Comments

હરિયાણામાં ભાજપને ભીંસ પાડે છે ભાજપના નેતાઓ

હરિયાણામાં તા. ૫ ઓક્ટોબરે મતદાન છે પણ એ પહેલાં જે બની રહ્યું છે એ ભાજપને ભારે પડી શકે એમ છે. કારણ કે, પૂર્વ મુખ્યમંત્રી મનોહર ખટ્ટર અને હિમાચલની એમ.પી. કંગના રાણાવત જે રીતે નિવેદનો કરી રહ્યાં છે એ તો ભાજપને સીધેસીધું નુકસાન કરી રહ્યાં છે. એને પાછું વાળવા ભાજપ કોશિશ કરે છે પણ એનાથી કેટલું નુકસાન રીપેર થશે એ કહેવું મુશ્કેલ છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર દ્વારા જે નિવેદન થયું છે એનો વિવાદ થાય એ સ્વાભાવિક છે. એમણે એક નિવેદનમાં એમ કહ્યું કે, શમ્ભુ બોર્ડ પર જે કિસાનો બેઠા છે એ કિસાનો નથી પણ મુખવટા પહેરેલાં બીજાં લોકો છે. શંભુ બોર્ડરે ઘણા સમયથી ખેડૂતો અડ્ડો જમાવી બેઠા છે. પણ એમને આગળ વધવાની મંજૂરી મળતી નથી.

આ બોર્ડરે ખટ્ટર મુખ્યમંત્રી હતા ત્યારે કિસાનો પર લાઠીચાર્જ સહિતનાં આકરાં પગલાં લેવાયાં હતાં. આ નિવેદન ભાજપને નડી શકે છે. એટલું જ નહિ પણ હરિયાણાના સિરસામાં એક સભામાં ખટ્ટર બોલતા હતા કે આ બેઠક મહત્ત્વની છે અને એ સત્તા અપાવે છે. ત્યારે એક યુવાન બોલે છે , ભાજપને સત્તા તો આવશે પણ સિરસામાં હારવાના છીએ અને આવા નિવેદન બાદ યુવાન મંચ તરફ જાય છે અને ખટ્ટર ગુસ્સે થાય છે અને કહે છે કે, આની હિંમત કઈ રીતે થઇ , આને બહાર કાઢો …અને પોલીસ અને કાર્યકર્તા યુવાનને બહાર લઇ જાય છે. આ વિડિયો પણ વાયરલ થયો છે. બીજું કે, ખટ્ટર જૂથના કેટલાક નેતાઓ ટિકિટ ના મળતાં નારાજ છે અને કેટલાક પક્ષ પણ છોડી ગયા છે.

ખટ્ટર કરતાં પણ હિમાચલની ભાજપની એમ.પી. અને અભિનેત્રી કંગના રાણાવતનાં નિવેદનોએ તો ભાજપની ઊંઘ ઉડાડી દીધી છે. એના તાજેતરનાં બે નિવેદનોએ હરિયાણામાં ભાજપ માટે મુશ્કેલી સર્જી છે. પહેલાં કંગનાએ એમ કહ્યું કે, કિસાન આંદોલન વેળા યુવતીઓની હત્યા અને રેપ થયાં હતાં. આ નિવેદનનો વિવાદ થયો અને હવે એણે કહ્યું કે, કૃષિના ત્રણ કાયદા જે પાછા લેવાયા હતા એ ફરી લાગુ કરવા જોઈએ. આ મુદે્ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અને અન્ય પક્ષોએ આ નિવેદનને આડે હાથ લીધા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપની નીતિ કંગના નક્કી કરે છે કે ભાજપ?

ભાજપના બે પ્રવક્તા જયવીર શેરગીલ અને ગૌરવ ભાટિયાએ સ્પષ્ટ કહ્યું છે કે, આ ભાજપનો મત નથી. કંગનાનું ખુદનું માનવું છે. આવા નિવેદનથી વડા પ્રધાન મોદીએ જે કામ કર્યું છે એના પર પાણી ફરી શકે છે. અગાઉ કંગનાને કહેવાયું હતું કે, એ એલફેલ ના બોલે. પણ કંગના એના બેબાક નિવેદન માટે જાણીતી છે. મજાની વાત એ છે કે, ભાજપના પ્રમુખ કે પછી શીર્ષ નેતાઓ દ્વારા આ નિવેદનો મુદે્ કોઈ ટિપ્પણી થઇ નથી. સાધ્વી પ્રજ્ઞાનાં ગાંધીજી અંગેના નિવેદનથી વડા પ્રધાન મોદી બહુ દુ:ખી થયા હતા અને એવું ય કહેલું કે , હું સાધ્વીજીને માફ નહિ કરી શકું. પણ કંગના મુદે્ મોદીજી મૌન છે.

