National

દિલ્હી ચૂંટણી માટે BJP ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, પ્રવેશ વર્મા કેજરીવાલ સામે ચૂંટણી લડશે

ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી ચૂંટણી માટે 29 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપે નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી પ્રવેશ વર્માને મેદાનમાં ઉતાર્યા છે. પ્રવેશ વર્મા AAPના ઉમેદવાર અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી લડશે. કોંગ્રેસે આ સીટ પર સંદીપ દીક્ષિતને મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. યાદીમાં 29 નામ છે. 16 બેઠકો પર ઉમેદવારો બદલવામાં આવ્યા છે જ્યારે 13 બેઠકો પર વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે. પ્રવેશ વર્મા નવી દિલ્હીથી અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી લડશે. ભાજપે કાલકાજીથી આતિશી સામે રમેશ બિધુરીને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે આ બેઠક પરથી અલકા લાંબાને ટિકિટ આપી છે.

દુષ્યંત ગૌતમ કરોલ બાગથી, મનજિંદર સિંહ સિરસા રાજૌરી ગાર્ડનથી, કૈલાશ ગેહલોત બિજવાસનથી ચૂંટણી લડશે. ગાંધી નગરથી અરવિંદર સિંહ લવલીને ટિકિટ આપવામાં આવી છે. પટપડગંજ બેઠક પરથી આપ ઉમેદવાર અવધ ઓઝાની સામે રવિન્દ્ર સિંહ નેગી હશે. ભાજપ આરકે પુરમ બેઠક પરથી અનિલ શર્મા, માલવિયા નગરથી સતીશ ઉપાધ્યાય, મહેરૌલીથી ગજેન્દ્ર યાદવ, છતરપુરથી કરતાર સિંહ તંવર તથા આંબેડકર નગર બેઠક પરથી ખુશીરામ ચુનારને મેદાનમાં ઉતારશે.

આમ આદમી પાર્ટીએ તમામ 70 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસે પણ અત્યાર સુધીમાં ત્રણ યાદીમાં 48 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી ચૂંટણી લડશે. કાલકાજીથી સીએમ આતિશીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સૌરભ ભારદ્વાજ ગ્રેટર કૈલાશથી, સત્યેન્દ્ર જૈન શકુર બસ્તીથી ચૂંટણી લડશે.

AAPએ 21 નવેમ્બરથી 15 ડિસેમ્બરની વચ્ચે એટલે કે 25 દિવસમાં કુલ 4 લિસ્ટમાં 70 ઉમેદવારોના નામ જાહેર કર્યા. આ વખતે 26 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ રદ કરવામાં આવી છે. 4 ધારાસભ્યોની બેઠકો બદલવામાં આવી છે. જેમાં મનીષ સિસોદિયાની સીટ પટપડગંજથી બદલીને જંગપુરા, રાખી બિદલાનની સીટ મંગોલપુરીથી માદીપુર, પ્રવીણ કુમારની સીટ જંગપુરાથી જનકપુરી અને દુર્ગેશ પાઠકની સીટ કરવલ નગરથી બદલીને રાજેન્દ્રનગર કરવામાં આવી છે.

કોંગ્રેસ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અલકા લાંબા કાલકાજી બેઠક પરથી દિલ્હીના મુખ્યમંત્રી આતિશી સામે ચૂંટણી લડશે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે શુક્રવારે તેમના નામની જાહેરાત કરી હતી. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે અત્યાર સુધી 3 યાદીમાં 48 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

કોંગ્રેસની પ્રથમ યાદી 12 ડિસેમ્બરે જાહેર કરવામાં આવી હતી. તેમાં 21 નામ હતા. બીજી યાદી 24 ડિસેમ્બરે જાહેર કરવામાં આવી હતી. તેમાં 26 નામ હતા. કોંગ્રેસે જંગપુરા બેઠક પરથી ફરહાદ સૂરીને ટિકિટ આપી છે. AAPના મનીષ સિસોદિયા અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. બાબરપુર સીટ પરથી AAPના ગોપાલ રાય સામે હાજી મોહમ્મદ ઈશરાક ખાનને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા.

Most Popular

To Top