ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશના વિવિધ મોરચા જેવા કે યુવા મોરચા, લઘુમતી મોરચા, મહિલા મોરચા, અનુસુચિત જનજાતિ મોરચા, અનુસૂચિત જાતિ મોરચા, કિસાન મોરચા અને બક્ષીપંચ મોરચાની સંયુક્ત કારોબારીને સંબોધન કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કાર્યકર્તાએ કોઈપણ રાજકીય પક્ષનો મજબૂત પાયો છે. ભાજપા પાસે સંનિષ્ઠ કાર્યકર્તાઓની ફોજ છે જેના પર સમાજ-જીવનમાં એક વિશ્વાસ તેમજ વિશ્વસનીયતાની ખૂબ મોટી ઈમારત ભાજપાએ ચણી છે.
તેમણે કહયું હતું કે ભાજપના કાર્યકર્તાઓ એકરસ અને એકસૂત્ર થઈને કાર્યો કરે છે જેનું પરિણામ સમગ્ર દુનિયા સામે છે. કોઈપણ પદની અપેક્ષા વગર નિસ્વાર્થ ભાવે માત્રને માત્ર સેવા કાર્યો કરવાનું લક્ષ એ ભાજપાના કાર્યકર્તાઓનું હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં દરેક સ્તરે જવાબદેહી નક્કી છે અને તે જવાબદેહીના પરિણામે દરેક કાર્યકર્તા પોતપોતાના કાર્યોમાં સક્રિય રહી રચ્યોપચ્યો રહે છે. ભારતીય જનતા પાર્ટી જે કહે છે તે કરે છે અને એ પણ સમય મર્યાદામાં કરે છે તેના કારણે સમાજ-જીવનમાં ભાજપ પ્રત્યે જનતા જનાર્દનમાં વિશ્વસનીયતા ઊભી થઈ છે. આપણે સૌએ કોવિડ મહામારીના સમયમાં જોયું કે સાથે મળીને પ્રયાસ કરવામાં આવે તો કોરોના જેવી મહામારીમાંથી પણ આપણે દેશને હેમખેમ ઉગારી શકીએ છીએ.
કાર્યકરો દ્વારા સતત જનસંપર્ક ચાલુ રાખવામાં આવે: પાટીલ
અમદાવાદમાં થલતેજ ખાતે પંડિત દીનદયાલ ઓડીટોરીયમમાં યોજાયેલી કારોબારીમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે કહયું હતું કે , કાર્યકર્તાઓએ પૂર્ણ કરેલ કાર્યોથી સંતોષ ન માની નવીન કાર્યક્રમની સંરચના થકી જનસંપર્ક કરવો જોઈએ અને કાર્યકર્તા નવી પગદંડી માંડી તેના પર આગળ વધશે ત્યારેજ નવીન ક્રાંતિ થશે. પાટીલે આગામી સમયમાં સરદાર સરોવર ડેમની ઉંચાઇ વધવાના કારણે ગુજરાતને થયેલ અકલ્પનીય લાભોની વાત એક-એક ખેડૂત સુધી પહોંચાડવાની હાંકલ કરી હતી.
પાટીલ સૌને અપીલ કરતા જણાવ્યું હતું કે, નવીન અભિગમ સાથે કાર્યકર્તાઓને પક્ષ સાથે જોડવા માટે નવીન કાર્યક્રમો કરવા જોઈએ અને પક્ષ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ લાંબા સમય સુધી ભાજપની રાષ્ટ્રપ્રથમ અને અંત્યોદયની વિચારધારા સાથે જોડાયેલા રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ. ભાજપાના ઉમેદવાર ચૂંટણી લડતા નથી પરંતુ ભાજપનું મજબૂત સંગઠન ચૂંટણી લડતું હોય છે, ભાજપનો કાર્યકર્તા જીતવા માટે ચુંટણીના જંગમાં ઉતરે છે, તેને ક્યારેય પોતાની ઉમેદવાર તરીકે ટિકિટની અપેક્ષા હોતી નથી. પાટીલ સૌ ઉપસ્થિત કરોબારી સભ્યોને પેજ સમિતિનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે , આપણે ગુજરાતમાં પેજ સમિતિનું મોટા ભાગનું કાર્ય પૂર્ણ કર્યું છે અને બાકીનું કાર્ય પણ સત્વરે પૂર્ણ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાતનું પેજ સમિતિનું મોડેલ સમગ્ર દેશમાં ભાજપા સંગઠન દ્વારા અપનાવવામાં આવી રહ્યું છે.