SURAT

‘પોલીસે 8 લાખનો તોડ કર્યો’ ભાજપના MLA કાનાણીના વધુ એક લેટર બોમ્બે ખળભળાટ મચાવ્યો

ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને લખેલા વધુ એક લેટરના લીધે ખળભળાટ મચી ગયો છે. આ વખતે કુમાર કાનાણીએ સરથાણા પોલીસ પર સીધો જ ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ કર્યો છે. વરાછા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણીએ સરથાણા પોલીસ પર રૂપિયા 8 લાખના તોડનો આરોપ મુક્યો છે. આ સાથે જ ભ્રષ્ટ્રાચારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે.

કાનાણીએ મુખ્યમંત્રી અને સુરત પોલીસ કમિશનર લેટર લખી જણાવ્યું હતું કે સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા મૌખિક સુચનાને આધારે 11 જાન્યુઆરી 2025ના રોજ બપોરે આશરે 3.30 કલાકે લાઇસન્સ વગર હાર્પિક કંપનીનું ડુપ્લિકેટ લિક્વિડ પકડવા દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં અંદાજે 8 થી 10 પોલીસકર્મીઓ સામેલ હતા. આ પોલીસકર્મીઓએ તથા હાર્પિક કંપનીના પ્રતિનિધિ વિનોદ ભાઈ બીજવાભાઈ સુમરા સાથે મળી આરના એન્ટરપ્રાઈઝ ઉપર દરોડા પાડ્યા હતા.

5 આઈસરમાં માલ સગેવગે
આ દરોડા કાર્યવાહીમાં પોલીસકર્મીઓ તથા કંપનીના પ્રતિનિધિએ ભેગા મળી આરના એન્ટરપ્રાઈઝના માલિકો પાસેથી 8 લાખ લઈ ગોડાઉનમાં હાજર પૂરો માલ FIRમાં ન દર્શાવવા માંગ્યા હતા. ગોડાઉનમાં માલ 20 લાખ કરતા પણ ઘણો વધારે હતો. આમ છતાં ફક્ત રૂ. 3,31,200નો બતાવી બાકીનો માલ આરના એન્ટરપ્રાઈઝના ગોડાઉનથી એન્યમ સર્કલ, રીંગરોડ પાસેના ક્રિટલ ફાર્મમાં પોલીસની મદદગારીથી 5 આઈસર ભરીને સગેવગે કરવામાં પોલીસકર્મીઓ સામેલ હતા.

દરોડા પડ્યા ત્યારે આરના એન્ટરપ્રાઈઝના ગોડાઉનમાં હાજર તમામ માલિક તેમજ કામદારોના મોબાઈલ ગેરકાયદેસર રીતે જપ્ત કરી લેવામાં આવ્યા હતા. જેથી કોઈ પુરાવા મળે નહિ. અને લીધેલા રૂ. 8 લાખની રકમ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહે આરના એન્ટરપ્રાઈઝના માલિકની સ્કોડા ગાડીમાં લઈને સરવાણા પોલીસ સ્ટેશન અંદાજે સાંજે 5.00 વાગ્યાના સુમારે જતો રહ્યો હતો.

ફરિયાદ ન લીધી
આરના એન્ટરપ્રાઈઝના કુલ 3 માલિક છે. તો FIR માં ફક્ત એક માલિક જ કેમ દર્શાવવામાં આવ્યું? બાકીના બે માલિકના નામ અર્પિત અને હિરેન ગોળવિયા છે. આ રેડમાં પોલીસકર્મી દ્વારા કરેલા ઉઘરાણું હપ્તા લેતા ગલીના ગુંડાઓ જેવું છે. આ બાબતે ઈન્ચાર્જ પી.આઈ. કે.એ. ચાવડાની સુચનાથી આ રેડ પાડી હતી.

આ અંગે ફરિયાદ કરવા 12 જાન્યુઆરી 2025એ વકીલ હરકિશનભાઈ જયાણી સમાજના 200 જેટલા આગેવાનો ગયા હતા. તો તેમણે ફરિયાદ લેવાની ના પાડી હતી. ત્યારબાદ 13 જાન્યુઆરી 2025 ના રોજ સરથાણા પી.આઈ. એમ.બી. ઝાલાને પણ સ્પષ્ટ શબ્દોમાં ઉપરોકત વર્ણવેલી ઘટના કહી હતી. પરંતુ તેમણે પણ કોઈ નક્કર કાર્યવાહી કરવાને બદલે હું રેડ પડી ત્યારે રજા પર હતી તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો.

કસૂરવારોનું સરઘસ કાઢો
કાનાણીએ લેટરમાં લખ્યું કે, સ્પષ્ટ થાય છે કે સરથાણા પોલીસ સ્ટેશનના તમામ પોલીસકર્મીઓ આમાં સામેલ છે. અને આ રેડમાં તોડ થયો તે બધા જણતા હોવા છતાં મગનું નામ મરી પાડવા તૈયાર નથી. હાલમાં ગુજરાતમાં નાના-મોટી મારામારી માટે કે લલિત ડોંડાને હપ્તાની ઉઘરાણી માટે જે વરઘોડા કાઢવામાં આવે છે તે સારી વાત છે. પણ સ્પષ્ટ માનવું છે કે આરના એન્ટરપ્રાઈઝની રેડમાં તોડબાજી કરનાર સામેલ તમામ પોલીસકર્મીઓનુ પણ કાયદા મુજબ સરઘસ નીકળવું જોઈએ.

કેમેરા ચેક કરો
ઉપરની વાત સ્પષ્ટ સાબિત કરવા માટે આરના એન્ટરપ્રાઈઝના આજુબાજુના ગોડાઉનના CCTV ફૂટેજ તથા માલિકોની પૂછપરછ અને સીમાડા કેનાલ રોડ પર નહેરવાળી મેલડીમાં નુ મંદિર છે તેની બાજુમાં સરકારી કેમેરા છે. તેના 11 જાન્યુઆરી 2025ના બપોરના 3 થી રાતના 2 વાગ્યા સુધીના CCTV ફૂટેજ મૂળ આધારભૂત પુરાવો છે. જે કોઈપણ સંજોગોમાં નાશ ન થાય તો ઉપરની બધી હકીકતો સ્પષ્ટ સાબિત થઇ શકે તેમ છે.

તપાસની માંગ કરી
આ ઘટનાની તલસ્પર્શી તપાસ થાય અને આરના એન્ટરપ્રાઈઝના માલિકોને દબાવવામાં ન આવે તો તમામ આક્ષેપો સબુત સાથે પુરવાર થઇ શકે તેમ છે. આથી તાત્કાલિક ધોરણે આ તોડબાજીમાં સામેલ પોલીસકર્મીઓ સિવાયના પોલીસ અધિકારી દ્વારા સચોટ તપાસ થાય તેવી મારી માંગણી છે. કારણ કે રક્ષક જ જો ભક્ષક બને તો પ્રજા કોના ભરોસે?

Most Popular

To Top