ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદીની જનસભાઓ તથા ખાતમુહૂર્ત – લોકાર્પણ લગભગ પૂર્ણ થઈ ગયા છે ત્યારે હવે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના (BJP) વિજય માટે કેન્દ્રિય ગૃહ મંત્રી (Union Home Minister) અમિત શાહે (Amit Shah) મોરચો સંભાળ્યો છે. શાહે આજે તેમના જન્મ દિને વલસાડમાં (Valsad) દક્ષિણ ગુજરાતની ૩૫ બેઠકો પર વિજય મળે તે માટે રણનીતિ ઘડવા માટે ભરુચથી છેક ઉમરગામ સુધીના તમામ જિલ્લાના ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધ તથા સંગઠ્ઠનના આગેવાનો સાથે મહત્વની બેઠક યોજી હતી.
આદિવાસી મતદારો ભાજપ તરફ આકર્ષાય તે દિશામાં રણનીતિ ઘડાઈ
૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપને ૩૫માંથી ૨૫ બેઠકો મળી હતી. જ્યારે ૨ બેઠકો બીટીપી તથા ૮ બેઠકો કોંગ્રેસને મળી હતી. ૨૦૨૨ સુધીમાં ધારાસભ્યોની હેરફેરના પગલે ભાજપની બેઠકો વધીને ૨૭ થઈ હતી. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આદિવાસી મતદારો ભાજપ તરફ આકર્ષાય તે દિશામાં રણનીતિ ઘડાઈ છે. આવતીકાલે તા.૨૩મી ઓકટો.ના રોજ મધ્ય ગુજરાતની બેઠક વડોદરા ખાતે યોજાનાર છે. ઉત્તર ગુજરાત ઝોનની બેઠક પાલનપુર તથા સૌરાષ્ટ્રની બેઠક સોમનાથ ખાતે યોજાશે.