આવી છે. તેમણે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

અમિત શાહે કહ્યું, “હું ઘટનાસ્થળે જઈ રહ્યો છું અને તમામ ખૂણાથી તપાસ કરવામાં આવી રહી છે. અમિત શાહ તે હોસ્પિટલની પણ મુલાકાત લેશે જ્યાં ઘાયલોની સારવાર ચાલી રહી છે.”

અમિત શાહે કહ્યું, “આજે સાંજે લગભગ 7 વાગ્યે દિલ્હીના લાલ કિલ્લા પાસે સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર એક હ્યુન્ડાઇ i20 કારમાં વિસ્ફોટ થયો. વિસ્ફોટમાં કેટલાક રાહદારીઓ ઘાયલ થયા અને અનેક વાહનોને નુકસાન થયું. પ્રાથમિક અહેવાલો સૂચવે છે કે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે વિસ્ફોટની માહિતી મળતાં, “દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ બ્રાન્ચની ટીમો 10 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ. ત્યારબાદ, NSG, NIA અને FSLની ટીમો પણ પહોંચી અને તપાસ શરૂ કરી. નજીકના તમામ CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.”

અમિત શાહે કહ્યું કે તેમણે દિલ્હી પોલીસ કમિશનર અને સ્પેશિયલ બ્રાન્ચના વડા સાથે વાત કરી છે, જે બંને હાલમાં ઘટનાસ્થળે હાજર છે.

NIA ટીમ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે થયેલા વિસ્ફોટ બાદ, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ હવે તપાસ હાથ ધરી છે.

વિસ્ફોટની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, NIA અધિકારીઓની એક ટીમ સોમવારે રાત્રે ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક પોલીસ અને ફોરેન્સિક નિષ્ણાતો પાસેથી પ્રાથમિક માહિતી એકત્રિત કરી હતી.

દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલચાએ કહ્યું – વિસ્ફોટ સામાન્ય નહોતો

લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા વિસ્ફોટ અંગે દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલ્ચાએ જણાવ્યું હતું કે, “સાંજે લગભગ 6:52 વાગ્યે, ટ્રાફિક સિગ્નલ પર ધીમી ગતિએ ચાલતી કાર રોકાઈ હતી ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો.”

કમિશનર ગોલ્ચાએ ઉમેર્યું હતું કે, “વિસ્ફોટથી નજીકમાં પાર્ક કરેલા અનેક વાહનોને પણ નુકસાન થયું છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) – બધી એજન્સીઓ ઘટનાસ્થળે હાજર છે અને તપાસ ચાલુ છે.”

તેમણે પુષ્ટિ આપી કે “કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે અને કેટલાક ઘાયલ થયા છે. બધા ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.”

Most Popular

To Top