Columns

ભાજપ મમતા બેનરજીને ભીંસમાં લેવા માટે સંદેશખાલીનો મુદ્દો ચગાવશે

પશ્ચિમ બંગાળમાં રાજકારણનું એટલી હદે અપરાધીકરણ થયું છે કે રીઢા ગુનેગારોની મદદ વગર ચૂંટણી જીતી જ શકાતી નથી. મમતા બેનરજી સત્તામાં ટકી રહેવા માટે ગુનેગારોને માથે ચડાવે છે, જેને કારણે સરકારની બદનામી થઈ રહી છે, પણ તેઓ લાચાર છે. આ કારણે સંદેશખાલીનો મામલો સતત ચર્ચામાં છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ બુધવારે તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા શાહજહાં શેખને કસ્ટડીમાં લીધો હતો. અગાઉ શાહજહાં પશ્ચિમ બંગાળ પોલીસની CIDની કસ્ટડીમાં હતો.

૫ જાન્યુઆરીએ ED રાશન કૌભાંડ કેસમાં શાહજહાંના પરિસરમાં દરોડા પાડવા ગઈ હતી. આ દરમિયાન શાહજહાંના સમર્થકોએ અધિકારીઓની ટીમ પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદથી તે ફરાર હતો. આ દરમિયાન સંદેશખાલીની મહિલાઓએ પણ શાહજહાં સામે મોરચો ખોલ્યો હતો. આ મહિલાઓએ શાહજહાં અને તેના સમર્થકો પર શોષણ અને બળજબરીથી જમીન પર કબજો કરવા જેવા અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. ઘણા દિવસો સુધી ધરપકડના અભાવે કોર્ટે બંગાળ પોલીસને ભીંસમાં લીધી. આખરે ૫૫ દિવસ પછી શાહજહાં બંગાળ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

શાહજહાં શેખની ઉંમર આશરે ૪૨ વર્ષની હશે. શેખ શાહજહાં પોતાના વિસ્તારમાં રોબિન હૂડની છબી ધરાવે છે. તેનો ઘમંડ એવો છે કે સ્થાનિક લોકો તેને શાહજહાં ભાઈ અથવા સંદેશખાલીનો ભાઈ કહે છે. શાહજહાં શેખ ટીએમસીનો નેતા છે અને હાલમાં જિલ્લા પરિષદનો સભ્ય છે. સંદેશખાલીમાં તેના નામે બજારો અને રમતના મેદાનો છે. તેના પરથી તેની સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે. શાહજહાં શેખ પહેલા નાનો માછીમાર હતો પરંતુ આજે તે સંદેશખાલીનો તાજ વગરનો રાજા બની ગયો છે. તેને બાઇકનો ખૂબ જ શોખ છે.

સંદેશખાલીના ડોન તરીકે જાણીતો શાહજહાં શેખ માછીમારી અને ઈંટના ભઠ્ઠાનો વ્યવસાય કરે છે. આ વ્યવસાયોની સાથે તે ૨૦૦૪માં યુનિયન લીડર બન્યો હતો અને તેનો રાજકીય પરિચય વધતાં તે CPMમાં જોડાયો હતો. શાહજહાં ૨૦૧૧માં ટીએમસીમાં જોડાયો હતો. સ્થાનિક લોકોમાં તેનો દબદબો એટલો મજબૂત છે કે જ્યારે EDની ટીમ તેના નિવાસસ્થાને દરોડા પાડવા પહોંચી ત્યારે તેના સમર્થકોએ ED અધિકારીઓ પર હુમલો કર્યો હતો. ટીએમસીમાં જોડાયા બાદ શાહજહાં પૂર્વ મંત્રી જ્યોતિપ્રિયો મલિકનો ફેવરિટ બની ગયો હતો અને આરોપ છે કે જ્યોતિપ્રિયો ખાદ્ય મંત્રી હતા ત્યારે શાહજહાંએ તેમની સાથે રાશન કૌભાંડમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

બાંગ્લાદેશ સરહદની નજીક રહેતા શાહજહાં પર આરોપ છે કે તેણે પોતાનો બિઝનેસ માત્ર ભારત જ નહીં પરંતુ બાંગ્લાદેશમાં પણ ફેલાવ્યો હતો. બાંગ્લાદેશમાં પણ તેનું ઘર, મિલકત અને બિઝનેસ છે. શું છે સંદેશખાલીનો સમગ્ર મામલો? ૫ જાન્યુઆરીએ EDની ટીમ પશ્ચિમ બંગાળના રાશન કૌભાંડમાં બાહુબલી રાજકીય નેતા શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા ગઈ હતી.

આ દરમિયાન ED અધિકારીઓના વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ આરોપ ટીએમસી નેતા શાહજહાં શેખના સમર્થકો પર લગાવવામાં આવ્યો હતો. આ પછી શાહજહાં શેખ ફરાર થઈ ગયો અને સમન્સ હોવા છતાં એજન્સી સમક્ષ હાજર થયો ન હતો. દરમિયાન, EDએ આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી, જેના આધારે શાહજહાં વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. આ સિવાય એજન્સીએ શાહજહાં વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જારી કરી હતી. ઈડીની ટીમ પર હુમલા બાદ શાહજહાં ફરાર થઈ ગયો હતો. આ બનાવની ચર્ચા દેશભરમાં ચાલી રહી હતી.

