વડોદરા: લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપા દ્વારા હાલ થી જ હિલચાલ શરુ કરી દેવામાં આવી છે. ભાજપા સંગઠનને મજબૂત બનાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલની અધ્યક્ષતામાં આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાત સારામાં સારું પ્રદર્શન કરે તે માટેની તમે તૈયારીઓ આદરી લેવાઈ છે ત્યારે શહેરના સંગઠનમાં પણ જળમૂળથી ફેરફારો કરવાની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. અને તેની શરૂઆત પણ થઇ ગઈ છે. લોકસભાની ચૂંટણીને ભલે એક વર્ષ જેટલો સમય બચ્યો હોય પરંતુ રાજકીય હલચલ તેજ થઇ ગઈ છે. અને ભાજપામાં અત્યારથી જ કાર્યકરોને કામે લાગી જવા માટે હાકલ કરવામાં આવી છે. અને તેથી જ કાર્યકરો માટે કાર્યાલયો ઉપર બેઠકોનો દોર શરુ થઇ ગયા છે.
રોજે રોજ બેઠકો યોજવામાં આવી રહી છે અને વ્યૂહ રચના ગોઠવવામાં આવી રહી છે. પેજ પ્રમુખથી માંડી ઉપર સુધી તમામ આગેવાનોને જરૂરી સૂચનો આપવામાં આવી રહ્યા છે ત્યારે સંગઠનમાં પણ જળમૂળથી ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. પ્રદેશના આગેવાનોના શહેરમાં આંટા ફેરા કઈંક નવાજૂનીના એંધાણ જ સૂચવી રહ્યું છે. ખાસ કરીને પ્રદેશ મહામંત્રી પદેથી ભાર્ગવ ભટ્ટને કાઢવામાં આવ્યા બાદ હવે નવા મહામંત્રી તરીકે કોણ હશે તેમ પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે શહેર સંગઠનમાંથી કોઈને ઉપર લઇ જવામાં આવે છે કે પછી કોઈ નવા આગેવાનની વરણી કરવામાં આવે છે તેના ઉપર પણ જોર પકડાયું છે. અને કેટલાકે લોબિંગ પણ શરુ કરી દીધું છે. ત્યારે આગામી દિવસોમાં ભાજપમાં અનેક ભડકાઓ જોવા મળે તેવી શક્યતાઓ છે.
ચૂંટણી આવવાના સમયે કેટલાય આગેવાનો સક્રિય થઇ ગયા
કેટલાક કાર્યકરો જયારે ચૂંટણી આવે ત્યારે જ સક્રિય થતા હોય છે. આ વખતે પણ એવું જ છે. કેટલાક આગેવાનો અચાનક એટલા સક્રિય થઇ ગયા છે કે એવો દેખાડો કરી રહ્યા છે કે તેઓ લોકો વચ્ચે રોજ જતા હોય. અચાનક સોશ્યલ મીડિયાથી માંડી તમામ ક્ષેત્રમાં સતત લોકોની વચ્ચે જોવા મળી રહ્યા છે. અને તેઓ પોતાનો હેતુ સિદ્ધ કરવાના પ્રયાસો કરી રહયા છે. કેટલાક ટિકિટ વાંછુઓ પણ હાલથી જ અનેકવિધ કાર્યક્રમોમાં જોવા મળી રહ્યા છે. અને અગ્રીમ હરોળમાં બેઠેલા જોવા મળે છે જેથી તેઓની નોંધ લેવાય.
વોર્ડ 16ના પ્રમુખના રાજીનામાં પાછળ મહિલા આગેવાનનો ત્રાસ જવાબદાર?
ભાજપાના વોર્ડ 16ના વોર્ડ પ્રમુખ તરીકે સેવા આપતા ભરત ઠક્કરે રાજીનામુ ધરી દીધું છે. અથવા તો રાજીનામુ માંગી લેવાયું છે. રાજીનામામાં ભલે એમ લખ્યું હોય કે મારી વ્યસ્તતાના કારણે હું સમય નથી આપી શકતો પરંતુ અંદરની વાત કઈ ઓર છે. સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર તેઓના રાજીનામાં પાછળ એવું જણાવવામાં આવ્યું હતું કે વોર્ડ પ્રમુખ તરીકે હવે 35 વર્ષથી ઓછી વયના લોકોને જ સમાવવામાં આવશે.તેઓને ચાન્સ આપવામાં આવશે. હવે મજાની વાત એ છે કે 19 વોર્ડમાંથી હવે જે 18 વોર્ડના પ્રમુખો બચ્યા છે તે તમામ 35 થી 55 વર્ષની વયના છે. તો શું આ તમામના રાજીનામાં લેવામાં આવશે. ઉચ્ચ કક્ષાએ પૂછતાં આવો કોઈ નિયમ લાગુ કરાયી નથી માત્ર તેઓ પાસેથી રાજીનામુ લેવા માટે આ કારણ આગળ ધરવામાં આવ્યું હતું. જો કે આ વોર્ડ પ્રમુખ એક મહિલા આગેવાનથી ત્રાસી ગયા હતા અને તેથી પણ તેઓએ રાજીનામુ આપ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.