આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લાના વેટ્ટલાપાલેમ ગામમાં શનિવારે ફટાકડા બનાવતી એકમમાં વિસ્ફોટ થયો હતો. અઢાર લોકોના મોત અને છ ગંભીર રીતે ઘાયલ થયા હતા. વિસ્ફોટ સમયે યુનિટમાં ૨૦ થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા.
આંધ્રપ્રદેશથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કાકીનાડા જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. અઢાર લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આંધ્રપ્રદેશના ગૃહમંત્રી અનિતાએ ઘટના અંગે માહિતી આપી છે. તેમણે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે. કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સગિલી શાન મોહનના જણાવ્યા અનુસાર ઘાયલોમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે વિસ્ફોટ બપોરે ૨ વાગ્યાની આસપાસ થયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ ૫ કિમી દૂર સુધી સંભળાયો હતો. ગ્રામજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવાનું શરૂ કર્યું હતું.
રાજ્યના ગૃહમંત્રી વાંગલાપુડી અનિતાએ આશંકા વ્યક્ત કરી હતી કે મૃત્યુઆંક વધી શકે છે કારણ કે કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બધા ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે સંબંધિત મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર નજર રાખવા નિર્દેશ આપ્યો હતો. વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલું છે.