National

ભાજપના સાંસદ ભર્તૃહરિ મહતાબ આગામી પ્રોટેમ સ્પીકર હશે, રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂંક કરાઈ

18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે. જેમાં લોકસભા સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી યોજાશે. અગાઉ ગુરુવારે 20 જૂનના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણની કલમ 95 (1) હેઠળ કટક, ઓડિશાના બીજેપી સાંસદ ભર્તૃહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ સંસદમાં નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવશે.

ભર્તૃહરિ મહતાબ કટકથી સાત વખતના સાંસદ છે. તેઓ બીજેડી છોડીને આ વર્ષે જ માર્ચમાં ભાજપમાં જોડાયા હતા. 2017 માં તેમને લોકસભામાં ચર્ચામાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ઉત્કૃષ્ટ સંસદ સભ્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત બંધારણના અનુચ્છેદ 99 હેઠળ રાષ્ટ્રપતિએ સુરેશ કોડીકુન્નીલ, થલીક્કોટ્ટાઈ રાજુતેવર બાલુ, રાધા મોહન સિંહ, ફગ્ગન સિંહ કુલસ્તે અને સુદીપ બંદોપાધ્યાયની ચૂંટણી સુધી નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવવામાં પ્રોટેમ સ્પીકરને મદદ કરવા માટે નિયુક્ત કર્યા છે.

પ્રોટેમ સ્પીકર એટલે શું?
પ્રોટેમ લેટિન શબ્દ પ્રો ટેમ્પોર પરથી આવ્યો છે. તેનો અર્થ છે થોડા સમય માટે. પ્રોટેમ સ્પીકર અસ્થાયી સ્પીકર છે. લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણી પછી ગૃહ ચલાવવા માટે પ્રોટેમ સ્પીકર પસંદ કરવામાં આવે છે. સ્પીકર પ્રોટેમ લોકસભાના સ્પીકર ચૂંટાય ત્યાં સુધી આ પદ ધરાવે છે.

પ્રોટેમ સ્પીકરની મુખ્ય ફરજ નવા ચૂંટાયેલા સાંસદો/વિધાનસભાને શપથ લેવડાવવાની છે. આ સમગ્ર કાર્યક્રમ પ્રોટેમ સ્પીકરની દેખરેખ હેઠળ થાય છે. પ્રોટેમ સ્પીકરનું કામ ફ્લોર ટેસ્ટ કરાવવાનું પણ છે. જોકે બંધારણમાં પ્રોટેમ સ્પીકરની નિમણૂક, ફરજો અને સત્તાઓ વિશે સ્પષ્ટપણે કંઈ કહેવામાં આવ્યું નથી.

Most Popular

To Top