Comments

મહારાષ્ટ્રમાં બીજેપીને કયારેય બહુમતી મળી નથી

શિવસેના પ્રમુખ બાળ ઠાકરે પુત્રપ્રેમ અને ન્યાયની વચ્ચે અટવાઈ ગયા હતા અને તેમણે ભત્રીજા રાજ ઠાકરેને અન્યાય કર્યો હતો. એમાં કોઈ શંકા નથી કે રાજ ઠાકરે બાળ ઠાકરેના દેખીતા રાજકીય વારસદાર માનવામાં આવતા હતા. તેઓ તરુણાવસ્થાથી બાળ ઠાકરેની સાથે હતા. બાળ ઠાકરેના ‘માર્મિક’નામના સામયિકમાં તેમને મદદ કરતા હતા. શરૂઆતનાં વર્ષોમાં શિવસેનાની શાખાઓનું પ્રબંધન કરતા હતા. સારા વક્તા તો છે જ અને ઠાકરેબંધુઓમાં સૌથી વધુ પરસેવો રાજ ઠાકરે પાડતા હતા અને તે છતાંય બાળ ઠાકરેએ પુત્રમોહથી ગ્રસ્ત બનીને રાજ ઠાકરેને અન્યાય કર્યો હતો અને તેમની જગ્યાએ ઉદ્ધવ ઠાકરેને આગળ કર્યા હતા.

શરદ પવાર અને અજિત પવારનો કિસ્સો બીજા છેડાનો છે. અજિત પવારમાં કોઈ પ્રકારની આવડત નથી, તે અસંસ્કારી માણસ છે, બોલવાનું ભાન નથી, બફાટ કરીને પોતાને જ હાસ્યાસ્પદ બનાવે છે, સત્તાભૂખ્યા માણસ છે અને ઉપરથી અવ્વલ દરજ્જાના ભ્રષ્ટ માણસ છે. શરદ પવારે અજિત પવારને પોતાના અનુગામી જાહેર નહીં કરીને તેમને કોઈ અન્યાય નથી કર્યો. ઉલટું જે માણસ જાહેર જીવનને લાયક નથી એવા માણસને માત્ર ભત્રીજો છે એટલે આટલો મોટો નેતા બનાવીને શરદ પવારે મહારાષ્ટ્ર સાથે અન્યાય કર્યો છે. એનો અર્થ એવો નથી કે પવારપુત્રી સુપ્રિયા સુલે પવારનાં રાજકીય વારસદાર બનવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ સુપ્રિયા સભ્ય અને સંસ્કારી છે, જે રીતે ઉદ્ધવ ઠાકરે છે.

અજિત પવાર બળવો કરવાના જ હતા. ૨૦૧૯માં રાજ્ય વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યાં ત્યારે પણ તેમણે કાકાની વિરુદ્ધ જઈને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન તરીકે સોગંદ લીધા હતા, પણ પછી જ્યારે તેમને ખબર પડી કે કોઈ મોટી સંખ્યામાં વિધાનસભ્યો તેમની પાસે નથી એટલે તેઓ પાછા આવ્યા હતા. દેખાવ એવો કરવામાં આવ્યો હતો કે એ અજિત પવારનો બળવો નહોતો, પણ શરદ પવારનો અજિત પવાર સામેના કેસ પાછા ખેંચાવી લેવાનો માસ્ટર સ્ટ્રોક હતો.

હવે જયારે શરદ પવારે વિધિવત્ પોતાની પુત્રી સુપ્રિયા સુલેને વારસદાર જાહેર કરી દીધાં છે એટલે અજિત પવાર પાસે જવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. મહત્ત્વાકાંક્ષા, અસંસ્કાર, લાંબી ગણતરી કરવાની ક્ષમતાનો અભાવ અને ભ્રષ્ટાચાર શરદ પવારની છત્રછાયામાં ઢબૂરી દેવામાં આવતાં હતાં જે નવી સ્થિતિમાં શક્ય નહોતું. જે લોકો મહારાષ્ટ્રના રાજકારણથી પરિચિત છે અને અજિત પવારને ઓળખે છે. એ જાણે છે કે અજિત પવારનું કોઈ રાજકીય ભવિષ્ય નથી, પણ અજિત પવાર આ નથી જાણતા. એ જાડી બુદ્ધિનો માણસ છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જે બન્યું એને માટે શરદ પવારની દયા ખાવી જોઈએ ખરી? ભારતમાં લગભગ બધા જ (એકાદ બે અપવાદ છોડીને) પ્રાદેશિક રાજકીય પક્ષો પરિવારની પેઢી જેવા છે. પક્ષમાં લોકતંત્ર હોતું નથી પણ વારસદારી ચાલે છે. બીજું શરદ પવારે પણ એ જ કર્યું હતું જે અજિત પવાર કરી રહ્યા છે. ૧૯૯૯માં કોંગ્રેસ છોડતી વખતે તેમની પણ એ જ ગણતરી હતી જે અજિત પવારની છે. જો વડા પ્રધાનપદ ગાંધી પરિવારને જ મળવાનું હોય તો બહાર નીકળીને જેની તેની સાથે સોગઠાં ગોઠવીને હાથપૈર શું કામ ન મારવા! શરદ પવાર અને અજિત પવાર વચ્ચે ફરક માત્ર સંસ્કાર, આવડત અને દૂરંદેશીનો છે. જે રાજકીય સંસ્કાર શરદ પવારે અપનાવ્યા હતા એ વારસામાં ઊતર્યા છે.

