ઉધના ખાતે હાલમાં જ ભાજપ કાર્યાલયમાં થયેલા લાફા પ્રકરણની શાહી સુકાઈ નથી ત્યાં જ વધુ એક નવો વિવાદ સામે આવ્યો છે. ઉધના ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉપનામાં વોર્ડ નંબર 24 ના પ્રમુખ પ્રકાશ ખેરનારે તમામ નીતિનિયમો નેવે મૂકી જાહેર માર્ગ ઉપર જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી હતી.
જાહેર રોડ ઉપર કેક કાપી, ફટાકડા ફોડી સુરત પોલીસ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હોય તેવા તમામ નિયમોની ધજાગરા ઉડાડયા છે. ત્યારે હવે આ સમગ્ર વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થતાં સુરત પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. સુરત પોલીસ પ્રકાશ ખેરનાર સામે ગુનો નોંધી તેની પરપકડ કરશે કે કેમ તેવા પણ સવાલ ઉઠી રહ્યા છે.
સુરત શહેરમાં ભાજપમાં અંદરો અંદર વિખવાદ ચાલતો હોય છે પરંતુ સપાટી પર આવતો નથી. પરંતુ હાલમાં જ માત્ર એક સપ્તાહની અંદર બે અલગ અલગ કાર્યકર્તાઓના વિવાદો સામે આવ્યા છે. જેના કારણે ભાજપની બદનામી થવા સાથે કાર્યકર્તાઓ ઉપરની પકડમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી જતી હોય તેવું સામે આવી રહ્યું છે.
ઉધના ખાતે આવેલ ભાજપના કાર્યાલયમાં કાર્યકર્તા દ્વારા ખજાનચી પર કરવામાં આવેલા હુમલાની શાહી હજી સુકાઈ નથી ત્યાં જ ભાજપના વોર્ડ નંબર 24 ના પ્રમુખ પ્રકાશ ખેરનાર ના કારણે નવો વિવાદ સપાટી પર આવ્યો છે.
પ્રકાશ ખૈરનારનો ઉપના વિસ્તારમાં ધામધુમથી ભવ્ય જન્મદિવસની ઉજવણી કરી હતી. જેમાં ઉધના વિસ્તારમાં આવેલ સાંઈબાબા સોસાયટીના ગેટ ઉપર મુખ્ય માર્ગ ઉપર તેઓએ રસ્તા વચ્ચે ટેબલ મૂકી કેક કાપી હતી એટલું જ નહી પરંતુ આગળ પાછળ અને ચારેય બાજુમાં આતશબાજી મુકી ફટાકડા ફોડી સામાન્ય જનતાને બાનમાં લીધી હતી.
આતશબાજી અને ફટાકડા સાથે રસ્તા પર કેક કાપવાને કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી હતી. સુરત પોલીસ દ્વારા જાહેરમાં કેક કાપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
તેમ છતાં પણ વોર્ડ નંબર 24 ના પ્રમુખ પ્રકાશ ખેરનારે તમામ નીતિ નિયમો નેવે મૂકી જાહેરમાં બર્થડે સેલિબ્રેશન કરી સોશિયલ મીડિયામાં વિડિયો પણ વાયરલ કર્યો છે અને સુરત પોલીસને જાણે ખુલ્લો પડકાર ફેંક્તા હોય તેવું લાગી રહ્યું છે.
સામાન્ય લોકો સામે તરત જ ગુનો દાખલ કરતી સુરત પોલીસે હજુ સુધી પ્રકાશ ખેરનાર સામે કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરી નથી. ત્યારે આગામી સમયની અંદર સુરત પોલીસ તમામ નીતિ નિયમોનો ઉલાળ્યો કરનાર પ્રકાશ ખેરનાર સામે ગુનો દાખલ કરી તે ધરપકડ કરવામાં આવશે કે કેમ તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે.