ગાંધીનગર : તાજેતરમાં જ પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણી (Election) દરમિયાન ભાજપનો (BJP) 156 બેઠક પર વિજય થયો છે. જો કે આજે વિધાનસભાની અંદર ભાજપની શક્તિ વધી જવા પામી છે. વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા ત્રણ અપક્ષ સભ્યએ આજે ભાજપને સમર્થન આપતો પત્ર વિધાનસભા અધ્યક્ષને સુપરત કર્યો છે. ત્રણેય અપક્ષ ધારાસભ્યએ રાજયપાલ સાથે પણ મુલાકાત કરીને તેમને પણ જાણ કરી છે.
આજે વિધાનસભા સત્ર પહેલા જ બાયડ, ધાનેરા તથા વાઘોડિયાના અપક્ષ ધારાસભ્યએ ભાજપને ટેકો જાહેર કરી દીધો હતો. જેમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત લઈને રૂબરૂમાં ભાજપને સમર્થન કરતો પત્ર સુપરત કર્યો હતો. તે પછી આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પણ ત્રણેય અપક્ષ ધારાસભ્ય મળ્યા હતા. તેઓઓ જુદા જુદા પત્રો સુપરત કરીને ભાજપને સમર્થન જાહેર કર્યુ હતું. આ રીતે ભાજપના સંખ્યાબળમાં ગૃહની અંદર વધારો થયો છે.