પેટલાદ : આણંદ અમૂલમાં સત્તા મેળવવા ભાજપ દ્વારા છેલ્લા બે દાયકાથી ભાતભાતની રાજરમત રમવામાં આવી હતી. આખરે 2023માં સફળતા મળી છે. અમૂલમાં મંગળવારના રોજ યોજાયેલી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ (ડુમરાલ) અને વાઇસ ચેરમેન તરીકે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર બિનહરીફ વિજેતા થયાં છે. આમ, છેલ્લા સપ્તાહથી ચાલતી તોડફોડની રાજનીતિમાં આખરે સફળ રહેતાં ભાજપના મોવડી મંડળોના ચહેરા પણ મલકાયાં હતાં. જોકે, આ ગઢ તોડી પાડવા 2017માં રામસિંહ ભાજપમાં જોડાતાં અમૂલ સર કરવાની તક મળી હતી. જે છેલ્લે કાંતિભાઈ સોઢા પરમાર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતાં હિંમત વધી હતી અને છેલ્લા ચાર ડિરેક્ટર ભાજપમાં આવતા અમુલમાં ભાજપની સત્તાના દ્વાર ખુલી ગયાં હતાં.
ધી ખેડા જીલ્લા દૂધ ઉત્પાદક સંઘ (અમૂલ) ના ચેરમેન અને વા.ચેરમેનની ચૂંટણી 14મીને મંગળવારે યોજાઈ હતી. જેમાં અઢી દાયકાથી અમૂલમાં રાજ ચલાવનારા રામસિંહ પરમારના સ્થાને વિપુલભાઈ પટેલ (ડુમરાલ) ઉપર ભાજપ મોવડી મંડળે પસંદગી ઉતારી અપસેટ સર્જ્યો છે. જ્યારે વાઇસ ચેરમેન પદ માટે આણંદના કોંગ્રેસી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારને પસંદ કરવામાં આવ્યા છે. આ બંન્ને હોદ્દેદારોએ ઉમેદવારી નોંધાવી હતી. સમયમર્યાદામાં અન્ય કોઈ ફોર્મ નહિ ભરાતાં ચૂંટણી અધિકારી ડો. વિમલ બારોટે વિપુલભાઈ પટેલને ચેરમેન તથા કાંતિભાઈ સોઢાપરમારને વા.ચેરમેન તરીકે બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા.
એશિયાની સૌથી મોટી દૂધ ઉત્પાદક ડેરી તરીકે અમૂલ પ્રખ્યાત છે. છેલ્લા બે દાયકા દરમ્યાન અમૂલ દ્ધારા દૂધ, બટર, પનીર, ચીઝ, આઈસ્ક્રીમ, ચોકલેટ ઉપરાંત દૂધ બનાવટની અનેક પ્રોડક્ટ્સ તૈયાર કરી ભારતના બજારોમાં ધૂમ મચાવી છે. આવી આ નામાંકીત અમૂલ ડેરીનું વાર્ષિક ટર્નઓવર અંદાજીત રૂપિયા દસ હજાર કરોડ જેટલું છે. આ ડેરીમાં આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના લગભગ સાત લાખ પશુપાલકો દૈનિક દૂધ ભરી રહ્યા છે. આ ડેરીની શરૂઆત બૃહદ ખેડા જીલ્લામાં થઈ હતી. પરંતુ સમય જતાં જીલ્લાના વિભાજન થતાં હાલ ખેડા અને આણંદ જીલ્લા ઉપરાંત મહિસાગર જીલ્લાના બાલાસિનોર અને વિરપુર તાલુકાની 1200 મંડળીનો સમાવેશ થાય છે.
આ અમૂલ ડેરીના વહિવટ માટે 13 ડિરેક્ટરોનું વ્યવસ્થાપક મંડળ અસ્તિત્વમાં છે. જેઓની દર પાંચ વર્ષે ચૂંટણી યોજાઇ છે. આ 13 ડિરેક્ટરો ઉપરાંત પ્રતિનીધી મતદાર તરીકે જીલ્લા રજીસ્ટ્રાર અને અમૂલ ફેડરેશનના એક મળી કુલ 15 સભ્યો ચેરમેન અને વાઇસ ચેરમેન માટે મતદાન કરતા હોય છે. અત્યાર સુધી અમૂલ ઉપર કોંગ્રેસનું પ્રભુત્વ જોવા મળતું હતું. છેલ્લા એક દાયકા દરમ્યાન અમૂલના ચેરમેનની જવાબદારી સંભાળનાર રામસિંહ પરમાર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. પરંતુ વાઇસ ચેરમેન પદે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર રહેતા ભાજપ – કોંગ્રેસની મિલીઝુલી સત્તા ચાલતી હતી. તેમાંય કોંગ્રેસના ગઢ ગણાંતા આણંદ જીલ્લામાં લોકસભા, વિધાનસભા, જીલ્લા – તાલુકા પંચાયત, નગરપાલિકા, એપીએમસી, સંઘ વગેરે અનેક સંસ્થાઓ અને બેઠકો એક પછી એક ભાજપ હસ્તક આવવા માંડી હતી. જેમાં અંતે હવે અમૂલમાં પણ ભાજપ સમર્થિત ડિરેક્ટરોની બહુમતી હોવાને કારણે સંપૂર્ણ સત્તા હસ્તગત કરી ભાજપનો ભગવો લહેરાવી દિધો છે.