Gujarat

ચુંટાયેલા પ્રતિનિધિઓને બદલે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વચેટિયાઓ અને વહીવટદારોનું રાજ ચાલશે: અમીત ચાવડા

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટીના (BJP) શાસન અને નીતિરીતિના કારણે આજે ગુજરાતમાં (Gujarat) ચુંટાયેલા પ્રતિનિધિઓને બદલે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વચેટિયાઓ અને વહીવટદારોનું શાસન પ્રસ્થાપિત થવા જઈ રહ્યું છે, તેવું ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમીત ચાવડાએ જણાવ્યું હતું.

અમીત ચાવડાએ વધુમાં કહ્યું હતું કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ત્રિસ્તરીય પંચાયતી માળખું, નગરપાલિકા, મહાનગરપાલિકા આ તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી અનામત સંદર્ભે સુપ્રિમ કોર્ટ દ્વારા ૧૧ મે, ૨૦૧૦ના રોજ ચુકાદો આપવામાં આવ્યો હતો. જે તે સંસ્થાઓમાં જે તે રાજ્યો ઓબીસીની વસ્તી આધારિત અનામત માટેની વ્યવસ્થાની જોગવાઈ કરે. ૨૦૧૦માં ચુકાદો આવ્યો, પરંતુ ગુજરાત સરકારે ૧૦ વર્ષ સુધી તેના વિશે કોઈ પણ જાતનું ધ્યાન આપ્યું નહી. ૨૦૨૧માં જ્યારે સુપ્રિમ કોર્ટે ફરી આદેશ કરી કડક ઉઘરાણી કરી ત્યારે પણ સરકારે એનો અમલ ન કર્યો અને છેવટે જુલાઈ, ૨૦૨૨માં સરકારે આ ઓબીસી અનામત જે ગુજરાતમાં ૫૨ ટકા ઓબીસી સમાજની વસ્તી એને જે ૧૦ ટકા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અનામત મળતી હતી તે ખતમ કરી નાખી.

જુલાઈમાં સુપ્રિમ કોર્ટના આદેશનું મોડેમોડે અમલ કરી સમર્પિત આયોગની રચના જસ્ટિસ ઝવેરીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી. જ્યારે આયોગની જાહેરાત થઈ ત્યારે કહેવામાં આવ્યું હતું કે આયોગ દ્વારા ૯૦ દિવસની અંદર તમામ બાબતોનો અભ્યાસ કરી તમામ લોકોના અભિપ્રાય સાથે સાંકળી સરકારને રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. તાત્કાલિક એ રિપોર્ટના આધારે ઓબીસી સમાજને અનામત માટેની જોગવાઇ કરવામાં આવશે. આજે ૯૦ દિવસને બદલે લગભગ ૮ મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે. તેની મુદત પૂરી થઈ હોવા છતાં રિપોર્ટ સબમિટ થયા નથી. ૧૦ ફેબ્રુઆરીએ જ્યારે તેની મુદત પૂર્ણ થતી હતી ત્યારે ફરી તેની મુદત વધારવામાં આવી છે.

ઓબીસી સમાજનો અધિકાર તો છીનવાયો પણ સાથે સાથે ગુજરાતમાં જે મોટા પ્રમાણમાં ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અનેક જગ્યાઓ જે ચુંટણીઓ હતી તે પણ આના કારણે થઈ શકતી નથી. લગભગ ૨,૫૦૦ જેટલી ગ્રામપંચાયતોમાં ગત ડિસેમ્બર મહિનાની આસપાસ જ વહીવટદારો નિમાઈ ચૂક્યા હતા અને એ જ રીતે હજુ પણ આ રિપોર્ટમાં વિલંબ થવાના કારણે આ ફેબ્રુઆરીના અંત સુધીમાં જે બાકીની ગ્રામ પંચાયતોની ચૂંટણી ડ્યુ છે તે તમામ જગ્યાઓ પણ વહીવટદારો મૂકવા ફરજિયાત બનશે. તેવા સંજોગોમાં સરકાર મુદ્તમાં વધારો ન કરે અને રીપોર્ટ મેળવીને સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈનનો અમલ કરી વસ્તી પ્રમાણે ઓબીસી સમાજને અનામતની જોગવાઈ કરે અને તાત્કાલિક ચુંટણી યોજવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માંગણી છે.

Most Popular

To Top