National

ભાજપના રાજમાં ભાજપના નેતાઓનું જ નથી ચાલતું ?

કોરોનાના કારણે હાલ સ્થિતિ ઘણી વિકટ છે. સરકાર સ્વીકારે કે ન સ્વીકારે પણ સરકાર સાથે સંકળાયેલાં લોકો, સરકાર લાવવા માટે કામ કરતાં લોકો તો એ સ્વીકારી જ રહ્યાં છે કે સ્થિતિ ખરાબ છે અને લોકો ભારે ગુસ્સામાં છે. ભાજપના એક સીનિયર આગેવાનનું માનીએ તો હવે સ્થિતિ એવી છે કે ભાજપના મોટા નેતાઓ અને ધારાસભ્યોનું પણ કોઈ હોસ્પિટલ માં ચાલતું નથી. એમનો ફોન કે એ પોતે ઊભા રહે તો પણ હોસ્પિટલમાં ઓક્સિજન, બેડ કે કે રેમડેસિવિર ઇન્જેક્શન અપાવી શકતાં નથી.

પરિણામ એવું આવ્યું છે કે કેટલાક ભાજપના નેતાઓએ પોતાના ફોન બંધ કરી નવા ફોન નંબર વાપરવાના શરૂ કર્યા છે તો કેટલાકે તો એમનો ફોન કોઈ એવી વ્યક્તિને આપી દીધો છે કે જે જવાબ આપ્યા કરે છે કે સાહેબ હોસ્પિટલમાં મીટિંગ માં વ્યસ્ત છે, પછી ગમે ત્યારે તમે ફોન કરો જવાબ એક સરખો જ મળે છે. ભાજપના એક બીજા નેતા જાહેરમાં વ્યથા ઠાલવતા હતા કે માની લઈએ કે હોસ્પિટલમાં બેડ ના મળે તો પછી જેમના એચ.આર.સી.ટી. સ્કોર ઊંચા હોય તેવા ગંભીર હોમ આઇસોલેશનના દર્દીઓને કલેકટર, કમિશનરને ફોન કરીને પણ રેમડેસિવિર ઇન્જેક્શન ના અપાવી શકીએ તો નેતાનો આ હોદ્દો શું કામનો ? પછી લોકો મત આપશે કઈ રીતે અને અમે માંગીશું કઈ રીતે ? ભાજપના એક ત્રીજા નેતા એવી વ્યથા વ્યક્ત કરતા જોવા મળ્યા કે ભાજપના મોટા નેતાઓ અને કહેવાતા પ્રભારીઓ હોસ્પિટલમાં આવી કે કોવિડ કેર સેન્ટરમાં આવી ફોટો પડાવી ઉપલા લેવલે રિપોર્ટ કરી સબ સલામતનાં ગાણાં ગાય છે. એક વખત હોસ્પિટલની બહાર ઊભેલા પરિજનો સાથે સમય ગાળે તો આવા નેતાઓને ખબર પડે કે સ્થિતિ શું છે? ચર્ચા છે કે હવે સ્થિતિ એવી આવીને ઉભી રહી છે કે ન સરકારમાં કોઈ સાંભળે છે કે ન તો અધિકારીઓ જવાબ આપે છે. નેતાઓની મૂંઝવણ એ છે કે જો મુશ્કેલીમાં આ લોકો સાથે ન ઊભા રહ્યા તો પછી મત માંગતી વખતે લોકો મોટી મોટી સંભળાવશે….!
સેલ્ફી પછી લેજો કામ કરવા દો..!

