SURAT

સુરતની જે ચાર બેઠકો માટે ભાજપના શ્વાસ છેલ્લી ઘડી સુધી અદ્ધર હતા ત્યાં હવે તે સદ્ધર થઈ ગયું

સુરત: ગુજરાત |(Gujarat) વિધાનસભાની ચૂંટણીના પરિણામ (Election Result) લગભગ સામે આવી ચુક્યા છે. ગુજરાતની કુલ 182 બેઠકો પર 1600થી વધુ ઉમેદવારોના ભાવીનો આજે ફેંસલો હતો. ત્યારે આ ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટીએ પણ મેદાનમાં ઝંપાલાવ્યું હતું. આમ તો દક્ષિણ ગુજરાત (South Gujarat) ભાજપનો (BJP) ગઢ માનવામાં આવે છે પરંતુ પરિણામ પહેલાં સૂત્રો વહેતા થયા હતાં કે આ વખતે દક્ષિણ ગુજરાતમાં પુનરાવર્તની સરકાર કે પરિવર્તનની સરકાર? સૌ કોઈની નજર તેના પર હતી. એક તબક્કો એવો પણ આવ્યો કે દક્ષિણ ગુજરાતની જનતાને પરિવર્તન નહીં પણ પુનરાવર્તનની સરકાર દેખાઈ રહી હતી. તેનું ઠોસ કારણ પણ હતું. આ વખતે સુરતમાં કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીએ (AAP) પ્રચાર સાથે લોભામણી જાહેરાતો આપી એડી ચોટીનું જોર લગાવ્યું હતું. અને આ જ કારણ છે કે સુરતની (Surat ) ચાર મહત્વની બેઠક પર ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે રસાકસીનો ભર્યો માહોલ સર્જાયો હતો. પણ આખરે ભાજપે મેદાન માર્યું અને ચારે ચાર સીટો પર ભગવો લહેરાવ્યો. જાણીએ આ ચાર રસાકસી વાળી સીટો કઈ હતી અને આ સીટો પર કઈ રીતે ઉમેદવારોના શ્વાસ છેલ્લી ઘડી સુધી અધ્ધર રહ્યાં.

વરાછામાં શરૂઆતના રાઉન્ડમાં આપે ભાજપને ટક્કર આપી હતી
સુરતની 16 બેઠકો પર સૌથી વધુ રસાકસી કતારગામ અને વરાછા બેઠકની સાથે સાથે સુરત પૂર્વ બેઠક પર સર્જાય હતી. આ સાથે જ સુરતમાંથી રાજ્ય કક્ષાના મંત્રીઓ લડી રહ્યાં હતાં. તેથી આ બેઠક પર સૌ કોઈની મીટ મંડાયેલી હતી. પરંતુ સમગ્ર રાજ્ય અને દેશી નજર વરાછા બેઠક પર હતી. ત્યારે આજે સવારથી જ વરાછા વિસ્તારમાં મતગણતરી દરમિયાન ભાજપ અને આપ વચ્ચે જોરદાર ટક્કર સર્જાય હતી. તો બીજી તરફ કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હતા. અંહી આપમાંથી અલ્પેશ કથીરિયા અને ભાજપમાંથી કુમાર કાનાણી વચ્ચેની રસાકસી સર્જાય હતી.

વરાછા બેઠક પરથી આપના અલ્પેશ ક્થીરિયા અને ભાજપના કુમાર કાનાણી વચ્ચે રંગ જામ્યો હતો. સવારે 8 વાગ્યેથી મતગણતરી શરૂ કરી દેવામાં આવી હતી. જ્યાં સૌ પ્રથમ રાઉન્ડમાં આપના અલ્પેશ ક્થીરિયા આગળ હતા અને કુમાર કાનાણી પાછળ હતા. ત્યાર બાદ બીજા રાઉન્ડમાં કુમાર કાનાણી 1 હજાર મતથી આગળ નીકળી ગયા હતા. આ સાથે જ ક્થીરિયા ફરી 8 મતથી આગળ નીકળી ગયા હતા. સામાન્ય દિવસોમાં અલ્પેશ કુમાર કાનાણીને કાકા તરીકે સંબોધતા હતા ત્યારે બપોર સુધી કાકા-ભત્રીજા વચ્ચે રસાકસી જોવા મળી હતી. કુમાર કાનાણી 2000 મતોથી આગળ નીકળી ગયા હતા. રસાકસી બાદ ભાજપના કુમાર કાનાણીએ 14000થી વધુ મતની લીડ સાથે વિજય મેળવ્યો હતો. જોકે હાર્યા બાદ પણ ભત્રીજાએ પોતાનો ધર્મ નિભાવ્યો હતો અને અલ્પેશ કથીરિયા સામે ચાલીને કુમાર કાનાણી પાસે પહોંચી ગયાં હતાં. ત્યાં જઈને તેમના ચરણ સ્પર્શ કરીને આશિર્વાદ લીધા હતાં.

