ગાંધીનગર: (Gandhinagar) તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી (Election) દરમ્યાન થયેલા નીરસ મતદાનના કારણોની તપાસ દરમ્યાન પાર્ટીની અંદરથી જ ઘરના જ જાણભેદુ નેતાઓ તથા કાર્યકરો દ્વારા નિષ્ક્રિય થઈને અથવા તો આડકરતી રીતે કોંગ્રેસના ઉમેદવારને મદદ કરી હોવાની વિગતો બહાર આવી રહી છે. હવે આગામી તા.૪થી જૂનના રોજ ૨૫ બેઠકોનું પરિણામ આવે તે પછી ગમે તે ઘડીયે ભાજપના હાઈકમાન્ડ દ્વારા પગલા લેવાય તેવી સંભાવના છે. આ માટે પાર્ટીના હિતને નુકસાન કરનારા નેતાઓ તથા કાર્યકરોની યાદી તૈયાર થઈ રહી છે.
- ૪થી જૂનના પરિણામ પછી ભાજપના ઘરમાં ભાંગફોડ કરનારા અંદરના કાર્યકરો સામે એકશન લેવાશે
- પાર્ટીની અંદર રહીને જ પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરો તથા નેતાઓનું લીસ્ટ તૈયાર થયું
સૌરાષ્ટ્રના ભાજપના ત્રણેક નેતાઓને સસ્પેન્ડ કરવાની ચર્ચા ચાલી રહી છે. જેમાં અમરેલી , જુનાગઢ તથા જામનગરના નેતાઓનો સમાવેશ થાય છે. એકંદરે રાજકોટ ,સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ , જામનગર , અમરેલી અને વડોદરા બેઠક પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરાઈ હોવાની વિગતો બહાર આવી છે.
લોકસભાની ચૂંટણી દરમ્યાન ભાજપના રાષ્ટ્રીય સંગઠ્ઠન મહામંત્રી બી. એલ. સંતોષ પણ ગુજરાતની મુલાકાતે આવી ગયા હતા. તેમણે પણ કેટલીક ચોંકાવનારી જાત માહિતી મેળવી હતી. જેમાં ખાસ કરીને વડોદરા શહેરના સંગઠનને તો તેમણે ઠપકો પણ આપ્યો હતો. સંતોષ દ્વારા આંતરીક ભાંગફોડની માહિતી એકત્ર કરી લેવામા આવી છે.
ભાજપની અંદર રહેલા વિભીષણોને શોધવા માટે જુદા જુદા સોર્સમાંથી માહિતી એકત્ર કરાઈ રહી છે. લોકસભાની ચૂંટણીના પરિણામનો જાહેરાત થતાની સાથે ભાજપના સંગઠ્ઠન તથા સરકારમાં પણ ધરખમ ફેરફાર આવે તેવી સંભાવના રહેલી છે. દાદાની કેબીનેટમાંથી ત્રણથી ચાર મંત્રીઓને પડતા મૂકીને છથી સાત જેટલા નવા મંત્રીઓને સમાવવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે. પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલનો કાર્યકાળ પૂર્ણ થવા આવ્યો છે એટલે ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંક પણ કરાશે, હાલમાં પાટીદાર સીએમ હોવાથી સંગઠ્ઠનમાં ઓબીસી ચહેરાને નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવે તેવી સંભાવના છે. આ સાથે પાટીલની આખી સંગઠ્ઠનની ટીમના સ્થાને નવી ટીમની રચના કરાશે. જયારે પાટીલ કેન્દ્રની કેબીનેટમાં લઈ જવાય તેવા સંકેત મળી રહ્યાં છે.