ગાંધીનગર : કરોડો રૂપિયાના કબૂતરબાજીના કૌભાંડમાં (SCAM) આજે છેવટે રાજય મોનિટરિંગ સેલના પોઈ જવાહર દહિયાને સસ્પેન્ડ કરી દેવાયા છે. અન્ય બીજા બે પોલીસકર્મીઓ પણ સસ્પેન્ડ થયા છે. બીજી તરફ પોલીસ (Police) દ્વારા કબૂતરબાજીમાં ધરપકડ કરાયેલા બોબી પટેલ તથા યોગેશ પટેલની સંડોવણીમાં ભાજપના નેતાઓ તથા કાર્યકરોની પણ સાંઠગાંઠ બહાર આવતા હવે સમગ્ર મામલો પ્રધાનમંત્રીનાકાર્યાલય સુધી પહોચ્યો છે.
સચિવાલયના ટોચના સૂત્રોએ કહ્યું હતું કે , પ્રદેશ ભાજપના એક ટોચના હોદ્દેદાર, સોશિયલ મીડિયા ટીમના કાર્યકર તથા આઈ સેલના કાર્યકર પણ કરોડની મલાઈ તારવી લેવામાં આ કબૂતરબાજીના કરોડોના કૌભાંડમા સામેલ છે. ઊપરાંત ભાજપના આ નેતાઓ ખુલ્લેઆમ કમલમ તથા તેની બહાર આ કબૂતરબાજીના કૌભાંડીઓ સાથે જલસા કરતાં જોવા મળ્યા છે. એટલું જ નહીં સંગઠનની છત્ર છાયા તમારી પર છે એટલે અમારો વાળ પણ વાંકો નહીં થાય, તેવી ફિસિયારીઓ મારતા જોવા મળ્યા છે. હવે પોલીસે આ લોકોની ધરપકડ કરી છે ત્યારે તેના તાર ભાજપના નેતાઓ સુધી પહોંચતા સમગ્ર મામલો ભાજપના દિલ્હી દરબાર સુધી પહોચી ગયો છે.
બીજી તરફ સીએમઓ તરફથી સ્થિતિ પર બારિકાઈથી નજર રાખવામાં આવી રહી છે, દાદા ખુદ કોઈને બચાવવાના મૂડમાં નથી. તેવી જાણકારી પણ મળી રહી છે. બોબી પટેલ તથા યોગેશ પટેલની સાથે ભાજપના કેટલાંક નેતાઓનો ઘરોબો છે. કમલમમાં પણ તેમની અવર જવર હતી. એટલું જ નહીં , કબૂતરબાજીમાં કમાયેલા નાંણાની મલાઈ આ નેતાઓ પણ મળી છે. ભાજપના સોશિયલ મીડિયા તથા આઈટી સેલના કાર્યકરો એક યા બીજી રીતે કૌભાંડકારી તત્વો સાથે સંકળાયેલા છે.
છેલ્લા એકાદ – દોઢ વર્ષની અંદર ઓછામાં ઓછા દોઢથી બે કરોડના ખર્ચે અમદાવાદ, ગાંધીનગર તથા ઉત્તર ગુજરાતના સંખ્યાબંધ લોકો નકલી પાસપોર્ટ તથા કેનેડાથી અથવા તો મેકિસકોથી અમેરિકામાં ઘૂસ્યા છે. આ સમગ્ર કૌભાંડમાં બોબી પટેલ તથા યોગેશ પટેલની ભૂમિકા બહાર આવી છે.
બોબી પટેલ પાસેથી 30 કરોડનો તોડ થયાનો આક્ષેપ
સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિકારીઓ દ્વ્રારા તાજેતરમાં ભરત પટેલ ઉર્ફે બોબી પટેલની ધરપકડ કરાઈ છે. તેની પાસેથી 30 કરોડની રકમનો તોડ કરાયો છે. જયારે સમગ્ર મામલો સ્ટેટ મોનિટરિંગ સેલના સિનિયર અધિકારીઓના ધ્યાને આવ્યો ત્યારે તેમણે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં જી. એચ. દહિયાની સંડોવણી બહાર આવી છે.
બોબીની પુછપરછમાં કેટલાંક નકલી પાસપોર્ટ બનાવનાર વીઝા એજન્ટોની માહિતી બાહર આવી હતી. તે તમામ પાસેથી ધમકી આપીને ધરપકડ નહીં કરવાના બહારને આટલી મોટી રકમ ઉધરાવી લેવાઈ છે. પોઈ જી. એચ. દહિયા રાજયના સેવા નિવૃત્ત થઈ રહેલા પોલીસવડા આશિષ ભાટિયાનીનજીકમાં મનાય છે. બોબી પટેલ પાસેથી 69 જેટલા નકલી પાસપોર્ટ મળી આવ્યા છે. જેના આધારે કેટલાંયે ઉત્તર ગુજારતના લોકો દોડ દોઢ કરોડ આપને અમેરિકા નાસી જવાની પેરવીમાં હતાં.
ભરૂચમાં બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ અધિકારીઓની જાસુસી કરીને આ માહિતી બહાર આપવાના મામલે મયુર ખુમાણ તથા અશોક સોલંકીને સસ્પેન્ડ કરી દેવાયા છે.