નડિયાદ: ખેડા જિલ્લા પંચાયતની નવિન બિલ્ડીંગમાં સોમવારના રોજ યોજાયેલી સામાન્ય સભામાં ભાજપના જ સભ્ય અને પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન પ્રવિણસિંહે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતાં ચકચાર મચી ગઈ હતી. જોકે, આ ભ્રષ્ટાચારના જવાબ આપવાના બદલે મિનિટોમાં જ સભા આટોપી લેવામાં આવતા વિપક્ષો પણ ઉશ્કેરાયાં હતાં. નડિયાદના ડભાણ રોડ સ્થિત નવીન જિલ્લા પંચાયત ભવન ખાતે સોમવારે પ્રમુખ નયનાબેન પટેલના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં પ્રમુખ દ્વારા 11 એજન્ડા રજૂ કરાયા હતા અને તે બહુમતિથી મંજૂર કરી દેવાયા હતા. આ ઉપરાંત અન્ય 5 એજન્ડા પ્રમુખ સ્થાનેથી મંજૂર કરાયા હતા. તો વળી, નવા બિલ્ડીંગમાં યોજાયેલી પહેલી જ સભા વિપક્ષી વિરોધ વચ્ચે અસામાન્ય બની હતી. તો વિધાનસભા ચૂંટણી જાહેર થાય તે પૂર્વે મંજૂર કરાયેલા કામો પૂર્ણ કરવાની કટિબદ્ધતા પણ પ્રમુખે દર્શાવી હતી.
અલબત્ત, સામાન્ય સભામાં ભાજપના પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન પ્રવિણસિંહ એક કર્મચારી એક ટેબલ પર વર્ષોથી ચિટકી રહેવા મામલે, તેમજ શિક્ષકો અને આરોગ્ય કર્મીઓની બદલી માટે હજારો રૂપિયાનો ભાવ બોલાતાં હોવાનો, બ્લેકલિસ્ટ કરેલ ડી.બી.એન્ટર પ્રાઈઝનો કોન્ટ્રાક્ટ ચાલુ રાખવા મુદ્દે પ્રમુખ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત અહીં જિલ્લા પંચાયતની કાર્યવાહી જૂની બિલ્ડીંગમાંથી ખસેડી નવી બિલ્ડીંગમાં લાવવા પર મહોર મારવામાં આવી હતી. આ દરમિયાન સત્તાધારી ભાજપના જ પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન દ્વારા ગંભીર આક્ષેપ કરાયા હતા. તો વળી, મહુધા ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારે પણ અનેક મામલે ઉગ્ર રજૂઆત કરી હતી.
વિભાગોની કારોબારીનું પ્રોસીડીંગ અપાતુ નથીઃ બાબુભાઈ સોલંકી
સામાન્ય સભા દરમિયાન જિલ્લા પંચાયતની સીંજીવાડા બેઠકના સભ્ય અને વિરોધ પક્ષના નેતા બાબુભાઈ સોલંકીએ સત્તાપક્ષ સામે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યુ હતુ કે, જિલ્લા પંચાયતના તમામ વિભાગોની જે કારોબારી બેઠક મળે છે અને તેની અંદર જે એજન્ડા મંજૂર કરી દેવાય છે, બાદમાં સામાન્ય સભામાં બહાલી આપી દેવાય છે, આ બેઠકોનું પ્રોસીડીંગ સભ્ય તરીકે અમને અપાતુ નથી. પ્રશ્નોતરી દરમિયાન આ પ્રશ્ન રજૂ કર્યો હતો પરંતુ યોગ્ય જવાબ મળ્યો નથી. તો બીજીતરફ મંજીપુરાની પ્રા.શાળા અંગે સવાલ પૂછ્યો હતો તેનો પણ પ્રત્યુતર મળ્યો નથી. વળી, જિલ્લાના પ્રવાસી શિક્ષકોનો 4-5 મહિનાથી પગાર કરાયો નથી. આ અંગે વિરોધ કરતા 2 મહિનાની ગ્રાન્ટ મંજૂર કરી છે એટલે હજુ પણ 2-3 માસનો પગાર બાકી છે.
માતર ખાતે તાલુકા પંચાયતનું નવું મકાન બનાવવા જમીન ફાળવી
ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 15માં નાણાપંચ હેઠળ વર્ષ 2022-23ની જિલ્લાની ગ્રાન્ટના વિકાસ કામો, માતર ખાતે તાલુકા પંચાયતનું નવું મકાન બનાવવા જમીન તાલુકા સીડ ફાર્મ માતરમાંથી ફાળવી આપવા, જુના જિલ્લા પંચાયતના મકાનમાં તાલુકા પંચાયત કચેરી નડિયાદ, આઈ.સી.ડી.એસ. ઘટકો તથા અન્ય કચેરીઓને ઉપયોગ કરવા માટે આપવા તેમજ વર્ષ 2021-22ના વાર્ષિક હિસાબો સહિત વિવિધ વિકાસ કાર્યો રજૂ કરવામાં આવ્યા હતા. જે સર્વાનુમતે ગણતરીની સેકન્ડોમાં જ મંજૂર કરાયા હતા. તો વળી, પ્રમુખ સ્થાનેથી 5 કામો રજૂ કરાયા હતા અને તેની મંજૂરી અપાઈ હતી.
– પ્રમુખ નયનાબેન પટેલ જિલ્લા પંચાયત
ગણતરીની સેકન્ડમાં સભા આટોપી લેવાતા વિપક્ષ ગિન્નાયુ
આ સામાન્ય સભા દર વખતની જેમ ગણતરીના સેકન્ડોમાં જ પૂર્ણ જાહેર કરવામાં આવતાં વિપક્ષના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત સભામાં સભ્યોને સાંભળવામાં આવતા નથી ફટાફટ સભા પૂર્ણ કરી દેવામાં આવે છે ઘણા કામો રૂપિયાના જોરે થાય છે. મહુધા વિધાનસભા વિસ્તારમાં રોડના કામો મંજૂર થયા છે વર્ક ઓર્ડર પડ્યા છે, છતાં પણ કામ શરૂ કરવામાં આવતા નથી? તેનો સંતોષકારક જવાબ આજ દિન સુધી મળ્યો ન હોવાનો આક્ષેપ કર્યો હતો. – ઇન્દ્રજીત પરમાર, ધારાસભ્ય, કોંગ્રેસ-મહુધા