National

PM મોદીના ‘ધ્યાન’ પર ભડકી કોંગ્રેસ: ખડગેએ કહ્યું- તમારા ડ્રામાનો ખર્ચ કોણ ઉઠાવશે? આસ્થા છે તો ઘરે કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) કન્યાકુમારીમાં છે. તેઓ અહીં વિવેકાનંદ મેમોરિયલમાં ત્રણ દિવસ ધ્યાન (Meditation) કરશે. જેના પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ધર્મને રાજકારણમાં ન લાવવો જોઈએ. રાજનીતિ અને ધર્મ અલગ અલગ વિષયો છે. પીએમ મોદી કન્યાકુમારીમાં જે ડ્રામા કરી રહ્યા છે તેનો ખર્ચ કોણ ઉઠાવશે. દેશમાં આચારસંહિતા લાગુ છે અને તેઓની સુરક્ષા પાછળ હજારો પોલીસ લગાડવામાં આવી છે. આ દેશના પૈસાનો બગાડ છે. જો તેમને આટલી જ શ્રદ્ધા હોય તો આ કામ તેમના ઘરે જ કરે અથવા તો પોતાના ખિસ્સામાંથી ખર્ચ ઉઠાવે.

તમને જણાવી દઈએ કે આજે પીએમ મોદીના ધ્યાનનો બીજો દિવસ છે. તેમણે સવારે સૂર્યોદય સમયે સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું. પીએમ મોદીના ધ્યાનનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં પીએમ મોદી કેસરી કુર્તા અને ગમછામાં જોવા મળી રહ્યા છે. તે સ્વામી વિવેકાનંદની પ્રતિમાની સામે બેસીને ધ્યાન કરી રહ્યા છે. તેમના હાથમાં માળા છે અને ઓમનો નાદ ગુંજી રહ્યો છે. આ ધ્યાન મંડપની ખાસ વાત એ છે કે આ એ જ જગ્યા છે જ્યાં સ્વામી વિવેકાનંદે દેશનો પ્રવાસ કર્યા બાદ ત્રણ દિવસ સુધી ધ્યાન કર્યું હતું. અહીં જ તેમણે વિકસિત ભારતનું સ્વપ્ન જોયું હતું. એવું માનવામાં આવે છે કે દેવી પાર્વતીએ આ સ્થાન પર એક પગ પર ઉભા રહીને ધ્યાન કર્યું હતું.

આ પહેલા પીએમ મોદી ગુરુવારે કન્યાકુમારી પહોંચ્યા હતા. વડાપ્રધાન દક્ષિણ ભારતના પરંપરાગત પોશાકમાં ધોતી પહેરીને જોવા મળ્યા હતા. તેમણે ઓફ-વ્હાઈટ રંગની શાલ પહેરેલી હતી. કન્યાકુમારી પહોંચ્યા બાદ ભગવતી અમ્માન મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. તમને જણાવી દઈએ કે સામાન્ય ચૂંટણી પ્રચારના અંત પછી પીએમ મોદી દરેક વખતે આધ્યાત્મિક યાત્રા પર જાય છે. 2019ના ચૂંટણી પ્રચાર પછી તેઓ કેદારનાથ ગયા હતા અને વર્ષ 2014માં તેઓ શિવાજી મહારાજ સાથે સંબંધિત પ્રતાપગઢ ગયા હતા.

બીજી તરફ ખડગેએ પીએમ મોદી પર નિશાન સાધવા ઉપરાંત કહ્યું કે અનામત છીનવવાનો સવાલ જ નથી. SC અને ST સમુદાયના લોકોને તેમની વસ્તી અનુસાર અનામત આપવી જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે પીએમ મોદી ગુજરાતના છે. ગુજરાતની કોઈ વ્યક્તિ કહે કે હું મહાત્મા ગાંધીને ઓળખતો નથી તો મારે શું કહેવું? આરએસએસના સભ્ય તરીકે તમે તેમની વિચારધારા અને સિદ્ધાંતોનો પ્રચાર કર્યો પરંતુ મહાત્મા ગાંધીનો નહીં. તમે 13 વર્ષ મુખ્યમંત્રી હતા અને હવે પીએમ છો.

Most Popular

To Top