એક કાળિયાર (એન્ટીલોપ ર્સ્વીકાપરા) એ ‘બોવીડા’ કૂળનું કાળિયાર પ્રાણી છે. તે ભારતના મેદાની વિસ્તારોમાં જોવા મળે છે. તેઓ ચિત્તાઓ સાથે વૃધ્ધિવિકાસ પામ્યા હોઈ, ચિત્તો એ તેમનો મુખ્ય શિકારી છે. આ બ્લેક કાળિયાર દોડ લગાવવા બાબતે ઘણા ઝડપી છે અને તેઓ તેમના મુખ્ય શિકારીઓની ઝાપટમાંથી છટકવા માટે પોતાની ઝડપી દોડ પર આધાર રાખે છે. હાલમાં તેમના શિકારીઓ વરૂઓ અને ચિત્તાઓ છે. આ બ્લેક કાળિયાર સેંકડોની સંખ્યામાં ટોળું રચી શકે. જો કે મોટા ભાગના કાળિયાર 5 થી શરૂ કરીને 50ના ટોળામાં હોય.
બ્લેક કાળિયારની મુખ્ય વસાહતો ક્યા વિસ્તારમાં છે?
હાલમાં આ બ્લેક કાળિયાર મુખ્યત્વે ભારતમાં જોવા મળે છે. ઓછી સંખ્યામાં તેઓ નેપાળમાં પણ જોવા મળે છે. તેઓ ખુલ્લી વસાહતો જેવા કે ઘાસના મેદાનો અને આછેરા જંગલોમાં રહેવાનું પસંદ કરે છે કે જેથી તેઓ શિકારીઓને દૂરથી જોઈ શકે અને તે ઉપરાંત તેઓ ઘાસચારો મેળવી શકે. ભારતમાં આ બ્લેક કાળિયારના શિકાર પર ‘વન્ય સંરક્ષણ ધારા, વર્ષ 1972’ હેઠળ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ આકર્ષક લાવણ્યસભર પ્રાણી ‘એન્ટીલોપ’ના વંશનું પ્રાણી છે, જે વર્ગમાં ગેઝેલે, જેરીનક અને સ્પ્રીંગબેક જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. આ બ્લેક કાળિયાર પ્રાણીઓ ભારતીય ઉપખંડમાં સર્વત્ર ફેલાઈ જવા માટે ટેવાયેલા છે, સિવાય કે ભારતનો પશ્ચિમ ઘાટ પરંતુ માનવીની વસતિ સંખ્યા નિરંતર રીતે વધવાની સાથે સાથે આ પ્રાણીઓની વસતિ સંખ્યા ઘટવાનો સિલસિલો આગળ વધી રહ્યો છે.
છેલ્લાં 20 વર્ષોમાં ભારતમાં બ્લેક કાળિયારની સંખ્યા 80,000 થી ઘટીને ફક્ત 8000 રહી છે
વર્ષ 1947માં ભારતમાં આશરે 80,000 બ્લેક કાળિયાર હતા પણ ત્યાર પછીના 20 વર્ષોમાં 1964માં તેમની વસતિ ઘટીને ફક્ત 8000 રહી હતી. આમ 20 વર્ષોના સમયગાળામાં તેમની વસતિ સંખ્યા ઘટીને અગાઉ કરતાં દશમા ભાગ જેટલી થઈ ગઈ છે. જો કે ગુન્ડી રાષ્ટ્રીય પાર્ક IIT મદ્રાસ કેમ્પસ, તમિલનાડુના પોઈન્ટ કેલીમેરે અને વેલન્દુ અભયારણ્ય તથા હરિયાણા અને રાજસ્થાનના વિસ્તારોને કારણે હાલમાં તેમની વસતિ સંખ્યા વધીને 25000 પર પહોંચી છે. આ બ્લેક કાળિયારના શરીરના આગવા પાસાઓમાં નર કાળિયારના વળ લેતા શિંગડાંઓ છે, જે શિંગડાઓ તેમના આધારથી શરૂ કરીને ટેરવા સુધી વળ ધરાવે છે. તેમના આ શિંગડાઓ વધુમાં વધુ 20 ઈંચથી 24 ઈંચ સુધી વિક્સી શકે! આ કાળિયાર પ્રાણીની માદા વર્ષમાં બે બચ્ચાંઓને જન્મ આપે છે.
સીડસ દેવદાર વૃક્ષો કેવાં વૃક્ષો છે ?
