અમદાવાદ: મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના ફોટા (Photo) કોંગ્રેસના (Congress) માથા ઉપર હોય છે, પરંતુ આરએસએસની ઓફિસમાં તો ગાંધી અને સરદારના ફોટા લગાડવામાં પણ આવતા નથી, તેમ છતાં વડાપ્રધાન (PM) સરદાર પટેલ અને ગાંધીના અપમાનની વારંવાર વાતો કરે છે. ભાજપ (BJP) ડબલ એન્જિન સરકારની વાત કરી રહી છે, પરંતુ ગુજરાતમાં છ વર્ષના શાસનમાં ત્રણ એન્જિનને શા માટે બદલવા પડ્યા? એન્જિન જ્યારે કામ કરતું નથી ત્યારે તેને બદલવું પડે છે તેથી ગુજરાતમાં હવે પરિવર્તનનો સમય આવી ગયો છે તેવું કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે જનસભાને સંબોધતા જણાવ્યું હતું.
અમદાવાદ શહેરના ચાંદખેડામાં જન સભાને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ડબલ એન્જિન સરકારની વાતો કરી રહી છે, જો ડબલ એન્જિનની સરકાર હોય તો છ વર્ષમાં ત્રણ એન્જિન શા માટે બદલવા પડ્યા ? એનો મતલબ એ છે કે ગુજરાતમાં એન્જિન બરાબર કામ કરતું નથી. તેથી જ વારંવાર એન્જિનોને બદલવામાં આવ્યા છે, એટલે હવે નવા એન્જિનને લાવવાનો સમય પાકી ગયો છે.
મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં કહ્યું હતું કે દેશ અને દુનિયા આજે મહાત્મા ગાંધી અને સરદાર પટેલને માને છે, જ્યારે બીજી તરફ વડાપ્રધાન મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ વચ્ચે તુલના કરી ઝઘડાની વાતો કરી રહ્યા છે. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે અને નવ વર્ષથી કેન્દ્રમાં સત્તા પર છે. તેમ છતાં ભાજપ કોઈ વિકાસ ન કરી શકે. જો આટલા વર્ષના શાસન પછીથી અને આટલા બધા મોકા આપ્યા પછી પણ જો કોંગ્રેસને જ ગાળો દેવાની હોય તો ભાજપ સરકારને બદલવી જોઈએ. 27 વર્ષના ભાજપના શાસનમાં ભાજપે એક પણ સરકારી નવી મેડિકલ કોલેજ, હોસ્પિટલ, શાળાઓ, આઇઆઇટી બનાવી નથી. જે કંઈ બનાવેલું હતુ તે તેમના માનીતા ઉદ્યોગપતિઓને વેચી રહ્યા છે. ઉદ્યોગપતિઓના દેવા માફ કરાય છે, જ્યારે ખેડૂતોના દેવા માફ કરાતા નથી. સરકારી લાખો જગ્યા ખાલી હોવા છતાં સરકાર ભરતી કરતી નથી અને બેરોજગાર યુવાનો નોકરી માટે વલખા મારી રહ્યા છે.