અમદાવાદ : ભાજપના (BJP) ૨૭ વર્ષના ગુજરાતના શાસનમાં બક્ષીપંચ, દલિત, આદિવાસી, માઈનોરીટી અને શોષિત વર્ગને હળહળતો અન્યાય કરવામાં આવ્યો છે. સમાજમાં ભેદભાવ થાય તે રીતે ભાજપ દ્વારા શાસન કરવામાં આવી રહ્યું છે, તેવો ગંભીર આક્ષેપ પ્રદેશ કોંગ્રેસ (Congress) દ્વારા કરવામાં આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ સોમવારે જણાવ્યું હતું કે દેશના બંધારણમાં તમામ નાગરિકોને જાતિ ભાષા ધર્મ પ્રાંતના ભેદભાવ સિવાય દેશના સાધન સંસાધન અને સત્તામાં સમાન અધિકાર આપેલા છે. તેમ છતાં કમનસીબે ગુજરાતમાં છેલ્લા ૨૭ વર્ષથી ભાજપ સરકારનું કુશાસન ચાલે છે. જેમાં સામાજિક સમરસતા ડહોળાઈ અને જે રીતે સમાજમાં ભેદભાવ ઊભો થાય તે રીતે શાસન કરવામાં આવી રહ્યું છે. તેની સામે સામાજિક ન્યાય અને સામાજિક અધિકાર માટે લોકોને રસ્તા ઉપર ઉતરવું પડે, તેવા દિવસોનું નિર્માણ થયું છે.
રાજ્યના બક્ષીપંચ, દલિત, આદિવાસી અને માઈનોરિટીસ સમાજને જે સમાન અધિકાર મળવો જોઈતો હતો, તે સમાન અધિકાર કમનસીબે ભાજપના શાસકોની વિચારધારાને પરિણામે મળ્યો નથી. ભાજપ સરકારની વિચારધારાને કારણે સમાજના દબાયેલા કચડાયેલા વર્ગને વ્યાપક પ્રમાણમાં અન્યાય થયું છે, તેમની સાથે ભેદભાવ પૂર્વકનું વર્તન થઈ રહ્યું છે. આ સમાજને રાજકીય રીતે તો યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી, પણ બજેટની ફાળવણીમાં પણ અન્યાય થઈ રહ્યો છે.
પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે દલિત, આદિવાસી, બક્ષીપંચ અને મુસ્લિમ સમાજને ઇરાદાપૂર્વક જાણી જોઈને હાસિયામાં ધકેલવાનો સરકાર કારસો કરી રહી છે. વિધાનસભામાં સતત રજૂઆત કરવા છતાં જાણી જોઈને અન્યાય કરવામાં આવે છે. ગુજરાતમાં દલિત સમાજની વસ્તી સાત ટકા છે, તેને પણ સમાન બજેટ ફાળવવામાં આવતું નથી. જે બજેટ ફાળવવામાં આવે છે, તેના નાણા પણ બીજી જગ્યાએ ખર્ચવામાં આવે છે. સમાજના શોષિત, વંચિત વર્ગના લોકોના મોઢાનો કોળિયો ઝૂંટવીને સરકાર મોટા ઉદ્યોગ ગૃહોને ફાયદો કરાવી રહી છે.
રાજ્ય સરકાર ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન બનાવવાની મોટી મોટી વાતો કરી રહી છે, પરંતુ બીજી બાજુ આદિવાસી, દલિત, માઇનોરીટી, ઓબીસી સમાજના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ નિયમિત મળતી નથી. ગુજરાતમાં ફ્રીશીપ કાર્ડની યોજના પણ બંધ કરી દેવામાં આવી છે. વિદેશ લોનના નાણાં પણ નિયમિત ચુકવાતા નથી, બિન અનામત આયોગનો જે લાભ સમાજના વર્ગોને ૫૦૦ કરોડનો મળે છે તેને તમે ૫૦૦૦ કરોડનો આપો, અમને કોઈ વાંધો નથી પરંતુ ગુજરાતની ૮૨ ટકા વસ્તી ધરાવતા સમાજને તુચ્છ રકમ ફાળવો છો તે હવે કોઈપણ સંજોગોમાં હવે ચલાવી લેવામાં નહીં આવે. કોંગ્રેસ સંગઠિત બની સમગ્ર ગુજરાતમાં આ ૮૨ ટકા વર્ગને જે સીસ્ટમેટીક અન્યાય થયો છે એની વાતને લઈને ન્યાય અને સન્માન માટે લડશે.
પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય રૂત્વિક મકવાણાએ પત્રકારોને જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા તેમની જે મુળભૂત નીતિઓ છે તેના અનુસંધાને બક્ષીપંચ, દલિત, આદિવાસી અને માઈનોરિટીને મુખ્ય ધારામાંથી દુર કઈ રીતે થાય એ નીતિ ઉપર સરકાર કામ કરી રહી છે. કોંગ્રેસ પક્ષે બક્ષીપંચ, દલિત, આદિવાસી અને માઈનોરિટીને સત્તામાં ભાગીદારી મળે, સમાન હક્ક – અધિકાર મળે તેના માટે હંમેશા પહેલ કરી છે. માત્ર બજેટની ફાળવણીમાં જ નહીં પણ શિક્ષણની પરિસ્થિતિ પણ એ રીતે કરી દેવામાં આવી છે કે ગામડાઓમાં બક્ષીપંચ, દલિત, આદિવાસી અને માઈનોરિટીના બાળકોને શિક્ષણ મળતુ બંધ થઈ જાય તે રીતે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ગ્રાન્ટેડ શાળાઓ અને ગ્રાન્ટેડ છાત્રાલયોની ફાળવણી સદંતર બંધ છે. નોકરીઓ માટે પણ આ સમાજોને અનામતનો લાભ ન મળે તેના માટે કોન્ટ્રાક્ટ પદ્ધતિ અમલમાં મુકી દેવામાં આવી છે. આમ ગરીબ, શોષિત, વંચિતોને અધિકારથી દુર રાખવાનું ભાજપનું ષડયંત્ર પુરવાર થયું છે.