આ ‘સીડસ દેવદાર’ વૃક્ષને હિમાલયન ‘સીડસ દેવદાર’ અથવા ‘દેવદરૂ વૃક્ષ’ કહેવામાં આવે છે. આ વૃક્ષની પ્રજાતિઓ અફઘાનિસ્તાનમાં, પશ્ચિમ હિમાલય વિસ્તારમાં, ઉત્તરીય પાકિસ્તાનમાં ખાસ કરીને ‘ખૈબર પખ્તુનવા’ વિસ્તારમાં, ભારતના જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં, હિમાચલ પ્રદેશમાં, ઉત્તરાખંડમાં, સિક્કિમ, અરૂણાચલ રાજ્યોમાં, પશ્ચિમ બંગાળના દાર્જીલિંગ વિસ્તારમાં, વાયવ્ય તિબેટમાં અને પશ્ચિમ નેપાળમાં જોવા મળે છે. આ વૃક્ષો 1500 મીટર – 3200 મીટર (4921 ફૂટ – 10499 ફૂટ) ની ઊંચાઈના વિસ્તારોમાં વૃધ્ધિ વિકાસ પામે છે. તેઓ મોટા કદના નિરંતર લીલા શંકુદ્રુમ વૃક્ષો છે. આ વૃક્ષો 40 મીટરથી શરૂ કરીને 50 મીટરની ઊંચાઈ (131 ફૂટથી શરૂ કરીને 164 ફૂટ ઊંચાઈ) સુધી પહોંચે છે. અપવાદરૂપે તેઓ 60 મીટર (197 ફૂટ) ઊંચાઈ સુધી પણ પહોંચી શકે ! તેમના થડ 3 મીટર (10 ફૂટ) વ્યાસ (જાડાઈ) ધરાવે.
સીડસ દેવદરૂ વૃક્ષો નિરંતર રીતે લીલા રહેતા શંકુદ્રુમ વૃક્ષો છે
હિમાલય જેનું મૂળ વતન છે, તેવા સીડાર વૃક્ષોની ‘સીડસ દેવદરૂ’ એક પ્રજાતિ છે. આ વૃક્ષો નિરંતર રીતે લીલા રહેતા શંકુદ્રુમ વૃક્ષો છે. આ વૃક્ષો તેમની ટોચનો શંકુ આકાર ધરાવે. આ વૃક્ષની શાખાઓ, ડાળીઓ લેવલ હોય અથવા ઝૂકેલી હોય. તેમનાં પાંદડાંઓ સોય જેવા આકારનાં હોય. તે પાંદડાંઓની લંબાઈ 2.5 સે.મી. – 5 સે.મી. (0.98 ઈંચ – 1.97 ઈંચ) હોય. ક્વચિત્ આ પાંદડાંઓ 7 સે.મી. (2.8 ઈંચ) લંબાઈ પણ ધરાવે. આ પાંદડાંઓની જાડાઈ 1 મિ.મી. હોય. આ પાંદડાંઓ રંગ બાબતે પ્રકાશિત લીલાથી ભૂરાશ પડતા લીલા હોય. આ વૃક્ષોનું વાનસ્પાતિક નામ જે તેનું અંગ્રેજી નામ પણ છે, તે સંસ્કૃત શબ્દ ‘દેવદરૂ’ પરથી આવેલું છે જેનો અર્થ ‘ઈશ્વરનું વૃક્ષ’ એવો થાય છે.
ભારત દેશના 10 જૈવ ભૌગોલિક વિસ્તારોમાંથી 91200 પ્રાણીઓની પ્રજાતિઓ અને 45500 છોડવાઓની પ્રજાતિઓને ઓળખી કાઢવામાં આવી
ભારત એ દુનિયાના માન્યતા પામેલા સમૃદ્ધ જૈવવૈવિધ્ય ધરાવતાં દેશોમાંનો એક દેશ છે. ભારત આપણી દુનિયાની નોંધાયેલી તમામ પ્રાણી-વનસ્પતિઓની પ્રજાતિઓમાંની 7% થી 8% પ્રજાતિઓ ધરાવે છે. વૈશ્વિક સ્તરે માન્યતા પામેલા જે 34 જૈવવૈજ્ઞાનિક હોટસ્પોટના સ્થળો છે, તેમાંના 4 જૈવવૈવિધ્ય હોટસ્પોટ સ્થળો હિમાલય, ભારત-બ્રહ્મદેશ, પશ્ચિમઘાટ, શ્રીલંકા ઉપરાંત સુન્દાલેન્ડ ભારતમાં છે. અત્યાર સુધીમાં સંશોધન-સ્ત્રોતો સાથે જોડાયેલા પરંપરાગત જ્ઞાનનો ભારત એક વિશાળ ખજાનો છે. ભારત દેશના 10 જૈવ ભૌગોલિક વિસ્તારોમાંથી પ્રાણીઓની 91200 પ્રજાતિઓ અને છોડવાઓની 45500 પ્રજાતિઓને ઓળખી કાઢવામાં આવી છે.