બેંગલુરુ: કર્ણાટકમાં (Karnatak) ચૂંટણી (Election) પ્રચાર દરમ્યાન આ રાજ્ય માટે સાર્વભૌમત્વ શબ્દનો ઉપયોગ કરવા બદલ ભાજપ (BJP) આજે ચૂંટણી પંચ સમક્ષ ગયો હતો અને કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી સમક્ષ પગલા ભરવા માગ કરી હતી તથા તેમના પક્ષની માન્યતા રદ કરવાની પણ માગણી કરી હતી. કોંગ્રેસના મલ્લિકાઅર્જુન ખડગેને નોટિસ મોકલવામાં આવી છે જેમાં ભાજપની ફરિયાદ પછી ચૂંટણી પંચે કોંગ્રેસને ખુલાસો કરવા અને સોશ્યિલ મીડિયા પોસ્ટ સુધારવા જણાવ્યું છે. ચૂંટણી પંચે ખડગે પાસેથી ખુલાસો માંગ્યો છે. ચૂંટણી પંચનું કહેવું છે કે આ રાજકીય પક્ષો દ્વારા લેવામાં આવેલા શપથનું ઉલ્લંઘન છે.
કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવના વડપણ હેઠળના ભાજપના એક પ્રતિનિધિમંડળે દિલ્હીમાં ચૂંટણી પંચને એક આવેદનપત્ર આપ્યું હતું. કર્ણાટક એ યુનિયન ઓફ ઇન્ડિયાનું ઘણુ અગત્યનું રાજ્ય છે અને ભારતીય સંઘના કોઇ પણ સભ્યના સાર્વભૌમત્વની હાકલ કરવી તે તેને અલગ કરવા માટેની હાકલ સમાન ગણી શકાય અને તે જોખમી અને હાનિકારક સંજોગોથી ભરપૂર છે એમ પક્ષે જણાવ્યું હતું. આ પ્રતિનિધિમંડળના સભ્યો તરૂણ ચુઘ, અનિલ બલુની અને ઓમ પાઠકે પત્રકારો સાથે વાત કરતા લોક પ્રતિનિધત્વ ધારાને ટાંકીને કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષની માન્યતા રદ કરવી જોઇએ.
ભાજપે કોંગ્રેસના તે ટ્વીટને ટાંક્યું હતું જેમાં એક કહેવાયું હતું કે સોનિયાજીએ ૬.પ કન્નડીગાઓને એક મજબૂત સંદેશો પાઠવ્યો છે કે કર્ણાટકની પ્રતિષ્ઠા, સાર્વભૌમત્વ કે અખંડિતા પર કોઇને ભય સર્જવા દેવામાં આવશે નહીં. ભાજપે બેંગલુરુમાં પણ ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને તેને વિનંતી કરી છે કે સાર્વભૌમત્વ શબ્દ વાપરવા બદલ સોનિયા સામે એફઆઇઆર દાખલ કરવાનો આદેશ આપવામાં આવે. સાર્વભૌમત્વ શબ્દની વ્યાખ્યા એક અલગ દેશ એવી થાય છે અને આનો અર્થ એ થાય કે કોંગ્રેસ માને છે કે કર્ણાટક ભારતથી જુદું છે. આ વિભાજક પ્રકારનું નિવેદન છે અને તે વિભાજક લાગણીઓ જન્માવનારું છે અને લોકોમાં વિસંવાદિતા પેદા કરનારું છે એમ ફરિયાદમાં કહેવાયું છે. ભાજપની ફરિયાદ પછી ચૂંટણી પંચે કોંગ્રેસ વડાને પત્ર લખીને આ બાબતમાં ખુલાસો કરવા જણાવ્યું છે અને તે સાથે જ આઇએનસીના ટ્વીટર હેન્ડલ પર મૂકાયેલા સોનિયાની ટિપ્પણી અંગેની પોસ્ટ સુધારી લેવા પણ જણાવ્યું છે.