SURAT

નર્સિંગ કોલેજમાં સ્ટાફનું કાળા કપડાં પહેરી વિરોધ પ્રદર્શન : ‘હમારી માંગે પૂરી કરો ‘ ના નારા લાગ્યા

surat : વિશ્વ નર્સિંગ દિવસ ( world nursing day) ની ઉજવણી સાથે જ નર્સિંગ સ્ટાફ ( nursing staff) દ્વારા પડતર પ્રશ્નોને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તા.12મી મેથી તા.17મી મે સુધી કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન ( protest) સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ હતી. ત્યારે શનિવારે નર્સિંગ સ્ટાફ દ્વારા નર્સિંગ કોલેજ પાસે કાળાં કપડાં પહેરી વિરોધ કરાયો હતો. આ ઉપરાંત ‘હમારી માંગે પૂરી કરો’ના નારા પણ લગાડવામાં આવ્યા હતા.આ અંગે માહિતી આપતા નર્સિંગ એસો.ના દિનેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, યુનાઇટેડ નર્સિંગ ફોરમના રાજ્યભરના જિલ્લા પ્રતિનિધિઓની એક મીટિંગ મળી હતી. આ મીટિંગમાં નર્સિંગ સ્ટાફના પડતર પ્રશ્નોને લઈ ચર્ચા કરવામાં આવી હતી.

નર્સિંગનો સ્ટાફ છેલ્લા એક વર્ષથી પરિવારની ચિંતા વગર કામ કરી રહ્યો છે. પરંતુ તેમની માંગણી સંતોષવામાં આવતી નથી. અમારી માંગણી છે કે, નર્સિંગ સ્ટાફને ગ્રેડ પે રૂ.4200 અને ખાસ ભથ્થાં 9600 ચૂકવાય, નર્સિંસની આઉટ સોર્સિંગ ભરતી બંધ કરી 35000 પગારની ચૂકવણી થાય, નર્સિંગ સ્ટુડન્ટ ડિપ્લોમા દરમિયાન 15 હજાર સ્ટાઇપેન્ડ અને બીએસસીમાં ફાઇનલ વર્ષમાં ઇન્ટર્નશિપ દરમિયાન 18 હજાર ચૂકવાય, રાજ્યની લગભગ 4000 જગ્યા ભરવામાં આવે, અત્યાર સુધી જે રજાનું વળતર મળ્યું નથી તે વળતર ચૂકવવામાં આવે તેમજ નર્સિંગ માટે રાજ્યમાં સ્વતંત્ર ડિરેક્ટરોરેટ નર્સિંગ સેલની રચના કરવામાં આવે. આ સહિતની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું. શનિવારે નર્સિંગ સ્ટાફ દ્વારા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી નર્સિંગ કોલેજમાં કાળાં કપડાં પહેરી વિરોધ પ્રદર્શન કરાયું હતું. બે દિવસ બાદ એટલે કે મંગળવારથી નર્સિંગ સ્ટાફ દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

નર્સિંગ સ્ટાફની જેમજ સફાઈ કામદાર કર્મચારીઓ પણ પોતાની માંગણીઑ સંતોષવા માટે હડતાળ પર ઉતર્યા હતા. કોન્ટ્રાક્ટ અપાયા બાદ સ્મીમેરમાં કોવિડ પોઝિટિવ ( covid positive) -નેગેટિવ લાશોનું પેકિંગ કરવાનું કામ તથા દર્દીઓના ડાયપર ચેન્જ કરવાનું કામ અને દર્દીની અન્ય સેવાઓનું કામ તેઓ દ્વારા કરવામાં આવતું હતું. આ મહિને અલ્ટ્રા કંપનીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઇ ગયો હતો. જેથી તમામ હાઉસ કીપર્સ સ્મીમેરમાંથી છૂટા થઇ ગયા હતા. જો કે, તમામનો ગયા મહિનાનો પગાર બાકી છે. કોન્ટ્રાક્ટર પાસે પૈસાની માંગણી કરતાં તેમણે પૈસા આપવામાં ગલ્લાતલ્લા કર્યા હતા. મહિનો પૂરો થવાને ૧૨ દિવસ વિતી ગયાં હોવા છતાં પગાર ન મળતાં આખરે બુધવારે સવારે તમામ હાઉસ કીપિંગોએ સ્મીમેરમાં ડી બ્લોક પર ભેગા થઈ પગાર મુદ્દે હોબાળો મચાવ્યો હતો. જેના કારણે સ્મીમેરના વહીવટી વિભાગના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. તેઓએ તાત્કાલિક કોન્ટ્રાક્ટરને બોલાવી તમામ કર્મચારીઓનો જે બાકી પગાર નીકળતો હોય તે ચૂકવી મામલો પતાવી દેવા આદેશ અપાયા હતા.

Most Popular

To Top