જમ્મુ-કાશ્મીરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુરેઝના ભાજપના નેતા અને ભૂતપૂર્વ અપક્ષ ધારાસભ્ય ફકીર મોહમ્મદ ખાને ગુરુવારે આત્મહત્યા કરી લીધી. તેમણે પોતાના ઘરમાં પોતાને ગોળી મારી દીધી. માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને મૃતદેહને કબજે લીધો. ભાજપના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે ખાનનું મૃત્યુ આત્મહત્યાથી થયું છે. તેમણે આ પગલું શા માટે ભર્યું તેનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
તમને જણાવી દઈએ કે ફકીર મોહમ્મદની ગણતરી જમ્મુ અને કાશ્મીર ભાજપના વરિષ્ઠ નેતાઓમાં થતી હતી. શ્રીનગરના ઉચ્ચ સુરક્ષા વિસ્તાર તુલસીબાગમાં તેમને ફાળવવામાં આવેલા સરકારી બંગલામાં તેમણે પોતાને ગોળી મારી લીધી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ક્વાર્ટર નંબર 9A માં પોતાના એક પીએસઓની સર્વિસ રાઇફલથી કથિત રીતે ગોળી મારીને તે લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યા હતા.
તેમણે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી
ગયા વર્ષે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભાજપની ટિકિટ પર ગુરેઝ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. આ બેઠક અનામત છે. આ બેઠક પર નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર નઝીર અહેમદ ખાન જીત્યા હતા. જ્યારે ફકીર મોહમ્મદ ખાન બીજા સ્થાને રહ્યા. આ બેઠક પરથી નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર નઝીર અહેમદ ખાનને 8378 મત મળ્યા જ્યારે મોહમ્મદ ખાનને 7246 મત મળ્યા હતા.