કતારગામ બેઠક પર આપના સૂપડા સાફ
સુરતના કતારગામની બેઠક પર બે દિગ્ગજ નેતાઓ આમને-સામને હતા. ભાજપના મંત્રી વિનુ મોરડિયા અને આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા મેદાનમાં ઉતાર્યા હતા. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ અંહીથી જીતનોદાવો પણ કર્યો હતો. આ સિવાય કોંગ્રેસે યુવા ચહેરો અને કોર્પોરેશની ચૂંટણી લડનાર પ્રજાપતિ સમાજના કલ્પેશ વરિયાને મેદાનમાં ઉતર્યા હતા. આ બેઠક પર સૌ કોઈની નજર હતી. પરંતુ મતગણતરીના પ્રથમ રાઉન્ડમાં જ ભાજપના મંત્રી વિનુ મારડિયા આગળ હતા. ત્યાર બાદ તેમને પછાડી ગોપાલ ઇટાલિયા આગળ નીકળી ગયા હતા. મતગણતરીનો બીજો રાઉન્ડ શરૂ થાય તે પહેલાં જ વિનુ મારડિયા આગળ નીકળી ગયા હતા. કતારગામ બેઠક પર ગોપાલ ઇટાલિયાને 45242 મત મળ્યા હતા. જ્યારે વિનુ મોરડિયાને 96469 મત મળ્યા હતા. અંતે ભાજપના ઉમેદવાર વિનુ મોરડિયાએ 15 રાઉન્ડના અંતે 51 હજારથી વધુ મતની લીડ નોંધાવી હતી.

સુરત પૂર્વમાં સૌથી વધુ રસાકસીભર્યો માહોલ જોવા મળ્યો હતો
સુરત પૂર્વમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રસાકસી જોવા મળી હતી. કોંગ્રેસના અસલમ સાયકલવાલા અને ભાજપના અરવિંદ રાણા વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. સુરત પૂર્વમાં પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસના અસલમ સાયકલવાલા 4044 મતથી આગળ હતા જ્યારે ભાજપના અરવિંદ રાણા 2893 મત સાથે પાછળ હતા. તો બીજી તરફ AIMIMના વસિમ કુરેશીને 64 મત મળ્યાં હતા. જો કે બીજા રાઉન્ડમાં અરવિંદ રાણા અસલમની સામે 6 હજાર મતોથી પાછળ હતા. સુરતના પૂર્વમાં જાણે કોંગ્રેસ જીતતી હોય તેવું લાગી રહ્યું હતું કારણે તે ત્રીજા રાઉન્ડના અંતે અસલમ સાયકલવાલા 15,160 મતથી આગળ હતા, જ્યારે ભાજપના અરવિંદભાઈ રાણા 7246 મતથી પાછળ હતા. જો કે સાતમાં રાઉન્ડ સુધીમાં અસલમ સાયકલવાળાની લીડ ઘટી 1636 મત થયા હતા. પરંતુ બારમાં રાઉન્ડના અંતે કોંગ્રેસના અસલમ સાયકલ વાલા 777 મતે આગળ નીકળ્યા હતા, ત્યાર બાદ અરવિંદ રાણાએ અસલમ સાયકલવાલાને પછાડી જીત હાંસલ કરી હતી. અરવિંદ રાણાએ 14051 મતથી જીત મેળવી હતી. અહીં પણ કોંગ્રેસે હાર ભોગવવી પડી હતી.

લિંબાયતમાં કોંગ્રેસે ભાજપને હંફાવ્યું
લિંબાયત બેઠકથી ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી. બેઠક પર કોની જીત થશે તે છેેલ્લે સુધી જોવા જેવું થયું હતું. કારણે કે પ્રથમ રાઉન્ડમાં જ આપ 404 મતથી આગળ હતું. પરંતુ બીજા અને ત્રીજા રાઉન્ડમાં સંગીતા પાટીલ જીત તરફ આગળ વધ્યા હતા. લિંબાયત બેઠક પર ચોથા રાઉન્ડની ગણતરીના અંતે કોંગ્રેસના ગોપાલ પાટીલ 397 મતોથી આગળ હતા. આખરે ભારે રસાકસી બાદ લિંબાયતની બેઠક પર ભાજપની જીત થઈ હતી. સુરત શહેર જિલ્લાની 16 બેઠક પર રસાકસી બાદ ભાજપની બહુમતી સાથે જીત નોંધાય હતી.

Most Popular

To Top