અજીત પવારનાં અધૂરાં સપનાં
મહારાષ્ટ્રની ચૂંટણી તો જાહેર થઇ નથી પણ ત્યાં રાજકારણમાં જે ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે એ દર્શાવે છે કે, આ વેળા ચૂંટણીનાં પરિણામો આશ્ચર્યજનક આવી શકે છે. બંને બાજુ સમસ્યાઓ એક નહિ અનેક છે. ભાજપ – શિંદે અને પવાર વચ્ચે કોઈ મનમેળ નથી. તો એમવીએમાં પણ ઓછી સમસ્યા નહિ. પણ અજીત પવાર સતત ચર્ચામાં રહે છે.

અજીત પવાર પાછા સ્વગૃહે ફરશે એ અંગે વારે વારે અફવાઓ સાંભળવા મળે છે પણ શરદ પવાર આ મુદે્ એકદમ સ્પષ્ટ છે. અને એનસીપીનું મૂળ ચિહ્ન પણ પાછું મળે એ માટે લડી રહ્યા છે. અજીત પવારના જૂથમાં ગાબડું પણ પડી શકે છે એવી વાતો પણ સતત પડઘાય છે અને હવે અજીત પવારે જે વાત કરી છે એ દર્શાવે છે એમના મનમાં ભાજપ સાથે ગયા પછી ય ખટકો તો છે જ.

અજીત પવાર અત્યારે ઉપમુખ્યમંત્રી જરૂર છે પણ એમણે એક કોન્કલેવમાં સ્પષ્ટ કહ્યું કે, મારે તો મુખ્યમંત્રી બનવું છે પણ હું વારે વારે ઉપમુખ્યમંત્રી સુધી આવી અટકી જાઉં છું. આ વાત સ્પષ્ટ કરે છે કે, એમના મનમાં રંજ છે. એકનાથ શિંદે સાથે એમને ઊભે બનતું નથી અને બેઠકોની ફાળવણીના મુદે્ ભાજપ , શિંદે અને પવાર વચ્ચે ગાંઠ પડી છે અને એ મડાગાંઠ બનતી જાય છે. એ ગાંઠ ઉકેલાશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. પણ આ બધામાં ભાજપને નુકસાન થઇ રહ્યું છે. ભાજપ હવે ના તો શિંદેને કે ના તો અજીતને છોડી શકે એમ છે. બંને એમના ગળાનાં હાડકાં બની ગયા છે.

મમતા નરમ પડ્યાં પણ …

પશ્ચિમ બંગાળમાં જુનિયર ડોકટર પર બળાત્કાર અને હત્યાનું પ્રકરણ હજુ ય ગાજી રહ્યું છે. આક્રમક મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ ડોકટરોનાં આંદોલન સામે ઢીલાં પડ્યાં , નરમાઈ દાખવી અને એમની શરતો સ્વીકારી. એ પછી ડોકટરો કામે પાછા ચઢ્યા છે અને તા. ૨૭ના આ ડોકટરોનું જૂથ આગળનું વ્યૂહ નક્કી કરવા મળવાનાં હતાં. આ કાર્યક્રમ માટે સરકારે મંજૂરી આપી હતી પણ ડોકટરોનો આક્ષેપ છે કે, એમને મળેલી મંજૂરી પછી ખેંચી લેવામાં આવી છે અને આંદોલનને ટેકો આપનારા સામે ખોટા કેસ થઇ રહ્યા છે. ડોકટરોને દાઢમાં રાખી પગલાં લેવાઈ રહ્યાં છે. બીજી બાજુ , એવો ય આક્ષેપ કરાયો છે કે, રેપ – મર્ડર કેસમાં તપાસ આગળ વધતી નથી. સાવ ધીમા પગલે તપાસ ચાલે છે. આ કેસની તપાસ સીબીઆઇ દ્વારા થઇ રહી છે અને છતાં એમાં ઝડપ આવી નથી. સ્થાનિક પોલીસ અને તંત્ર પૂરતો સહયોગ નથી આપતા એવી ફરિયાદ પણ છે. મમતા માટે આ કેસ મુશ્કેલી સર્જતો આવ્યો છે અને તપાસ પૂરી નહિ થાય ત્યાં સુધી મુશ્કેલી સર્જતો રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top