ઓરિસ્સામાં ભાજપનો વિજય છાપ છોડનારો છે. કારણ કે , અહીં નવીન પટનાયકનું એકચક્રી શાસન રહ્યું. પાંચ વાર મુખ્યમંત્રી રહ્યા, પણ હવે જનતા બદલાવ ચાહતી હતી અને એ થયું છે અને ભાજપે પહેલી વાર આ રાજ્યમાં સત્તા મેળવી છે. અલબત્ત, ભાજપને પાતળી બહુમતી મળી છે. હવે મુખ્યમંત્રી કોણ બને છે એ જોવાનું છે. ધર્મેન્દ્ર પ્રધાન , સંબિત પાતરા અને મનમોહન સામલનાં નામો ચર્ચામાં છે. મહત્ત્વનો સવાલ એ છે કે, નવીન પટનાયક કેમ હાર્યા? કારણ કે ભાજપ અને પટનાયકના પક્ષ બીજેડીએ સાથે પણ ચૂંટણી લડી હતી.
૨૦૦૯ સુધી ભાજપ અને બીજેડીનું જોડાણ રહ્યું. ૧૧ વર્ષ ચાલ્યું અને પછી એ તૂટ્યું અને ત્યારથી બીજેડી એકલા હાથે ઓરિસ્સામાં સત્તા પર આવતું રહ્યું. ૨૦૦૦ અને ૨૦૦૪માં સાથે ચૂંટણી લડ્યા અને ૨૦૦૯ની ચૂંટણી આવે એ પહેલાં પટનાયકે ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો હતો. પટનાયક બહુ શાલીન રાજનેતા છે. ચૂંટણી જાહેર થઇ પહેલાંથી જ નરેન્દ્ર મોદી પટનાયક પર પ્રહાર કરવા લાગ્યા હતા અને પટનાયકે ઇન્ડિયા સાથે રહેવાનું પસંદ કર્યું નહોતું. પટનાયકના રાજમાં ઓરિસ્સાએ ખાસ્સો વિકાસ કર્યો છે પણ આ વેળા એ થાપ ખાઈ ગયા.
એનાં કારણોમાં એવું છે કે, એક તો નવીન પટનાયક વી કે પાંડિયન પર આધારિત રહ્યા. પાંડિયન સરકારી અધિકારી હતા અને રાજકારણમાં આવ્યા અને એ પટનાયકના ઉત્તરાધિકારી છે એવો દેખાવ થવા લાગ્યો અને આ મુદે્ ભાજપ આક્રમક બન્યો. એકાદ સભામાં પટનાયકનો હાથ ધ્રૂજતો દેખાયો , એ માઈક ઉઠાવી ના શક્યા અને પાન્ડીયને કવર અપ કરવાનો પ્રયાસ કર્યો અને એ વાતને ભાજપે મુદો્ બનાવ્યો.
પટનાયકના સ્વાસ્થ્ય વિષે સવાલો ઉઠાવ્યા. બીજું કે, ભાજપના અનેક નેતાઓએ વાયુવેગી પ્રચાર કર્યો હતો. મોદીએ અહીં દસ રેલી અને બે રોડ શો કર્યા અને ભાજપ દ્વારા કુલ્લે ૨૪૫ ચૂંટણી બેઠકો થઇ. અમિત શાહથી માંડી હેમા માલિની સુધીના સ્ટાર પ્રચારકોએ અહીં સભાઓ કરી અને સૌથી મોટી વાત એ કે ઓરિસ્સાની જનતા બદલાવ ચાહતી હતી અને ભાજપ એ વાતને ઉપસાવવામાં સફળ રહ્યો.
બીજેડીને ૧૪૭ બેઠકો પૈકી ૫૧ બેઠકો મળી અને ૬૨ બેઠકોનું નુકસાન થયું. ભાજપને ૭૮ બેઠકો મળી , ભલે પાતળી બહુમતી મળી છે પણ ભાજ્પને સત્તા મળે છે એ મોટી ઉપલબ્ધિ છે અને મહત્ત્વની વાત એ છે કે, પટનાયક હિન્જીલી અને કાંટાબાજી એમ બે બેઠક પરથી લડ્યા અને એમાં કાંટાબાજી બેઠક પરથી ૪૬૦૦ મતોથી હારી ગયા અને એમને હરાવનાર ભાજપના લક્ષ્મણ બાગ રહ્યા. પટનાયક ૨૦૧૯માં ઓઅન બે બેઠકો પર લડ્યા અને બંને પરથી જીત્યા હતા. એટલે આ વેળા પણ એમને કોઈ હરાવી નહિ શકે એવું ભાજપ પણ માનતો હતો. પણ મજૂરી અને ખલાસી કામ કરનારા અને પછી ટ્રાન્સપોર્ટ વ્યવસાયમાં આવનારા લક્ષ્મણ બાગે પટનાયકને હરાવ્યા.ભાજપ માટે આ બહુ મોટી સિદ્ધિ છે.
