રાજ્યની સત્તાધારી ભાજપ સરકારે લોકોને ફરી એક વાર ઉલ્લુ બનાવવા સોગઠીઓ ફેંકવા માંડી છે. 2022 ની વિધાનસભા ચૂંટણી ઢૂંકડી છે ત્યારે પાંચ વર્ષ વહીવટમાં ઠાગાઠૈયા કરતી સરકારે સેવાસેતુ કાર્યક્રમો મોટા ઉપાડે શરૂ કર્યા છે. આ સરકારને અને પ્રજાને સરકારનાં પાંચ વર્ષ પહેલાંના વાયદાઓ અને વચનો યાદ નથી. હવે ફરી એક વાર આ સરકાર ‘આ જા ફસા જા’નું નાટક લઇ મેદાને ઊતરી છે. મારે ‘સેવાસેતુ’ વાળી સરકારને યાદ અપાવવાનું કે(1) તમે અગાઉની ચૂંટણીમાં 251 હેઠળના મિલ્કત ધારકોની મિલ્કતના માલિકી અધિકાર જેવા પ્રોપર્ટી કાર્ડની નકલો વિના મૂલ્યે આપવાની જાહેરાત કરેલી એનું શું થયું? કેટલાક મિલ્કતધારકોને આવી નકલો આપી અને કેટલા લાખ બાકી છે? એ જાહેર કરો! (2) આ જ સરકારે પાંચ વર્ષ પહેલાં પરવાનગી વગર કરાયેલાં બાંધકામો રેગ્યુલરાઇઝ કરવા માટે ઇમ્પેકટ ફી ની યોજના મૂકેલી, જે અંતર્ગત રાજ્યમાં 50 લાખ જેટલી ફાઇલો મુકાઇ છે અને તેના માલિકોએ સરકારની જાહેરાત મુજબ કાયદેસર ઇમ્પેકટ ફી ભરી છે.
આમાંથી કેટલા મિલ્કતધારકોને સરકારે ‘મિલ્કત રેગ્યુલરાઇઝ’ સર્ટીફીકેટો આપ્યા? એ જાહેરાત કરેલી તો કેટલા કેમ્પ થયા? અને કેટલી અરજીનો નિકાલ થયો? જાહેર કરો (3) રાજ્યને ‘સોલાર સ્ટેટ’ બનાવવા મોટી મોટી જાહેરાતો કરેલી. તમારી જાહેરાતો અને યોજનાઓ વાંચીને હજારો લોકોએ પોતાની બચતના લાખ્ખો રૂ. ખર્ચીને સોલાર સિસ્ટમો લગાવી છે ત્યારે તમે તમારા મિત્રો (અદાણી)ની વીજળી કંપનીઓને બખ્ખાં કરાવવા દબાણમાં આવી હવે પારોઠનાં પગલાં ભરી યોજનાની સબસીડી બંધ કરવાની જાહેરાત કરી પ્રજા સાથે વિશ્વાસભંગ કરી રહ્યા છો. પ્રજા હવે તમારો વિશ્વાસ કઇ રીતે કરશે?
સુરત – જીતેન્દ્ર પાનવાલા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.