અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણ માટે ભાજપે અને સંઘ પરિવારે લાંબી ઝુંબેશ ચલાવી હતી તેની જાણ આપણને બધાને છે પણ ભાજપના નેતાઓ અને કેટલાક સરકારી અધિકારીઓને આ ઝુંબેશને કારણે કેટલો લાભ થયો છે, તે વાત આપણે જાણતાં નહોતાં. તાજેતરમાં અયોધ્યા અને તેની આજુબાજુના વિસ્તારોમાં જમીન ખરીદીની જે વિગતો બહાર આવી છે, તેના પરથી ખ્યાલ આવે છે કે અયોધ્યામાં ચિક્કાર જમીનો પાણીના ભાવે ખરીદીને આ નેતાઓ અને અમલદારો દ્વારા ધૂમ કમાણી કરી લેવામાં આવી હતી. ભાજપના જે નેતાઓ દ્વારા કમાણી કરવામાં આવી તેમાં અરુણાચલ પ્રદેશના નાયબ મુખ્ય મંત્રી ચૌના મેથી માંડીને મહારાષ્ટ્રના કેબિનેટ મિનિસ્ટર મંગલ પ્રભાત લોઢાના પરિવારનો સમાવેશ થાય છે.
રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અયોધ્યામાં જમીનની ખરીદ-વેચાણમાં ઝડપથી ઉછાળો આવ્યો છે. અયોધ્યામાં જમીન ખરીદવામાં નેતાઓથી લઈને અધિકારીઓ પણ પાછળ નથી. સુપ્રીમ કોર્ટે ૨૦૧૯માં રામ મંદિર માટેનો રસ્તો સાફ કર્યા બાદ અયોધ્યાની ભૂમિ સોનાનાં ઈંડાં આપતી મરઘી જેવી બની ગઈ હતી. એક રિપોર્ટ અનુસાર, ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અહીં જમીનના વેચાણમાં ભારે વધારો જોવા મળ્યો હતો. અયોધ્યામાં જમીન ખરીદનારાઓમાં મોટા નેતાઓ અને અધિકારીઓ પણ સામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે લોઢા ગ્રુપ બાદ અદાણી ગ્રુપે પણ સદર તહસીલના જામથરા પાસે ૨૫ ગામોમાં જમીન ખરીદી છે.
જમીનની વધતી કિંમત વચ્ચે અયોધ્યામાં જંત્રીનો દર વધારવાની માંગ થવા લાગી છે. અયોધ્યાના ગ્રામીણ વિસ્તારના રહેવાસી દુર્ગા યાદવે ૨૦૨૧માં અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચનો સંપર્ક કર્યો હતો. જમીન સંપાદન વળતર જંત્રીના દર પર આધારિત છે. ઉત્તર પ્રદેશમાં સરકાર શહેરી વિસ્તારોમાં જંત્રીના દર કરતાં બમણો અને ગ્રામીણ વિસ્તારોમાં ચાર ગણો દર આપે છે. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં લેખિત જવાબ આપ્યો હતો કે વાર્ષિક દરોની સમીક્ષા કરવામાં આવી હતી પરંતુ બજાર કિંમત ૨૦૧૭ની જેમ જ હતી, તેથી તેમાં કોઈ ફેરફાર થયો નથી. અરુણાચલના નાયબ મુખ્યમંત્રીના પુત્ર ચૌ કાન સેંગ મેઈન અને આદિત્ય મેને સપ્ટેમ્બર ૨૦૨૨ અને સપ્ટેમ્બર ૨૦૨૩ વચ્ચે અયોધ્યા અને ગોંડાને અલગ કરતી સરયૂ નદીની પેલે મહેશપુરમાં શ્રી રામ મંદિરથી ૮ કિ.મી. દૂર ૩.૯૯ હેક્ટર જમીન ૩.૭૨ કરોડ રૂપિયામાં ખરીદી છે. તેમાંથી ૨૫ એપ્રિલ ૨૦૨૩ના રોજ તેમણે ૦.૭૬૮ હેક્ટર જમીન રૂ. ૯૮ લાખમાં વેચી હતી.
