નવી દિલ્હી: આજે શનિવારે લોકસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન જોરદાર હંગામો થયો હતો. વાસ્તવમાં ડીએમકે સાંસદ એ. રાજાએ તેમના ભાષણમાં કહ્યું હતું કે 1947માં દેશના ભાગલાનો દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત વીર સાવરકરે શરૂ કર્યો હતો, મોહમ્મદ અલી ઝીણાએ નહીં. તેમનું નિવેદન સાંભળીને ગૃહમાં હોબાળો મચી ગયો હતો. આ અગાઉ ભાજપ પર આરોપ લગાવતા રાજાએ કહ્યું હતું કે ભાજપ બંધારણમાં ફેરફાર કરશે અને ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકે જાહેર કરશે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો અને એ. રાજાને પોતાનો દાવો સાબિત કરવા કહ્યું હતું. જોશીએ કહ્યું, તમારી પાર્ટીના ઉપાધ્યક્ષે ચૂંટણી પહેલા કહ્યું હતું કે જો ભાજપને 400 બેઠકો મળશે તો તેઓ બંધારણમાં ફેરફાર કરશે અને ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરશે.
એ. રાજાએ NDA સાંસદોને “ખરાબ તત્વો” (Bad Eliments) ગણાવ્યા હતા, જેના કારણે ગૃહમાં હોબાળો વધ્યો હતો. ભાજપે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે આવા નિવેદનો ગૃહની ગરિમાને ઠેસ પહોંચાડે છે અને પુરાવા વિના આક્ષેપો કરવાની નિંદા કરે છે.
રાજાએ ‘ખરાબ તત્વ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો જેના પર શાસક પક્ષના સાંસદોએ વાંધો ઉઠાવ્યો હતો. નિશિકાંત દુબેએ કહ્યું કે રાજાએ આ અંગે માફી માંગવી જોઈએ. જગદંબિકા પાલે કહ્યું કે રાજાના નિવેદનને ગૃહની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવશે.
રિજિજુએ કોંગ્રેસને ઘેરી
લોકસભામાં અગાઉ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ પર સરહદી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અવગણના કરવાનો આરોપ લગાવતા આકરા પ્રહારો કર્યા હતા. રિજિજુએ કહ્યું, કોંગ્રેસની નીતિ સરહદી વિસ્તારોમાં રસ્તાઓ બનાવવાની ન હતી.
તેમની વિચારસરણી એવી હતી કે જો રસ્તાઓ બનાવવામાં આવશે તો ચીનની સેના તે રસ્તાઓ પરથી આવશે અને અમારી જમીન પર કબજો કરશે. 1962ના ભારત-ચીન યુદ્ધનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, તે સમયે મારું ગામ બે અઠવાડિયા સુધી ચીનના નિયંત્રણમાં હતું.
કોંગ્રેસે અમારા માટે રસ્તાઓ બનાવ્યા ન હતા. ખાસ કરીને ઉત્તર-પૂર્વ ભારત માટે નહીં. રિજિજુએ કહ્યું કે તેમણે એવા રાજકીય પક્ષમાં જોડાવાનો નિર્ણય કર્યો જે રાષ્ટ્રવાદી છે અને ભારતની ભૂમિના એક-એક ઇંચની રક્ષા કરવાની હિંમત ધરાવે છે.