અજિત પવાર સાથે જેટલા વિધાનસભ્યો ગયા છે એ તમામ સામે ઇડીના કેસ છે. વિરોધ પક્ષોને તોડવા માટે ઇડીનો દુરુપયોગ કરવામાં આવે છે. હવે બધા ભાજપ સાથે હાથ મેળવીને પવિત્ર થઈ જશે. બીજેપીના નેતાઓ જાણે છે કે કયા કયા રાજકીય પક્ષોમાં કોણે ભ્રષ્ટાચાર કર્યો છે. તેમને બે જ વિકલ્પ આપવામાં આવે છે. કાં તો પક્ષ સામે બળવો કરીને તમારા પક્ષને કમજોર કરો અથવા જેલમાં જાવ. આ બધાં અઘોષિત ઈમરજન્સીનાં લક્ષણો છે.

બીજેપીએ ગયા વર્ષે શિવસેનામાં વિભાજન કરાવીને મહારાષ્ટ્રમાં સરકાર તો રચી પણ પરેશાનીનો પાર નહોતો. શિંદે જૂથના દરેક વિધાનસભ્યને પ્રધાનપદું જોઈતું હતું. બીજું, સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ રાજ્ય વિધાનસભાના સ્પીકરે પક્ષાંતર કરનારા સેના વિધાનસભ્યોના ભાગ્યનો ફેંસલો કરવાનો છે. આદેશ આપ્યે ત્રણ મહિના થઈ ગયા છે, પણ કેટલા દિવસ ટાળી શકાય. સર્વોચ્ચ અદાલતે જે શબ્દોમાં મહારાષ્ટ્રના ગવર્નર અને સ્પીકરની ટીકા કરી છે એ જોતાં સાવ બેશરમ બનીને નિર્ણય લઈ શકાય એમ નથી. ત્રીજું, સેનાને તોડ્યા પછી મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સેના માટે સહાનુભૂતિ એટલી પ્રચંડ છે કે બળવાખોરો અંદરથી ડરેલા છે.

જો પ્રધાનપદું પણ ન મળે તો સોળના ભાવમાં લૂંટાઈ જવા જેવું થાય. બીજેપીના નેતાઓ ત્રસ્ત હતા અને તેને રાહતની જરૂર હતી. હવે કદાચ થોડી રાહત મળશે. પણ સૌથી મોટી સમસ્યા તો એ છે કે મહારાષ્ટ્રમાં બીજેપી માટે અનુકૂળતા નથી. આ એક એવું રાજ્ય છે, જ્યાં બીજેપીને કયારેય બહુમતી મળી નથી અને નરેદ્ર મોદીના હોવા છતાં પણ બીજેપી બહુમતીની નજીક સુદ્ધાં પહોંચી શકી નથી. માટે તો મુંબઇ મહાનગરપાલિકાની અને અન્ય સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી યોજવામાં આવતી નથી. વરસ પહેલાં મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં ચૂંટણી જાહેર કરવામાં આવતી નથી કારણ કે તેમને ખબર છે કે મોટું ધોવાણ થવાનું છે.

એમ તો એવું પણ કહેવાય છે કે અજિત પવારના બળવા પાછળ શરદ પવારનો હાથ છે. તેમણે જ બળવો કરવા માટે થોડા વિધાનસભ્યો આપ્યા હશે અને અજિત પવાર નામની ઘેલી કન્યાને સાસરે વળાવ્યા પછી વળાવિયા પાછા આવી જાય. કન્યા સાસરે રખડી પડે અને પિયરના દરવાજા બંધ થઈ જાય. એ પછી સુપ્રિયા સુલે સામે કોઈ પડકાર ન રહે. શરદ પવારે પોતે જ કહ્યું છે કે હું સ્થિતિ પલટાવી આપીશ. શરદ પવાર ચતુર માણસ હોવાની ખ્યાતિ ધરાવે છે અને છે પણ એટલે શરદ પવારને લઈને આવી થીયરીઓ વહેતી રહે છે. દરમ્યાન શરદ પવારના ચહેરા પર શાંતિ અને સ્વસ્થતા જોઈ? તેમણે પંચાવન વરસની લાંબી રાજકીય યાત્રામાં સ્વસ્થતા ગુમાવી હોય એવું ક્યારેય જોવા મળ્યું નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top