SURAT

ડેન્ટીસ્ટની પ્રેમલીલાનો વિડીયો મેળવી લઇ નર્સના ભાઈએ માંગી 10 લાખની ખંડણી

સુરત: શહેરના વરાછા (Varachha) ખાતે રહેતા અને અમરોલીમાં હોસ્પિટલ ધરાવતા ડેન્ટીસ્ટ (Dentist)ની પ્રેમલીલાનો વિડીયો (Video) તેમના વોટ્સએપ (Whats app) ઉપર મોકલીને 10 લાખની ખંડણી (Ransom) માંગનાર 3ને અમરોલી પોલીસે ઝડપી પાડ્યા છે.

હીરાબાગ વિઠ્ઠલ નગર પાસે રહેતા 44 વર્ષીય અરૂણભાઇ કેશુભાઇ ઘેવરીયા વ્યવસાયે ડેન્ટીસ્ટ છે. તેઓ મોટાવરાછા સિલ્‍વર મેકઝીમા ખાતે પોતાનું હોસ્પિટલ ધરાવે છે. તેમના દ્વારા હર્ષ વઘાસીયાના નામે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ડો.અરૂણ ડેન્ટીસ્ટ છે અને તેમના ત્યાં કામ કરતી નર્સનો ભાઈ હર્ષ રમેશભાઈ વઘાસીયા (ઉ.વ.19, રહે.કાપોદ્રા) અવાર નવાર હોસ્પિટલ ઉપર તેની બહેનને મળવા જતો હતો.

એકાદ વર્ષ પહેલા હોસ્પિટલમાં ગયો હતો ત્યારે કોઈક કામથી ડોક્ટરનો મોબાઈલ લીધો હતો. ત્યારે તેને ડોક્ટરના મોબાઈલમાં ડોક્ટરનો ગર્લફ્રેન્ડ સાથેનો વિડીયો જોયો હતો. આ વિડીયો તેણે પોતાના મોબાઈલમાં લઈ લીધો હતો. આ વિડીયો એકાદ વર્ષથી તેની પાસે હતો. દરમિયાન દસેક દિવસ પહેલા હર્ષે તેના મિત્રોની સાથે બેઠો હતો ત્યારે તેને આ વાત મિત્રો જોડે કરી હતી. અને આ વિડીયોના આધારે ડોક્ટરને બ્લેકમેઈલ કરી રૂપિયા મળી શકે તેવી આઈડીયા આપી હતી. ત્યારબાદ હર્ષના મિત્ર દિપકએ તેના ફોનના વોટ્સએપ પરથી ડોક્ટરને ફોન કર્યો હતો. ડોક્ટરને ફોન કરીને આ અંગેની જાણ કરી હતી. ત્યારબાદ ડોક્ટરને જુદા જુદા નંબરથી હર્ષે, દિપકે, અને દિનેશે ફોન કરી ડોક્ટરનો વિડીયો તેને મોકલી 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

10 લાખ નહીં આપે તો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. ડોક્ટરે રૂપિયા આપવા માટે સંમત થતા અલગ અલગ નંબર પરથી ફોન આવતા હોવાથી આરોપીઓને મળવા માટે બોલાવ્યા હતા. દરમિયાન ડોક્ટર આરોપીઓને ઓળખી ગયો હતો. તેમના હોસ્પિટલમાં કામ કરતી નર્સનો ભાઈ હર્ષ સંડોવાયેલો હોવાની ખબર પડતા ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે હર્ષ સહિત દિનેશ અને દિપકની ધરપકડ કરી સબજેલ મોકલી આપ્યા હતા. જ્યારે બે આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

પકડાયેલા આરોપીઓ
હર્ષ રમેશ વઘાસીયા (ઉ.19)
દિનેશ વિક્રમ મેર (ઉ.29)
દિપક રણછોડ ભડીયાદરા (ઉ.19) (તમામ રહે કાપોદ્રા)

Most Popular

To Top