કર્ણાટક રાજ્યના ચૂંટણી પરિણામો હમણાં જ જાહેર થયાં, જેમાં દેશની હાલની સૌથી મોટી રાજકીય પાર્ટીને ધોબીપછાડ મળી છે. રાજ્યમાં સત્તા જાળવી રાખવા રઘવાયા બનેલા ભાજપ દ્વારા આ ચૂંટણી ધાર્મિક-સામાજિક ધ્રુવીકરણનાં મુદ્દા ઉછાળીને તેમજ તેના સુપ્રિમો પ્રત્યે પ્રજાની લાગણી ઉશ્કેરીને મતો મેળવવાના પ્રયત્નરૂપે લડવામાં આવી. સામી બાજુએ કોંગ્રેસે પ્રજાના રોજબરોજનાં પાયાના પ્રશ્નો જેમકે ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી વિ.ને કેન્દ્રમાં રાખીને સુનિયોજિત ઢંગથી આ ચૂંટણી લડી.
ભાજપ નેતૃત્વ દ્વારા કરવામાં આવેલ જય બજરંગ બલીના નારા, ધ કેરાલા સ્ટોરી ફિલ્મનો પ્રચાર, ટુકડે ટુકડે ગેંગની ગાળો, કોંગ્રેસ રાષ્ટ્રદ્રોહી હોવાનું કથન, પોતાને આપવામાં આવેલી ગાળોની ગણતરી વિ. જેવી કડવાશભરી અપ્રસ્તુત વાતો પ્રજામાનસને સ્પર્શી શકી નહીં. સાંપ્રત સરકારના ગેરવહીવટથી ત્રસ્ત કર્ણાટકીઓએ લાગણીઓના બહેકાવમાં આવ્યા વિના રાજ્યના પાયાનાં પ્રશ્નોને મધ્યે નજર રાખી કોંગ્રેસને રાજ્યની ધૂરા સોંપવું ઉચિત સમજ્યું છે.
આ ચૂંટણી પરિણામોનો હકારાત્મક નિષ્કર્ષ કાઢીએ તો એમ કહી શકાય કે એકવીસમી સદીના મુક્ત અને વિકાસશીલ માહોલમાં, અનેક રીતે વૈવિધ્યતા સભર ભારત દેશમાં, સામાન્ય પ્રજાને ભયંકર રીતે કનડતા નાગરિક જીવનનાં પાયાના પ્રશ્નોને કોરાણે મૂકી ધાર્મિક આધાર પર પ્રજાનું ધ્રુવીકરણ કરી – જે એક રીતે પ્રજા માનસમાં મધ્યયુગીન માનસિકતા કેળવવાની કોશિશ પણ છે. મત અને સત્તા પ્રાપ્તિની રાજનીતિ અપનાવવી યથાયોગ્ય નથી. દેશને સાચા વિકાસના માર્ગ પર લઈ જવો હોય તો સામાજિક સંવાદિતા અને સમાજના બધા તબકા પ્રત્યે સહાનુભૂતિ અને સદભાવના રાજનીતિ પાયાની શર્ત છે.
નવસારી – કમલેશ મોદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.