Gujarat

ગુજરાતમાં ત્રણ દિવસીય પ્રવાસે આવી રહ્યા છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવિન

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવિન આગામી 20થી 22 ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમોમાં ભાગ લેશે. અને પાર્ટી કાર્યકરોને માર્ગદર્શન આપશે. ત્રણ દિવસના કાર્યક્રમમાં આંતરિક સમીક્ષા બેઠક ઉપરાંત કેટલાક જાહેર કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં સભ્યતા અભિયાનને વધુ ગતિ આપવી, નવા કાર્યકરોને જોડવા અને ડિજિટલ માધ્યમો દ્વારા સંગઠનને સશક્ત બનાવવા મુદ્દે પણ ચર્ચા થવાની સંભાવના છે. આ પ્રવાસ દ્વારા રાષ્ટ્રીય નેતૃત્વ રાજ્યના કાર્યકરો સાથે સીધો સંપર્ક સાધશે અને આગામી સમયમાં પાર્ટીની કામગીરી માટે માર્ગદર્શન આપશે. પ્રવાસના પ્રથમ દિવસે તેઓ રાજ્યના સાંસદો, ધારાસભ્યો અને મુખ્ય પદાધિકારીઓ સાથે બેઠક યોજશે. આ બેઠકમાં સંગઠનના વિસ્તરણ, આગામી ચૂંટણીની તૈયારીઓ અને સરકારની યોજનાઓને લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવા અંગે ચર્ચા થવાની શક્યતા છે. ગાંધીનગર ખાતે યોજાનારી વિશેષ બેઠકમાં પ્રદેશના નેતાઓ સાથે વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને સંગઠન મજબૂત બનાવવા માટેની રણનીતિ પર ચર્ચાવિચારણા કરશે.

21 ફેબ્રુઆરીના રોજ તેમના કાર્યક્રમની શરૂઆત સવારે 6 વાગ્યે અટલ બ્રિજ પર મોર્નિંગ વોકથી થશે. ત્યારબાદ સવારે 8:45 વાગ્યે તેઓ ભદ્રકાળી માતા મંદિરે દર્શનાર્થે જશે. સવારે 11 વાગ્યે કમલમ ખાતે પાર્ટીના પદાધિકારીઓ અને હોદેદારો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં સંગઠન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થશે. બપોરે 2 વાગ્યે સોશિયલ મીડિયા ટીમ સાથે સંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સાંજે 4 વાગ્યે ગિફ્ટ સિટીમાં યોજાનારી ‘યંગ વોઇસ સમિટ’માં તેઓ યુવાઓને સંબોધિત કરશે. ત્યારબાદ સાંજે 5:30 વાગ્યે જીએમડીસી ખાતે બૂથ સ્તરના કાર્યકરો સાથે સીધી મુલાકાત અને સંવાદ યોજાશે. 22 ફેબ્રુઆરીએ તેઓ હેરિટેજ ખાડિયા ખાતે પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ કાર્યક્રમ સાંભળશે. ત્યારબાદ બપોરે 12:30 વાગ્યે દિલ્હી માટે પ્રસ્થાન કરશે.

Most Popular

To Top