ભાજપના ભૂતપૂર્વ વિવાદાસ્પદ સાંસદ બ્રિજભૂષણ સિંહના પુત્ર કરણ ભૂષણનું નામ પણ આ યાદીમાં છે. તેઓ નંદિની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના માલિક છે. તેમણે જાન્યુઆરી ૨૦૨૩માં રામ મંદિરથી ૮ કિ.મી. દૂર મહેશપુર (ગોંડા)માં ૦.૯૭ હેક્ટર જમીન રૂ. ૧.૧૫ કરોડમાં ખરીદી હતી, જેમાંથી તેમણે ૬૩૫.૭૨ મીટર જમીન ૨૦૨૩ના જુલાઈમાં રૂ. ૬૦.૯૬ લાખમાં વેચી હતી. હકીકતમાં કરણ ભૂષણ જૂન ૨૦૨૪માં કૈસરગંજથી ભાજપના સાંસદ તરીકે ચૂંટાયા છે. જૂન ૨૦૨૩ અને માર્ચ ૨૦૨૪ ની વચ્ચે, મુંબઈના રિયલ એસ્ટેટ જાયન્ટ HOABL એ મંદિરથી લગભગ ૧૨ કિ.મી. દૂર સરયુના કિનારે તિહુરા માઝા ખાતે ૧૭.૭૩ હેક્ટર કૃષિ જમીન ખરીદી અને ૧૨,૬૯૩ ચોરસ મીટરની રહેણાંક જમીન ખરીદી છે.
જ્યાં માર્ગને ચાર-માર્ગીય રસ્તામાં અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે. તેમાં વેચાણ કરારમાં સૂચિબદ્ધ ૨૧૭ ચોરસ મીટરનો સમાવેશ થાય છે. કુલ ખરીદી રૂ. ૭૪.૧૫ કરોડની છે. બાદમાં કંપનીએ તે જ ગામમાં ૭.૫૪ હેક્ટર વધુ જમીન અંદાજે રૂ. ૩૧.૨૪ કરોડમાં ખરીદી હતી. HOABL કંપની મહારાષ્ટ્રના મંત્રી મંગલ પ્રભાત લોઢાના પુત્ર અને સ્વર્ગસ્થ ગુમાનમલ લોઢાના પૌત્ર અભિનંદન મંગલ પ્રભાત લોઢાની માલિકીની છે. ગુમાનમલ લોઢા ગૌહાટી હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને ભાજપના સાંસદ હતા, જેઓ ૧૯૮૦ના દાયકાના અંતમાં રામ મંદિર આંદોલનમાં મોખરે હતા.
હરિયાણા યોગ આયોગના અધ્યક્ષ જયદીપ આર્યે ૧૨ જુલાઈ, ૨૦૨૩ના રોજ અન્ય ચાર સાથે મળીને મંદિરથી ૬ કિ.મી. દૂર માઝા જામથારા (અયોધ્યા)માં ૩૨ લાખ રૂપિયામાં ૩.૦૩૫ હેક્ટર જમીન ખરીદી હતી. જયદીપ આર્ય બાબા રામદેવના ભૂતપૂર્વ સહાયક છે અને હરિયાણા સરકાર દ્વારા યોગ પંચની સ્થાપના કરવામાં આવી હતી. અન્ય ચાર ખરીદદારોમાંથી એક રાકેશ મિત્તલ છે, જે રામદેવના ભારત સ્વાભિમાન ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે. યુપીના ભાજપી ધારાસભ્ય અજય સિંહના ભાઈ કૃષ્ણ કુમાર સિંહ અને ભત્રીજા સિદ્ધાર્થે મંદિરથી ૮ કિ.મી. દૂર મહેશપુર (ગોંડા)માં ૦.૪૫૫ હેક્ટરની ખેતીની જમીન ૪૭ લાખ રૂપિયામાં ખરીદી હતી. આ જમીન પાર્ક વ્યૂ ફ્લેટ્સ પ્રાઈવેટ લિમિટેડના નામે ખરીદવામાં આવી હતી, જેમાં સિદ્ધાર્થ ડિરેક્ટર છે.