કોરોનામાં એક બાજુ જ્યાં પરિવારજનો પોતાનાં લોકોને બચાવવા માટે વલખાં મારી રહયાં છે ત્યારે કેટલાક નેતાઓ અને કેટલાક કહેવાતા સમાજસેવી લોકોને પોતે ખૂબ સેવા કરી રહ્યા છે, લોકોના જીવ બચાવી રહ્યા છે એવો દેખાવ કરે છે. આવી જ એક સરકારી હોસ્પિટલમાં રોજ આવતા નેતાઓ અને કહેવાતા સમાજસેવીઓથી એક ડૉક્ટર કંટાળી ગયા. થયું એવું કે ડૉક્ટર કોવિડ દર્દીઓને જોવા આવે કે ચેક કરવા આવે ત્યારે કોઈ ને કોઈ આ દર્દીઓ સાથે ફોટો પડાવતા હોય કે કામ વગરની વસ્તુ આપતા હોય, ડૉકટરો બિચારા રાહ જુએ, આવેલા નેતાઓ કે સમાજસેવીઓનું ફોટો સેશન પતિ જાય પછી ડૉકટરો કોવિડ દર્દી પાસે જઈ શકે. ચર્ચાનું માનીએ તો કેટલાંક લોકો લીબુંપાણી આપીને તો કેટલાક બે ચાર ફળફળાદિ આપીને ફોટો પડાવીને સોશ્યલ મીડિયા પર સ્ટાર બનવાની કોશિશ કરી રહ્યા છે. કેટલાક તો એવું પણ કરે છે કે ફોટો પડાવવા માટે પેરામેડિકલ સ્ટાફને હડધૂત કરે છે,. કેટલીક વાર ડૉક્ટરને એવો અનુરોધ પણ કરે છે કે સાહેબ થોડાક દૂર રહો ને ફોટો પડાવવો છે.રોજ રોજ બનતી આવી ઘટનાઓથી એક હોસ્પિટલના ઇન્ચાર્જ એટલા અકળાયા કે એમણે ફોટો સેશન માટે આવેલા કેટલાક નેતાઓને મોઢે જ કહી દીધું કે શું તમે આરોગ્યમંત્રી છો? શું તમે મુખ્ય મંત્રી છો ? અને જો નથી તો પછી બહાર જતા રહો. અમને અમારું કામ કરવા દો…હવે તમે વિચારી લો કે આ તો એક હોસ્પિટલની સ્થિતિ છે આવું તો રોજ કેટલીય હોસ્પિટલમાં થતું હશે. ડૉકટરો બિચારા કહી નહી શકતા હોય કે એમને શું સમસ્યા છે કે ડરના માર્યા રોકી નહિ શકતા હોય. કહેવાતા આ નેતાઓને આવા ફોટોબાજીના ચક્કરમાં કેટલાય ના જીવ પણ જતા રહ્યા હશે શું ખબર ?

પહેલાં ઇન્જેક્શન ન હતાં, ખખડાવ્યા પછી કેવી રીતે આવ્યાં?
અમદાવાદમાં ઘણા સમયથી એક ચર્ચા ચાલતી હતી કે કોરોનામાં જરૂરી ઇન્જેક્શન અને ઓક્સિજન બેડ અમદાવાદના કેટલાક ઉચ્ચ અધિકારીઓને જ મળે છે. એમને ક્યારેય કોઈ તકલીફ પડી નથી પણ આ ઘટનામાં ટવીસ્ટ ત્યારે આવ્યો કે અમદાવાદના એક ભાજપના મોટા નેતાના સગાંને ઇન્જેક્શન જોઈતાં હતાં એમણે કોર્પોરેશનના અધિકારીને ફોન કર્યો તો પહેલા જ પેલા અધિકારીએ ના પાડી કે સાહેબ અત્યારે તો બહુ શોર્ટેજ છે. મળે એવું નથી અને જે બીજા બધાને જવાબ આપતા હતા એ જ જવાબ આપ્યા. બસ પછી તો પૂછવું જ શું ? પેલા ભાજપના નેતાનો પિત્તો ગયો અને ફોન મૂકીને એમણે કોર્પોરેશનના અધિકારીઓને સુરતી સંભળાવવાની શરૂ કરીને એક પછી એક અધિકારીઓના પરસેવા છૂટવાના શરૂ થયા. બસ પછી તો પૂછવું જ શું હતું. નેતાએ જેવો ફોન મૂક્યો કે તરત જ એમને જોઈતાં હતાં એમના કરતાં બમણાં ઇન્જેક્શન એમને મળી ગયાં. નેતાએ એમને જોઈતાં હતાં એટલાં જ લીધાં એ એમની પ્રામાણિકતા હતી. આ ઘટના પછી પેલા ના પાડનાર અધિકારી અને ઇન્જેક્શન વિશે ચર્ચાઓ થવા લાગી કે જો ઇન્જેક્શન હતાં જ નહિ તો ધમકાવ્યા પછી આવ્યાં કઈ રીતે ?

કઈ રીતે નેતાને થોડીક ક્ષણોમાં મળી ગયા? ચર્ચા તો ત્યાં સુધીની છે કે જે અધિકારીએ નેતાને ના પાડી એ જ અધિકારી પોતાનાં સગાંસંબંધીઓને એમ જ ઇન્જેક્શન અને બેડની વ્યવસ્થા કરાવી આપતાં હતાં પણ બીજું કોઈ કહે એટલે તરત જ ના પડતા હતા. નેતાના ખખડાવ્યા પછી પેલા અધિકારી તો મોઢું સંતાડતા ફરે છે, કોઈનો હાલ ફોન જ નથી ઉપાડતા.આખી ઘટનાથી એક વાત તો સ્પષ્ટ છે કે આ સમયમાં જીવવા માટે ઓળખાણ જરૂરી છે…!

Most Popular

To Top