આંધ્રમાં નાયડુની વાપસી
આંધ્ર પ્રદેશમાં પણ ઉલટફેર થયો છે. લોક્સભા ને ધારાસભા બંનેની ચૂંટણીમાં એનડીએનો જયજયકાર થયો છે અને સૌથી મહત્ત્વની વાત ચંદ્રાબાબુની વાપસી થઇ છે. ચંદ્રાબાબુ ફરી મુખ્યમંત્રી બની રહ્યા છે. ૨૦૧૯માં જગદ રેડ્ડીનો પક્ષ ૧૫૧ બેઠકોની જંગી બહુમતીથી સત્તા પર આવ્યા હતા, પણ પાંચ વર્ષમાં જ એમની સામે સત્તાવિરોધી માનસ જોવા મળ્યું. એનાં કારણો એકથી વધુ છે.
એક તો એમણે લોકકલ્યાણ પર વધુ ભાર આપ્યો અને ડાયરેક્ટ બેનીફીટ સ્કીમની શરૂઆત કરી અને એ માટેનું બજેટ વધીને રૂ. ૩.૫ લાખ કરોડ થઇ ગયું. પણ બીજી બાજુ વિકાસ જોઈએ એવો ના થયો. કોઈ મોટા ઉદ્યોગો ના આવ્યા. માળખાકીય સુવિધાઓ ના વધી અને બેરોજગારીના પ્રશ્નો સર્જાવા લાગ્યા. પાંચ પાંચ ઉપમુખ્યમંત્રીઓ બનાવ્યા એ પાછળ જ્ઞાતિનાં સમીકરણો હતાં. આંધ્રનું પાટનગર કયું એ સવાલ ઊભો જ રહ્યો અને રેડ્ડીએ તો ત્રણ પાટનગરની ફોર્મ્યુલા રજૂ કરેલી પણ એ અમલી ના બનાવી એ અમલ કરી ન શક્યા.
આ સામે નાયડુ અને પવન કલ્યાણ [જન સેના પાર્ટી]ના ગઠબંધન થયું અને ભાજપ જોડાયો અને આ ત્રિપુટીએ કમાલ કરી દીધી. નાયડુએ પ્રચારમાં કહ્યું કે, લોકકલ્યાણની યોજના જરૂરી છે પણ વિકાસ પણ જરૂરી છે. બેરોજગારી દૂર થશે એવું વચન આપ્યું અને અમરાવતીમાં પાટનગર બનાવવાની ફરી કરી. આ વાત લોકોને પસંદ પડી અને ટીડીપીને ૧૩૫ બેઠકો મળી , જન સેના પાર્ટીને ૨૧ અને ભાજપને ૮ બેઠક મળી છે અને લોક્સભામાં પણ રેડ્ડીનો સફાયો થયો છે.
મહારાષ્ટ્ર અને બંગાળમાં ભાજપમાં કકળાટ
મહારાષ્ટ્ર અને બંગાળમાં ભાજપને નુકસાન થયું છે. મહારાષ્ટ્રમાં શિવસેના ભાજપે તોડી અને એનસીપી પણ તોડી. સરકાર તો બની, પણ એનું નુકસાન આખરે થયું છે. ભાજપને ખાસ્સું નુકસાન થયું છે અને એકનાથ શિંદેને તો સાત બેઠક મળી, પણ એનસીપીને માત્ર ૧ જ બેઠક મળી એ સામે ઉદ્ધવ , શરદ પવાર અને કોંગ્રેસ ત્રણેયને ફાયદો થયો અને હવે દેવેન્દ્ર ફડણવીસ પર હારનું ઠીકરું ઓફ્ડવામાં આવી રહ્યું છે અને વિધાનસભાની ચૂંટણી આવે એ પહેલાં એમને એમનું સ્થાન બતાવી દેવાશે એવા અહેવાલો મળી રહ્યા છે.
બંગાળમાં ભાજપને નુકસાન થયું છે. બેઠકો ઘટી છે અને ભાજપના કેટલાય નેતાઓ હારી ગયા છે. દિલીપ ઘોષ , નિશીથ પ્રમાણિક, દેબાશ્રી ચૌધરી , સુભાષ સરકાર હારી ગયા છે અને હવે ભાજપ પ્રમુખ સુકાંત મજુમદાર પર દોષનો ટોપલો ઢોળાયો છે. ઉપરાંત સુવેંદુ અધિકારીનું નામ બોલાવા લાગ્યું છે. એટલે બંગાળમાં પણ ભાજપ સંગઠનમાં બદલાવ આવશે.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.