અમેરિકામાં બોન્ડ યીલ્ડમાં જોરદાર ઉછાળો થતાં વિશ્વભરના બજારોની પાછળ ભારતીય શેરબજારોમાં પણ કોહરામ મચી જવા પામ્યો છે અને સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં બ્લેક ફ્રાઇડે જોવા મળ્યો હતો.
ભારતીય શેરબજારોમાં કડાકો થવાના અહેવાલોની પાછળનું મુખ્ય કારણ અમેરિકામાં 10 વર્ષના બોન્ડ યીલ્ડનો ઉછાળો જોવા મળ્યો છે. જેના પગલે વિશ્વભરના બજારોની પાછળ ભારતીય શેરબજારોમાં વેચવાલી હાવી રહી હતી.
બોન્ડ માર્કેટની અસર ઇકવીટી બજારો ઉપર જોવા મળી હતી અને આજે બુલરનના પગલે ઇકવીટી બજાર કરેકટ જોવા મળ્યો હતો. અહેવાલ અનુસાર અમેરિકા ટ્રેઝરી યીલ્ડ મહામારીના વિસ્ફોટ બાદ સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગયા હતા. માત્ર અમેરિકા જ નહિં, જાપાન અને ભારતના બોન્ડ યીલ્ડમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે, જેના લીધે ઇકવીટી બજારમાં દબાણ જોવા મળી રહ્યું છે.
અમેરિકાના બોન્ડ યીલ્ડના પગલે વૈશ્વિક બજારોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. જેમાં એશિયન બજારોમાં જોરદાર કડાકાના પગલે ભારતીય શેરબજારો પણ તૂટયા હતા. બીજી તરફ, ભારતનો ત્રીજા કવાર્ટરનો જીડીપી ડેટા આજરોજ જાહેર થનારો છે અને આ ડેટા પુર્વે બજારમાં સાવચેતીનું વલણ જોવાયું છ. એક અંદાજ અનુસાર જીડીપી ગ્રોથ શુન્ય પર રહેશે. અગાઉના બે કવાર્ટરની સરખામણીએ ભારતીય ઇકોનોમીમાં સુધારો જોવા મળી રહ્યો છે.
કોરોના મહામારી કે જે વેકસીનેશન બાદ નિયંત્રણમાં આવી જશે, તેવું અનુમાન મુકવામાં આવ્યું હતું. પ્રાથમિક તબક્કે કોરોના વેકસીન બાદ કોરોનાના કેસોમાં ઘટાડો જોવાયો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારી ફરીથી વધી રહી છે, જે પણ રોકાણકારો અને બજાર માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.
આમ, આ કારણોસર આજે ભારતીય સહિત વૈશ્વિક બજારોમાં જોરદાર કરેકશન જોવા મળ્યું હતું અને ભારતીય શેરબજારમાં સેન્સેક્સ 1939.32 પોઇન્ટ એટલે કે 3.80 ટકા તૂટીને 49099.99 પોઇન્ટના નરમ બંધ રહ્યા હતા. આમ, સેન્સેક્સ ઇન્ટ્રાડેમાં 49000 પોઇન્ટની સપાટી તોડીને 48890.48 પોઇન્ટ સુધી ઘટી હતી, જ્યારે ઉંચામાં 50000 પોઇન્ટની સપાટી કૂદાવીને 50400.31 પોઇન્ટ સુધી ઉછળી હતી.
નિફ્ટી 568.20 પોઇન્ટ એટલે કે 3.76 ટકા ઉછળીને 14600 પોઇન્ટની સપાટી તોડીને 14529.15 પોઇન્ટની મજબૂત બંધ રહી હતી. જ્યારે ઇન્ટ્રાડેમાં નિફ્ટી 14500 પોઇન્ટની સપાટી તોડીને 14467.75 પોઇન્ટ સુધી તૂટી હતી, જ્યારે ઉંચામાં 14900 પોઇન્ટની ઉપર 14919.45 પોઇન્ટ સુધી ઉછળી હતી.
બેન્ક નિફ્ટી 1745.40 પોઇન્ટ એટલે કે 4.78 ટકા તૂટીને 35000 પોઇન્ટની નીચે ઉતરીને 34803.60 પોઇન્ટ સુધી બંધ રહી હતી. આજે ઇન્ટ્રાડેમાં બેન્ક નિફ્ટી 36000 પોઇન્ટની નજીક 35902.90 પોઇન્ટ સુધી ઉછળી હતી. જોકે, સેન્સેક્સમાં 30 શેરોમાંથી 30 શેરો તથા નિફ્ટીના 50 શેરોમાંથી 50 શેરો લાલ નિશાનમાં બંધ રહ્યા હતા.
બોર્ડર માર્કેટમાં પણ વેચવાલી હાવી રહી હતી, પરંતુ લાર્જકેપ શેરોની સરખામણીએ સારૂં પ્રદર્શન જોવાયું હતું. બીએસઇ મિડકેપ ઇન્ડેકસ 1.75 ટકા અને સ્મોલકેપ ઇન્ડેકસ 0.74 ટકા ઘટયા હતા. જેના પગલે માર્કેટ બ્રેડથ નબળું જોવાયું હતું. બીએસઇ ખાતે 1061 શેરો વધ્યા હતા અને 1850 શેરો તૂટયા હતા, જ્યારે 190 શેરો યથાવત રહ્યા હતા.
સેન્સેક્સમાં ટોપ ટેન કડાકો
23 માર્ચ, 2020–3934 પોઇન્ટ
12 માર્ચ, 2020–2919 પોઇન્ટ
16 માર્ચ, 2020–2713 પોઇન્ટ
4 મે, 2020 –2002 પોઇન્ટ
9 માર્ચ, 2020–1941 પોઇન્ટ
26 ફેબ્રુઆરી, 2021–1939 પોઇન્ટ
18 માર્ચ, 2020–1709 પોઇન્ટ
28 ફેબ્રુઆરી, 2020–1448 પોઇન્ટ
24 સપ્ટેમ્બર, 2020–1114 પોઇન્ટ
18 મે, 2020–1068 પોઇન્ટ
અત્રે ઉલ્લેખનીય છે કે, 23 માર્ચ, 2020ના રોજ દુનિયાભરમાં કોરોનાના માત્ર ત્રણ લાખ કેસો અને 13000 લોકોની મોત થઇ હતી, આ આંકડા બાદ ગ્લોબલ માર્કેટમાં કોહરામ મચી ગયો હતો. જેના પગલે ભારતીય શેરબજારોમાં સુનામી આવી હતી અને સેન્સેક્સ 3034 પોઇન્ટ તૂટીને 25981.24 પોઇન્ટ અને નિફ્ટી 1110 પોઇન્ટ એટલે કે 7634 પોઇન્ટના સ્તરે બંધ રહ્યા હતા