આ ઘટનાના લગભગ એક મહિના બાદ સ્થાનિક મહિલાઓએ શાહજહાંનો વિરોધ શરૂ કર્યો હતો. ૮ ફેબ્રુઆરીથી સંદેશખાલીમાં શાહજહાં શેખ અને તેના સમર્થકો વિરુદ્ધ મહિલાઓ બહાર આવી હતી. આ મહિલાઓએ શાહજહાં અને તેના સમર્થકો પર શોષણ અને બળજબરીથી જમીન પર કબજો કરવા જેવા અનેક આરોપો લગાવ્યા હતા. વિરોધ કરી રહેલી મહિલાઓએ શાહજહાં અને તેના નજીકના સાથીદારો ઉત્તમ સરદાર અને શિબપ્રસાદ હઝરા પર પણ આ બધામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.

૯ ફેબ્રુઆરીએ તણાવ વધી ગયો જ્યારે વિરોધ કરી રહેલી મહિલાઓએ શાહજહાંના સમર્થક હઝરાની માલિકીના ત્રણ પોલ્ટ્રી ફાર્મને બાળી નાખ્યું. મહિલાઓએ દાવો કર્યો હતો કે તેઓ સ્થાનિક ગ્રામજનો પાસેથી બળજબરીથી લેવામાં આવેલી જમીન પર બાંધવામાં આવ્યા હતા. ૧૦ ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે આ ઘટના પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે સરકારે ઝડપથી અને અસરકારક રીતે કામ કરવું પડશે. મહિલાઓના વિરોધ વચ્ચે બંગાળ રાજ્યની વિપક્ષી પાર્ટી બીજેપીએ પણ વિરોધ શરૂ કર્યો હતો.

૧૨ ફેબ્રુઆરીએ બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી પર આકરા પ્રહારો કર્યા હતા અને અર્થહીન હિંસા અંગે સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. આ સાથે જ સંદેશખાલીની ઘટના માત્ર પશ્ચિમ બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની હતી. ત્યારથી રાજ્યપાલ, અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય આયોગ, ભાજપની ફેક્ટ ફાઇન્ડિંગ ટીમ વગેરેએ તણાવગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે અને પીડિતોને મળ્યા છે.

સંદેશખાલી મામલામાં ભાજપ અને ટીએમસી વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ રહ્યો હતો. બીજી તરફ મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો. સુનાવણી દરમિયાન કોલકાતા હાઈકોર્ટે સંદેશખાલી કેસના મુખ્ય આરોપી શાહજહાં શેખની ધરપકડ ન કરવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. કોર્ટે કહ્યું કે અમને ખબર નથી કે આરોપીને રક્ષણ આપવામાં આવી રહ્યું છે કે નહીં, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે અત્યાર સુધી પશ્ચિમ બંગાળ પોલીસ આરોપીઓને પકડી શકી નથી. ૨૬ ફેબ્રુઆરીના રોજ કોલકાતા હાઈકોર્ટે મીડિયા અહેવાલો પર સ્વતઃ સંજ્ઞાન લેતા સંદેશખાલી કેસની સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન કોલકાતા હાઈકોર્ટે કહ્યું કે સંદેશખાલી કેસમાં શાહજહાં શેખની ધરપકડ પર કોઈ સ્ટે નથી અને તેની ધરપકડ થવી જોઈએ. કોર્ટે કહ્યું કે શાહજહાંની બંગાળ પોલીસ તેમજ CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરી શકાય છે. કોર્ટના સતત કડક ઠપકા વચ્ચે બંગાળ પોલીસે આખરે ૨૯ ફેબ્રુઆરીએ શાહજહાં શેખની ધરપકડ કરી હતી.

પશ્ચિમ બંગાળ પોલીસે ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાંથી શાહજહાં શેખની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ તે મીનાખા વિસ્તારના એક ઘરમાં છૂપાયો હતો. શાહજહાંની ૨૯ ફેબ્રુઆરીએ સવારે ત્રણ વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. સંદેશખાલી હિંસાના મુખ્ય આરોપી શાહજહાં શેખની ધરપકડ બાદ તેને બસીરહાટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે શાહજહાંને ૧૦ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. સંદેશખાલી કેસનો મુખ્ય આરોપી શાહજહાં શેખ હવે સીબીઆઈની કસ્ટડીમાં છે.

બુધવારે પશ્ચિમ બંગાળ પોલીસની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચે શાહજહાં શેખની કસ્ટડી CBIને સોંપી દીધી હતી. કોલકત્તા હાઈકોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. હાઈકોર્ટે કહ્યું છે કે સંદેશખાલી કેસની તપાસ સીબીઆઈ કરશે. લોકસભાની ચૂંટણી નજીક હોવાથી મમતા બેનરજીને ભીંસમાં લેવા માટે ભાજપ સંદેશખાલીનો ભરપૂર ઉપયોગ કરશે, પણ ભાજપમાં ગુનાહિત નેતાઓની કોઈ ખોટ નથી. ભાજપે જો પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં વધુ બેઠકો મેળવવી હશે તો ગુનાહિત તત્ત્વોની મદદ લેવી જ પડશે. ભારતના રાજકારણની આ વરવી વાસ્તવિકતા બની ગઈ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top