ઉત્તર પ્રદેશ પોલીસ એસટીએફના વડા એડિશનલ ડીજીપી અમિતાભ યશની માતા ગીતા સિંહે ફેબ્રુઆરી ૨૦૨૨ થી ફેબ્રુઆરી ૨૦૨૪ વચ્ચે મહેશપુર અને દુર્ગાગંજ (ગોંડા) અને મૌ યદુવંશપુર (અયોધ્યા)માં મંદિરથી ૮ કિલોમીટર દૂર ૯.૯૫૫ હેક્ટર જમીન ૪.૦૪ કરોડ રૂપિયામાં ખરીદી છે. તેમાંથી તેમણે ૧૬ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ મહેશપુરમાં ૦.૫૦૫ હેક્ટર જમીન ૨૦ લાખ રૂપિયામાં વેચી હતી. આ સાથે યુપીના ગૃહ વિભાગના સચિવ સંજીવ ગુપ્તાની પત્ની ડૉ. ચેતના ગુપ્તાએ ૫ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ રામ મંદિરથી ૧૪ કિલોમીટર દૂર બનેવીરપુરમાં ૨૫૩ ચોરસ મીટર રહેણાંક જમીન રૂ. ૩૫.૯૨ લાખમાં ખરીદી હતી. સંજીવ ગુપ્તાએ જણાવ્યું કે હવે તેણે આ જમીન વેચી દીધી છે. યુપી શિક્ષણ વિભાગના સંયુક્ત નિયામક અરવિંદકુમાર પાંડે અને તેમની પત્ની મમતાએ જૂન અને ઓગસ્ટ ૨૦૨૩ વચ્ચે મંદિરથી ૭ કિ.મી. દૂર શાહનવાઝ પુર માઝામાં ૧,૦૫૧ ચોરસ મીટર રહેણાંક જમીન લાખ રૂપિયામાં ખરીદી હતી. પાંડે ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા છે અને સસ્પેન્શન હેઠળ છે. તેમની પત્ની મમતા બસ્તીમાં બીજેપી નેતા છે અને અયોધ્યામાં હોટેલ ધ રામાયણનાં મેનેજિંગ ડિરેક્ટર છે.
પ્રિન્સિપલ ચીફ પર્સનલ ઓફિસર (ઉત્તર મધ્ય રેલવે) અનુરાગ ત્રિપાઠી ૨૦૧૭ થી ૨૦૨૩ સુધી CBSE ના સચિવ હતા. તેમના પિતા મદનમોહન ત્રિપાઠીએ રામ મંદિરથી ૧૫ કિ.મી. દૂર કોટસરાઈમાં ૧.૫૭ હેક્ટર ખેતીની જમીન અને ૬૪૦ ચોરસ મીટર રહેણાંક જમીન રૂ. ૨.૩૩ કરોડમાં ખરીદી હતી. ૧૫ માર્ચ, ૨૦૨૩ના રોજ મદનમોહન ત્રિપાઠીએ વિદ્યા ગુરુકુલમ એજ્યુકેશનલ ટ્રસ્ટને ૧.૨૩ હેક્ટર જમીન વેચાણ કરવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં તેઓ સેક્રેટરી છે, જેની કિંમત રૂ. ૩.૯૮ કરોડ છે. મદનમોહન ત્રિપાઠીએ કહ્યું કે હું એક શાળા ખોલવા જઈ રહ્યો છું. તેમણે ૦.૩૪૩ હેક્ટર જમીન અલગથી બીજી સંસ્થાને વેચી દીધી છે.
અયોધ્યામાં જમીનો ખરીદનારા ઉદ્યોગપતિઓમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નજીક મનાતા અદાણી ગ્રુપ (અમદાવાદ) નો પણ સમાવેશ થાય છે. ગયા વર્ષે ૧૮ સપ્ટેમ્બરે, અદાણી જૂથની કંપનીએ હોમક્વેસ્ટ ઇન્ફ્રાસ્પેસ નામની પેટાકંપનીનો સમાવેશ કર્યો, જેણે નવેમ્બર અને ડિસેમ્બર વચ્ચે મંદિર સંકુલથી લગભગ ૬ કિ.મી. દૂર માઝા જામથરામાં ૧.૪ હેક્ટરથી વધુ કૃષિ જમીન હસ્તગત કરી હતી, જેની કુલ ખરીદ કિંમત રૂ. ૩.૫૫ કરોડ છે. આ બાબતમાં ટિપ્પણી કરતાં અદાણી જૂથના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે જમીનખરીદીનો વ્યવહાર તમામ કાયદા અને નિયમો અનુસાર કરવામાં આવ્યો હતો. કંપનીએ ભવિષ્યના વિકાસ માટે ખાનગી માલિકો પાસેથી જમીન હસ્તગત કરી છે. તેમાં દેશના કોઈ પણ કાયદાનો ભંગ કરવામાં આવ્યો નથી.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે