Gujarat

ભાજપમાં ભવાડો કરનાર પત્રિકા કાંડમાં ગુજરાત આવી રહેલા અમિત શાહ ડેમેજ કંટ્રોલ કરે તેવી સંભાવના

ગાંધીનગર: ભાજપમાં (BJP) શરૂ થયેલા પત્રિકાકાંડમાં (Patrikakand) ભાજપના જ આગેવાનોની સામેલગીરીને પગલે ભાજપમાં જ ભડકા થઈ રહ્યા છે. પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલની સામે પડેલું વિરોધી ગ્રુપ અને પાટીલના સમર્થક ગ્રુપ વચ્ચે ખેંચાયેલી તલવારમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ આજથી બે દિવસ માટે અમદાવાદ, ગાંધીનગર તથા કચ્છની મુલાકાતે આવી રહ્યાં છે. અમિત શાહ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવામાં આવે તેવી સંભાવના જોવાઈ રહી છે. અમિત શાહ ભાજપના જ કેટલાક નેતાઓને કદ પ્રમાણે વેતરી નાખે તો નવાઈ નહીં હોય.

સુમુલ ડેરીના પૂર્વ ચેરમેન તથા વરિષ્ઠ સહકારી આગેવાન રાજુ પાઠકની સુરત સિટી ક્રાઈમ બ્રાંચ દ્વારા બે દિવસથી પુછપરછ કરવામાં આવી રહી છે. પત્રિકાકાંડ અને બાદમાં ભાજપના જ નેતાઓને પોલીસ બોલાવીને પુછપરછ કરી રહી હોવાથી પક્ષની ઈમેજ બગડી રહી હોવાથી ભાજપનું હાઈકમાન્ડ નારાજ પણ છે. પત્રિકા કાંડમાં એક તબક્કે જેમનું નામ બહાર આવ્યું તે સિનીયર આદિવાસી નેતા ગણપત વસાવાએ પણ માફી માંગવી પડી છે. પાટીલ જુથે વિરોધી જુથ સામે રાજકીય બદલો લઈને તેઓને પાડી દીધા તેમ હવે વિરોધી જુથ પાટીલ તથા તેમના સમર્થકો સામે પડ્યું છે. કારણ કે સચીન તેંડુલકરની જેમ સુરતની અંદર બેટિંગ ચાલી રહી છે. તેની ચર્ચા હવે ગાંધીનગરમાં સચિવાલયના ગલીયારાઓમાં પણ થવા લાગી છે. આટલું ઓછું હતું ત્યાં હવે રહી રહીને આ વાત ભાજપના હાઈકમાન્ડના ધ્યાને પણ આવી ગઈ છે.

પાટીલની કામ કરવાની પદ્ધતિ સામે પણ તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદી સમક્ષ ફરિયાદ થઈ છે. ભાજપનો આંતરીક ઝઘડો છેક ક્રાઈમ બ્રાન્ચ સુધી પહોંચ્યો તેમાં સરકારની અંદરના તથા સરકારની બહારના પાર્ટીના જ કેટલાંક નેતાઓએ ફૂંક મારવાનું કામ કર્યુ છે. લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને પાટીલને પુન: હોદ્દા પર ચાલુ જ રાખવામાં આવ્યા છે ત્યારે ગુજરાત આવી રહેલા અમિત શાહ ચાર દિવાલની અંદર ભાજપના નેતાઓને ઠપકો આપીને તેઓને હવે માપમાં રહેજો નહીં તો, હાઈકમાન્ડ આખી સરકાર બદલી નાંખી તેમ તમે પણ ખોવાઈ જશો તેવું કાનમાં કહી દે તો સ્હેજ પણ નવાઈ પામવા જેવું નથી.

સહકારી આગેવાન તેમજ સુમુલ ડેરીના વાઈસ ચેરમેન રાજુ પાઠકની સતત બીજા દિવસે ક્રાઈમ બ્રાંચે પુછપરછ કરી
સુરત: ભાજપના પત્રિકાકાંડમાં સહકારી આગેવાન તેમજ સુમુલ ડેરીના વાઈસ ચેરમેન રાજુ પાઠકની આજે ફરી ક્રાઈમ બ્રાંચ દ્વારા પુછપરછ કરવામાં આવતાં રાજકીય વર્તૂળોમાં ભારે ચર્ચાઓ ઉઠી હતી. રાજુ પાઠકની ગઈકાલે પણ ક્રાઈમ બ્રાંચ દ્વારા પુછપરછ કરવામાં આવી હતી. રાજુ પાઠકનો મોબાઈલ પોલીસ દ્વારા ગઈકાલે પુછપરછ દરમિયાન લઈ લેવામાં આવ્યો હતો અને મોબાઈલમાં રહેલી વિગતો અંગે આશરે 3 કલાક પુછપરછ કરવામાં આવ્યા બાદ રાજુ પાઠકને જવા દેવામાં આવ્યા હતા. રાજુ પાઠક પાસેથી પોલીસ દ્વારા ચોક્કસ કઈ માહિતી લેવામાં આવી તેની વિગતો બહાર આવી નહોતી પરંતુ પત્રિકા કાંડમાં વધુ ધરપકડો થાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે. દરમિયાનમાં રાજુ પાઠકે એવું જણાવ્યું હતું કે, મને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ સામે કોઇ વાંધો નથી. પત્રિકા કાંડમાં ભાજપી નેતાઓની થયેલી બદનક્ષી સાથે તેઓની કોઇ લેવા દેવા નથી. તેઓ ભાજપના વફાદાર છે. પોતે સીઆર પાટીલને પોતાના નેતા માને છે. તેથી પોતે ક્યારેય પાર્ટીની વિરૂદ્ધમાં કોઇ કૃત્ય કર્યુ નથી.

Most Popular

To Top