National

ઓડિશા ટાઈગર રિઝર્વનો આ દુર્લભ બ્લેક ટાઈગર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે

ઓડિશા ટાઈગર રિઝર્વનો કહેવાતો કાળા વાઘનો (Black Tiger) વીડિયો હાલ સોશિયલ મીડિયામાં (Social Media) ધૂમ મચાવી રહ્યો છે. આ કાળા રંગના દૂર્લભ વાઘનો વીડિયો (Video) લોકો ખૂબ જોઈ રહ્યાં છે. ખાસ વાત એ છે કે સામાન્ય રીતે વાઘનું શરીર પીળા રંગનું હોય છે અને તેની ઉપર કાળા ચટાપટા હોય છે. આ વાઘનું શરીર કાળા રંગનું છે અને તેની ઉપર પીળા રંગના ચટાપટા છે. જેનો વીડિયો જોઈ લોકોને ભારે આશ્ચર્ય થઈ રહ્યું છે. આ વીડિયો IFS અધિકારી સુશાંત નંદાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેયર કર્યો છે.

જંગલનો રાજા ભલે સિંહ હોય પરંતુ ખરેખર જંગલની અસલી શાન વાઘ છે. વાઘની ઠસ્સાદાર ચાલ, તેની સુંદરતાને કારણે તે લોકોને પોતાના પ્રત્યે આકર્ષિત કરે છે. હાલમાં જ વિશ્વ વાઘ દિવસ ઉજવાઈ ગયો. વિશ્વના દરેક દેશો વર્ષ 2022નાં અંત સુધીમાં વાઘની સંખ્યા બમણી થાય તેવા પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે આ બ્લેક ટાઈગરે લોકોમાં પોતાનું ઘેલું જગાડ્યું છે. હાલ સોશિયલ મીડિયામાં આ વાઘની તસવીરો અને વીડિયો ભારે ચર્ચા જગાવી રહ્યાં છે. આપણે દુનિયાભરમાં આવા ઘણા જંગલી પ્રાણીઓ જોયા હશે, જે પોતાની વિશેષતા માટે જાણીતા છે. જોકે આ બ્લેક ટાઈગર આપણી કલ્પના બહાર છે. સોશિયલ મીડિયા પર જેણે પણ આ વાઘને જોયો તે એક મિનિટ માટે તો પોતાની આંખો પર વિશ્વાસ ન કરી શક્યો. વીડિયોમાં એક ‘દુર્લભ’ વાઘ જોવા મળી રહ્યો છે, જે કાળા રંગનો છે.

કાળા રંગના વાઘના વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબજ પસંદ કરવામાં આવી રહ્યો છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો ઓડિશા ટાઈગર રિઝર્વનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, અહીં આ દુર્લભ કાળા રંગનો વાઘ પોતાની કળા કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ કાળા રંગનો વાઘ ઝાડ પર ચઢવાની કોશિશ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો IFS ઓફિસર સુશાત નંદાએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો છે. આ વીડિયો 29 જુલાઈએ શેર કરવામાં આવ્યો હતો. વીડિયોને અત્યાર સુધીમાં 35 હજારથી વધુ લોકોએ જોયો છે. વ્હાઈટ ટાઈગર તો તમે જોયો હશે પણ બ્લેક ટાઈગર જોવાનો લ્હાવો લોકો મેળવી રહ્યા છે. બીજી તરફ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 1773થી કાળા વાઘનું અસ્તિત્વ છે. એવી પણ ચર્ચા છે કે 1950માં ચીન અને 1913માં મ્યાનમારમાં આવા કાળા રંગના વાઘ જોવા મળ્યા હતા.

Most Popular

To Top