Gujarat

ઘોઘંબાની GFL કંપનીમાં બ્લાસ્ટથી આગ : 5 મોત

હાલોલ/ગોધરા : પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલ ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં ધડાકાભેર બ્લાસ્ટ થયા બાદ વિકરાળ આગ લાગવાની ઘટના બનવા પામતા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે દેહશત ફેલાવા પામી છે , આ આગની ઘટનામાં 5 કામદારોના મોત થવા પામ્યા છે જયારે ૧૪ કામદારોને ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા છે, તો બીજી તરફ ૨ કામદારો મિસિંગ હોવાનું પણ સામે આવ્યું , રણજીતનગર ખાતે આવેલ આ કંપની દ્વારા માનવજીંદગી માટે હાનીકારક હોઈ તેને સદંતર બંધ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે, કંપની દ્વારા છોડવામાં આવતાં કેમિકલ યુક્ત પ્રવાહીને લઈને આજુબાજુના ૨૦ કિમીના વિસ્તારની જમીન તેમજ ભૂગર્ભજળ પણ પ્રદુષિત બન્યાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલ ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની આવેલી છે આ કંપની દ્વારા ફાર્માસ્યુટીકલ કેમિકલ બનાવવામાં આવે છે. છેલ્લા ૨૦ વર્ષ ઉપરાંતના સમયથી આ કંપની કાર્યરત છે. ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં આજે સવારે સોલવન્ટ બનાવતા પ્લાન્ટમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ બાદ પ્લાન્ટમાં વિકરાળ આગ લાગતા પ્લાન્ટ સહિત આસપાસના વિસ્તારોમાં અફરાતફરી અને દહેશતનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો.

બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે તેનો અવાજ આજુબાજુના ૫ કિમી સુધી સંભળાયો હતો. ઘટનાની ગંભીરતાને લઈને ઘટના સ્થળે તાત્કાલિક હાલોલ નગરપાલિકા તેમજ હાલોલ જીઆઇડીસીમાં આવેલી કંપનીઓના ૭ જેટલા ફાયર ફાયટરો દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા તો બીજી તરફ કેમિકલ પ્લાન્ટ માં રેસ્ક્યુ માટેની ટીમ દ્વારા પણ તાત્કાલિક પ્લાન્ટમાં કામ કરી રહેલા કામદારોને રેસ્ક્યુ કરી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્લાન્ટમાં બ્લાસ્ટ દરમિયાન કામ કરી રહેલા ૧૪ જેટલા કામદારો દાઝી જવાથી ઈજાગ્રસ્ત બન્યા હતા જેઓને હાલોલની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.

તો ગંભીર રીતે દાઝી જવાથી ઘટના સ્થળે જ 4 તથા સારવાર દરમિયાન વધુ 1 કામદારોના મોત નીપજતાં કુલ 5ના મોત થયા હતા. ફાયર ફાયટરો દ્વારા ૩ કલાકની ભારે જહેમત બાદ આગ પર સમ્પૂર્ણ કાબુ મેળવ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા કલેકટર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આગ પર કાબુ મેળવાયા બાદ પ્લાન્ટને ચીલીંગ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્લાન્ટ સંપૂર્ણ ચિલ્ડ થયા બાદ વધુ એક વખત નિષ્ણાતો દ્વારા બ્લાસ્ટ થવા પાછળનું કારણ શોધવામાં આવશે.

તંત્ર દ્વારા કાર્યવાહી કરાશે કે પછી ભીનું સંકેલી લેવાશે?

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલ ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં લાગેલી આગ બાબતે હવે ક્યાં પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે છે કે ભીનું સંકેલી લેવામાં આવશે તે મુખ્ય પ્રશ્ન છે. હાલ સવાલો થઈ રહ્યા છે કે પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટ પાછળ કંપની કેટલી જવાબદાર ? અત્યંત જ્વલનશીલ કેમિકલ જો કંપનીમાં રાખવામાં આવ્યું હતું તો કોઇપણ ડીઝાસ્ટરને પહોંચી વળવા માટે જરૂરી સાધનો સુવિધા હતી કે નહિ ? જે કામદારો મિસિંગ છે તેમનું શું ?

સવારે પ્લાન્ટ પર ગયા પરંતુ કોઈ સગડ નથી

સમગ્ર આગની ઘટનામાં 4 કામદારોના મોત થયા છે જયારે અન્ય ૧૪ જેટલા કામદારોને દાઝી જવાથી ઇજાઓ પહોંચી હતી તો ૨ કામદારો મિસિંગ હોવાનું સામે આવ્યું છે , પ્લાન્ટમાં કામ કરતા ૨ કામદારોના પરિજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે તેમના પરિજન આજે સવારે પ્લાન્ટમાં ગયા હતા જેઓ આગની આ ઘટના બાદ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. ત્યારે પ્લાન્ટ સંપૂર્ણ પણે ચિલ્ડ થયા બાદ નિષ્ણાતો દ્વારા સર્વે કામગીરી કરવામાં આવનાર છે ત્યારે જ આ મિસિંગ થયેલા કામદારો અંગેની માહિતી મળી શકે તેમ છે.  પ્લાન્ટમાં હાજર અને ઈજા પામેલા કામદારના મતે અચાનક રીએક્ટરમાં બ્લાસ્ટ થયો હતો અને બાદમાં ચારે બાજુ આગ લાગી હતી, જીવ બચાવવા માટે કામદારોએ પ્લાન્ટના પહેલાં માળેથી કૂદકો લગાવ્યો હતો.     – ધર્મેન્દ્ર પરમાર, ગૂમ થનારા કામદારના પરિજન

કંપની બંધ કરાવવા અનેકવાર ગ્રામજનો દ્વારા રજૂઆત કરાઈ

GFL દ્વારા વાપરવામાં આવતો ગેસ માનવજીવન માટે અત્યંત હાનીકાર હોઈ સ્થાનિકો દ્વારા કંપનીને બંધ કરવા માટે રજૂઆતો ભૂતકાળમાં કરાઈ હોવા છતાં પણ જવાબદારો દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. સ્થાનિકોના મતે કંપની દ્વારા છોડવામાં આવતાં કેમિકલયુક્ત પ્રવાહીને લઈને આજુબાજુના ૨૦ કિમી વિસ્તારમાં આવેલ જમીન તેમજ ભૂગર્ભ જળ સ્તરો પ્રદુષિત થયા છે જેને લઈને આ વિસ્તારમાં ખેતીમાં પણ ઉત્પાદન પર ભારે અસર થાય છે જયારે પાણી પણ દુષિત આવે છે. 
દલપત પરમાર, સ્થાનિક ગ્રામજન

શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ

GFL કંપનીમાં બ્લાસ્ટ થતા સ્થાનિક ગામમાં આવેલ શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ હતી જ્યારે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવામાં આવ્યા ન હતા જેના કારણે શાળાઓના ઓરડાઓ ખાલીખમ ભાસી રહ્યા હતા.

Most Popular

To Top