આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના વાંટાવચ્છ ગામમાં આજે તા. 31 ઓક્ટોબરે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરાયું હતું, જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગંવત માન ઉપસ્થિત રહ્યાં હતાં.
આ મહા પંચાયતમાં રાજ્યના ખેડૂતોના વિવિધ પ્રશ્ને ચર્ચા થઈ હતી. કડદા પ્રથા તથા ખેડૂતો પર થતા અત્યાચારના મુદ્દા ઉખેળ્યા હતા. કેજરીવાલ અને ભગવંત માને ખેડૂતોના મામલે રાજ્ય સરકાર સામે અનેક સવાલો ઉભા કર્યા હતા. આ સાથે જ કેજરીવાલે રાજ્ય સરકાર પર અનેક પ્રહારો પણ કર્યા હતા.
કેજરીવાલે ખેડૂતોને સંબોધતા કહ્યું કે, બોટાદમાં હર્ષ સંઘવીના ઈશારે પોલીસે ખેડૂતોને માર માર્યો હતો.
ખેડૂતોની મહાપંચાયતમાં અરવિંદ કેજરીવાલે ગુજરાત સરકારના મંત્રી મંડળના વિસ્તરણ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. ભાજપે પટેલ સમાજના ભૂપેન્દ્ર પટેલને ડમી CM બનાવી દીધા છે જ્યારે સંઘવીને સુપર CM બનાવ્યા છે. સરકારમાં પટેલ સમાજના ભૂપેન્દ્ર પટેલનું કશું ચાલતું નથી. હર્ષ સંઘવી સરકાર ચલાવે છે. ભાજપે પટેલો સાથે દગો કર્યો છે.
ગુજરાતની સરકારમાં હર્ષ સંઘવી રાજા થઈને ફરે છે. હર્ષ સંઘવીએ ખેડૂતોને જેલમાં મોકલ્યા તેના ઈનામરૂપે ભાજપે તેમને ડેપ્યુટી સીએમ બનાવી દીધા. હું ભાજપને ચેલેન્જ કરું છું કે 35 વર્ષ પહેલાં કોંગ્રેસે ખેડૂતોને ગોળીઓ મારી હતી અને કોંગ્રેસ ગાયબ થઈ ગઈ. તમે પણ ગાયબ થઈ જશો. જે ખેડૂતોએ ભાજપને જીતાડી તે જ ખેડૂતોને ભાજપે દિવાળી બગાડી. તમે પોલીસ હટાવી લો પછી જુઓ ખેડૂતો તમને દોડાવી દોડાવીને મારશે.
ભગવંત માને કહ્યું, ભાજપનું પતન નક્કી
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ ભાજપ પર તીખા પ્રહાર કર્યા હતા. માને કહ્યું કે, અહંકાર આવે ત્યારે તેનું પતન થાય છે. ગુજરાતમાં ભાજપનું પતન તૈયારીમાં છે. કારણ કે સરકારનો ખેડૂતો પર અત્યાચાર વધ્યો છે. અમે રાજકોટથી રોડ માર્ગે આવ્યા તો જોયું કે અહીં રસ્તામાં ખાડા નહીં પરંતુ ખાડામાં રસ્તા છે. જે સરકાર રસ્તો સરખો બનાવી ન શકે તે ખેડૂતોનું શું ભલું કરશે..?
ગોપાલ ઈટાલિયાએ કહ્યું…
ગોપાલ ઈટાલિયાએ સભા સંબોધતા કહ્યું કે, વિસાવદરમાં હું જીત્યો ત્યારથી ભાજપની સરકારને ઝાડા થઈ ગયા છે. મંત્રીમંડળ બદલ્યા કરે છે. તમે મંત્રી મંડળ બદલો પરંતુ 2027ની ચૂંટણીમાં ખેડૂતો તમારી સરકાર જ બદલી નાંખશે.
વિસાવદરમાં આપની જીતથી ભાજપને ઝાડા થયા
કેજરીવાલે વધુમાં કહ્યું કે, વિસાવદર બેઠક પર આપના ગોપાલ ઈટાલિયા જીત્યા તો ભાજપને ઝાડા થઈ ગયા છે.