ઉત્તર પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત થતાં જ દલિત અને સવર્ણનું રાજકારણ શરૂ થઈ ગયું છે. ખાસ કરીને બીએસપી અને અન્ય પક્ષમાંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યો હવે ફરીથી ભાજપ સાથે છેડો ફાડીને સપામાં જોડાઈ રહ્યા છે. જેના કારણે સપાને ફાયદો થશે કે ભાજપને તે જોવું રહ્યું. કેન્દ્રીય ચૂંટણીપંચે ઉત્તર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. પાંચ રાજ્યો પૈકી ઉત્તર પ્રદેશમાં સૌથી લાંબી ચૂંટણીપ્રક્રિયા ચાલશે. ઉત્તર પ્રદેશમાં આ સાતેય તબક્કા દરમિયાન મતદાન યોજાશે. અહીં પ્રથમ તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરી, બીજા તબક્કાનું મતદાન 14 ફેબ્રુઆરી, ત્રીજા તબક્કાનું મતદાન 20 ફેબ્રુઆરી, ચોથા તબક્કાનું મતદાન 23 ફેબ્રુઆરી, પાંચમાં તબક્કાનું મતદાન 27 ફેબ્રુઆરી, છઠ્ઠા તબક્કાનું મતદાન 3 માર્ચ અને સાતમાં તબક્કાનું મતદાન 7 માર્ચે યોજાશે.
ઉત્તર પ્રદેશમાં 7 માર્ચના રોજ મતદાનનાં તમામ સાત તબક્કા પૂર્ણ થયા બાદ 10 માર્ચના રોજ તમામ પાંચ રાજ્યોની મતગણતરી હાથ ધરવામાં આવશે. દેશમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે, એવા સમયે ચૂંટણીપંચ સામે ચૂંટણી યોજવી એક મોટો પડકાર પણ છે. ઉત્તર પ્રદેશ વસતીની દૃષ્ટિએ દેશનું સૌથી મોટું રાજ્ય તો છે જ, સાથોસાથ રાજકીય રીતે પણ તે સૌથી મહત્ત્વનું રાજ્ય છે. વસતી, રાજનૈતિક જાગૃતિ, ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો અને સ્વતંત્રતા માટેનાં આંદોલનો અને રાજકીય પરિવર્તન માટેના આંદોલનોની દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ દેશનું એક ખૂબ મહત્ત્વપૂર્ણ રાજ્ય છે. ભારતની લગભગ 16.17 ટકા વસતી આ રાજ્યમાં છે.
ક્ષેત્રફળની રીતે જોઈએ તો, આ રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ પછી પાંચમા નંબરે છે, અને ભારતની ભૂમિનો 7.3 ટકા ભૂ-ભાગ આ રાજ્યક્ષેત્રનો છે. ઉત્તર પ્રદેશમાં 75 જિલ્લા છે. લોકસભામાં ઉત્તર પ્રદેશની 80 બેઠકો અને રાજ્યસભામાં 31 બેઠકો છે. ઉત્તર પ્રદેશની વિધાનસભાની 404 બેઠકો છે. આ સિવાય જેવી રીતે રાજ્યસભા છે એવી રીતે ઉપલું ગૃહ યાને કે વિધાનપરિષદ છે જેની સભ્યસંખ્યા 100 હોય છે. વિધાનપરિષદના 100 સભ્યોમાં 90 ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે અને 10 પ્રતિનિધિઓ નૉમિનેટેડ સભ્ય હોય છે.
અત્યારે ઉત્તર પ્રદેશમાં બીજેપીની સરકાર છે અને સમાજવાદી પાર્ટી અને બહુજનસમાજ પાર્ટી મુખ્ય વિપક્ષી પાર્ટી છે. ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ ભાજપની યોગી સરકારમાં મંત્રી રહેલા સ્વામી પ્રસાદ મૌર્ય અપેક્ષા પ્રમાણે જ સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા છે. આજે અખિલેશ યાદવની હાજરીમાં સ્વામી પ્રસાદ મૌર્ય, ધર્મ સિંહ સૈની સહિતના ભાજપના 6 ધારાસભ્યો સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા હતા.સમાજવાદી પાર્ટીના લખનૌના કાર્યાલય ખાતે તેઓ ધારાસભ્યો સાથે પહોંચ્યા હતા. ભાજપને સ્વામીના રાજીનામાથી ચૂંટણી પહેલા ઝાટકો લાગ્યો છે.સ્વામીએ દાવો કર્યો છે કે, યોગી સરકારના બીજા મંત્રીઓ તેમજ ધારાસભ્યો પણ ભાજપ છોડવાની તૈયારીમાં છે.સ્વામી પ્રસાદ સાથે ભાજપ છોડનારા એક ધારાસભ્યે તો ગઈકાલે એવો દાવો કર્યો હતો કે, ભાજપના 100 જેટલા ધારાસભ્યો પાર્ટી છોડવા માટે રાહ જોઈ રહ્યા છે. જોકે સ્વામીની પુત્રી સંઘમિત્રા ગૌતમ ભાજપની સાંસદ છે અને સ્વામીએ કહ્યુ હતુ કે, તે ભાજપમાં સાસંદ તરીકે ચાલુ રહેશે.આમ તે ભાજપ છોડીને સમાજવાદી પાર્ટીમાં સામેલ થવાની નથી. તો બીજી તરફ સમાજવાદી પાર્ટી અને દલિત નેતા ચંદ્રશેખર રાવણની ભીમ આર્મી વચ્ચે ચૂંટણી લડવા માટેની વાતચીત પડી
ભાંગી છે.
દરમિયાન ચંદ્રશેખર રાવણે કહ્યુ હતુ કે, અમારી વચ્ચે જોડાણ થઈ શકયુ નથી.ઘણા મુદ્દા પર વાત થઈ હતી પણ બંને પાર્ટીઓ વચ્ચે સંમતિ બની નહોતી.જો સરકાર બની હોત તો પણ અમારા પ્રતિનિધિ તેમાં ના હોત.અખિલેશ યાદવ સામાજિક ન્યાયને સમજતા નથી.અમે ભાજપને રોકવા માંગીએ છે પણ અખિલેશ યાદવને દલિતોની જરુર નથી.અમને અપમાનિત કરવામાં આવ્યા છે. ચંદ્રશેખરે કહ્યુ હતુ કે, અખિલેશ યાદવનો આજ સુધી ફોન આવ્યો નથી.અમે એક મહિના સુધી તેમની સાથે વાતચીત કરી હતી.તેમણે નક્કી કરી લીધુ છે કે, દલિતોની નેતાગીરી ઉભી થવા દેવી નથી.અમે નક્કી કર્યુ છે કે, સમાજવાદી પાર્ટી સાથે હવે જોડાણ નહીં કરીએ.દલિત સમાજ પોતાની લડાઈ જાતે લડશે. તેમણે કહ્યુ હતુ કે, ભાજપને રોકવા માટેના તમામ પ્રયાસો અમે કર્યા છે.અમે લોકોમાં વિશ્વાસ પેદા કર્યો છે.જોકે અખિલેશને લાગે છે કે, તેમને દલિત સમાજની જરુર નથી અને ગઠબંધનમાં દલિત સમાજને તેઓ જોવા માંગતા નથી.