ગાંધીનગર : ભાજપના (BJP) હાઈકમાન્ડ દ્વારા ગુજરાત (Gujarat) વિધાનસભાના નવા અધ્યક્ષ પદે શંકર ચૌધરીની વરણી કરવાનો નિર્ણય લેવાતા હવે આજે શંકર ચૌધરીએ સવારે કમલમ ખાતે જઈને ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ હતું. વિધાનસભા સંકુલ ખાતે ભાજપના વિધાનસભા પક્ષની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે પણ ઉપસ્થિત રહીને સંબોધન કર્યુ હતું.
શંકર ચૌધરી સતત 5મી ટર્મ માટે ચૂંટાઈ આવ્યા છે. આ વખતે શંકર ચૌધરી થરાદ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ, ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, સુરતના મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આજે શંકર ચૌધરીએ વિધાનસભાના સેક્રેટરી ડી.એમ.પટેલ સમક્ષ અધ્યક્ષ તરીકે પોતાની ઉમેદવારી કરી હતી. તેવી જ રીતે ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડે પણ ઉમેદવારી કરી હતી.
આવતીકાલે સવારે વિધાનસભા સત્રની કાર્યવાહીના આરંભે જ વિધાનસભા અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની વરણી કરાશે. આમ તો વિધાનસભાના અધ્યક્ષની વરણી સર્વાનુમતે કરાતી હોય છે, એટલે આવતીકાલે વિના વિરોધે બન્ને નેતાઓની પસંદગી કરાશે. બીજી તરફ શિયાળુ સત્રના બીજા દિવસે રાજયપાલ આચાર્ય દેવવ્રત પણ ગૃહને સંબોધન કરશે.